ઓછી પિયત અને ઓછા ખર્ચે સારો ભાવ આપતા રાજગરાની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી

રાજગરો એ એક પ્રકારનું હલકુ ધાન્ય છે. આ પાક સરસવ, રાઈ અને રજકા જેવા પાકો સાથે મિશ્ર પાક તરીકે પણ લેવાય છે. તેના દાણાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. રાજગરાનો ઉપયોગ ઉપવાસ વખતે શીરો બનાવીને ખાવા માટે કરે છે. રાજગરાની ધાણી ફોડીને નાસ્તાના ઉપયોગમાં લેવાય છે. રાજગરાના લોટમાંથી ભાખરી અથવા પુરી પણ બનાવવામાં આવે છે.


amaranth farming in india
SOURCE : INTERNET

રાજગરાની ખેતી માટે ભલામણ કરેલ જાતો :

રાજગરાની ખેતી માટે ગુજરાત રાજગરો-1 અને ગુજરાત રાજગરો-2 જાત સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરેલ છે.

રાજગરાની ખેતીનો વાવેતર સમય :

રાજગરાની ખેતીમાં સમયસરની વાવણી કરવી એ રાજગરાની સફળ ખેતી માટેનો મહત્ત્વનો મુદ્દો છે. નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે રાજગરાનું વાવેતર કરવાની ભલામણ છે.

રાજગરાની ખેતીમાં બિયારણનો દર :

રાજગરાની ખેતી કરવા માટે એક હેકટર વિસ્તારમાં વાવેતર કરવા માટે 2.5 થી 3 કિલો રાજગરાના બિયારણની જરૂરિયાત રહે છે.

રાજગરાની ખેતીમાં વાવેતર અંતર :

રાજગરાની ખેતીમાં વાવણી પૂંકીને ન કરતા તરફેણ અથવા વાવણિયાથી કરવી. બે ચાસ વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 10 સે.મી.નું અંતર રાખીને વાવેતર કરવાની ભલામણ છે.

રાજગરાની ખેતીમાં બીજની માવજત :

રાજગરાની ખેતીમાં બીજને જમીનજન્ય અને બીજજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે થાયરમ કે કેપ્ટાન પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ મુજબ દવાનો પટ આપવો.

રાજગરાની ખેતીમાં સેન્દ્રિય ખાતર :

રાજગરાના પાકમાં જમીનની તૈયારી કરતી વખતે હેક્ટરે 10 થી 15 ગાડા સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપી બરાબર જમીનમાં ભેળવી દેવું.

રાજગરાની ખેતીમાં જૈવિક ખાતર :

  • રાજગરાની ખેતીમાં એઝેટોબેટર, એઝોસ્પાયરીલમ, ફોસ્ફો બેકટેરીયા અને એન.પી.કે. કન્સોર્ટિયમનો બિયારણને પટ આપવો.
  • કૃષિ યુનિવર્સિટી દ્વારા જૈવિક ખાતર ૫ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં અથવા 1 લિટર પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે.
  • રાજગરાના બીજને જૈવિક ખાતરનો પટ આપવાથી રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી શકાય છે.

રાજગરાની ખેતીમાં રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન:

જમીનનું રાસાયણિક પૃથક્કરણ અગાઉથી કરાવીને તેની ભલામણો મુજબના ખાતરો વાપરવાથી વિશેષ લાભ થાય છે. રાજગરાના પાક માટે પ્રતિ હેકટરે 25 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 12.5 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. તે પૈકી નાઈટ્રોજનનો અડધો જથ્થો (12.5 કિલો) તેમજ ફોસ્ફરસનો તમામ જથ્થો (12.5 કિલો) પાયામાં આપવો. વાવેતર માટે તૈયાર કરેલ તરફેણથી જે જગ્યાએ વાવેતર કરવાનું હોય તે જગ્યાએ ચાસમાં ઊંડે ઓરીને ખાતર આપ્યા બાદ સમાર મારવો. રાજગરાનો પાક એક માસનો થાય ત્યારે પિયત આપ્યા બાદ વરાપ થયે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો (12.5 કિલો) ચાસથી 5 થી 6 સે.મી. દૂર દરેડીને આપવો. ત્યારબાદ આંતરખેડ કરીને જમીનમાં ભેળવી દેવો.

રાજગરાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન :

રાજગરાના પાકને કુલ 5 પિયતની જરૂરિયાત રહે છે. બે પિયત વચ્ચે 20 થી 23 દિવસનો ગાળો રાખી પિયત આપવું.

રાજગરાની ખેતીમાં નીંદામણ અને આંતરખેડ :

રાજગરાના પાકનો મોટામાં મોટો હરીફ હોય તો તે નીંદણ છે. જે પોષક તત્વો અને ભેજનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાની વૃદ્ધિ કરીને રાજગરાના પાક સાથે હરિફાઈ કરીને તેનું ઉત્પાદન ઘટાડે છે. જો ઓછા નીંદણ હોય તો હાથથી નીંદામણ કરવું અને બે ચાસ વચ્ચેનો નીંદણોને દૂર કરવા માટે કરબડીથી આંતરખેડ કરીને ખેતરને નીંદણમુક્ત રાખવું.

જ્યારે મજૂરોની અછત હોય ત્યારે પેન્ટીમીથાલીન હેકટર દીઠ 1.0 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રાઈમરજન્સ (પાકની વાવણી બાદ પરંતુ પાક ઉગતા પહેલા) તરીકે આપવી. તેના માટે ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. દવા નાંખી છંટકાવ કરવો.

રાજગરાની ખેતીમાં સરેરાશ પાક ઉત્પાદન :

રાજગરાની ખેતીમાં એક હેકટરે 1500 થી 2000 કિલોગ્રામ ઉત્પાદન મળે છે.

કૃષિ સંશોધન કેન્દ્ર (પિયત પાકો), આ.કૃ.યુ., ઠાસરા દ્વારા થયેલ ભલામણો :

(1) મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-3 ના ખેડૂતોને પ્રતિ હેકટરે વધુ ઉત્પાદન અને નફો મેળવવા રાજગરાના પાકની વાવણી 45 સે.મી. x 10 સે.મી.ના ગાળે હારમાં કરવી અને 20 થી 23 દિવસના અંતરે કુલ પાંચ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.

(2) મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-3ના શિયાળામાં રાજગરો પકવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પ્રતિ હેકટરે વધુ નફો મેળવવા તેઓએ ચોમાસામાં મકાઈ અથવા બાજરો તથા ઉનાળામાં ભીંડા (શાકભાજી) પાક પદ્ધતિ અપનાવવી.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો


આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

1 Comments