ગાજરની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી

સમગ્ર વિશ્વમાં ગાજરની સૌથી વધુ વિવિધતા અફઘાનિસ્તાન, રશિયા, ઈરાન અને ભારતમાં જોવા મળે છે. હવે કેસરી રંગના યુરોપિયન ગાજરોના બદલાવથી વાવેતરમાં એશિયાઈ ગાજર ઓછા વવાતા જાય છે. શાકભાજી પાકોમાં ગાજરને ‘ઊર્જાનો અદભૂત ખજાનો' કહે છે કારણ કે ગાજરમાં વિપુલ પ્રમાણમાં શક્તિ પ્રદાન કરવાની તાકાત છે. ગાજરમાં ઉત્તમ પોષક તત્વો ઉપરાંત ખૂબ જ આયુર્વેદિક મૂલ્ય ધરાવતા ઘટકો રહેલા છે. ગાજરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, પ્રજીવકો, શર્કરા તેમજ ક્ષારો જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન વિપુલ માત્રામાં છે. ગાજરમાં કેરોટીનોઈડઝ અને એન્થોસાઈનીન્સ જેવા એન્ટિઓક્સિડન્ટ આવેલા હોવાથી કેન્સર જેવા રોગને અટકાવે છે અને રતાંધળાપણુ પણ દૂર કરે છે. તદ્ઉપરાંત ગાજરનો કમળાના રોગમાં દવા તરીકે ઉપયોગ થાય છે. ગાજરનો વપરાશ શાકભાજી ઉપરાંત પાઉડર, મીઠાઈ, હલવો, અથાણાં, જયુસ અને વાનગીઓ બનાવવામાં થાય છે. કાળા ગાજરમાંથી કાંજી અને બેવરેજીસ બનાવવામાં થાય છે જે ભૂખ લગાડનાર ગુણ ધરાવે છે.

આપણાં રાજ્યમાં એશિયાઈ (દેશી) જૂથના ગાજરનું વાવેતર મોટા ભાગે પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, વડોદરા, વલસાડ અને સુરત જિલ્લાઓમાં પણ આ પાકનું મહદ અંશે વાવેતર થાય છે.

ગાજરની ખેતીને અનુકૂળ આબોહવા અને જમીન :

ગાજર શિયાળુ પાક તરીકે ઉગાડવામાં આવે છે. ગાજરના બીજના ઉગાવા, મૂળના શરૂઆતના વિકાસ માટે તથા મૂળના રંગ માટે તાપમાન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીનનું 7° થી 24° સેલ્શિયસ તાપમાન બીજના ઉગાવામાં અનુકૂળ છે. ગાજરના પાકને સરેરાશ 10° સેલ્શિયસ થી ૨૪° સેલ્શિયસ તાપમાન વધારે અનુકુળ આવે છે. આનાથી તાપમાન ઊંચે જાય તો ગાજર ટૂંકા અને જાડા થાય, રંગ અને સ્વાદ ફિક્કો થાય  છે તેમજ ગાજરનું ઉત્પાદન ઘટે છે.

ગાજરની ખેતી વિશે સંપૂર્ણ
SOURCE : INTERNET

ગાજરના પાકને સારા નિતારવાળી, પોચી અને ભરભરી તેમજ ગોરાડુ જમીન વધુ માફક આવે છે. ભારે જમીનમાં મૂળનો વિકાસ બરાબર થતો ન હોવાથી આવી જમીન ગાજરના પાકને ઓછી અનુકૂળ આવે છે. પોટાશયુક્ત જમીનમાં આ પાક સારો થતો હોવાથી ઉત્તર ગુજરાતની પોટાશ સભર જમીનોમાં ગાજરનું ગુણવત્તાસભર ઉત્પાદન મળે છે.

ગાજરની ખેતી માટે જમીનની તૈયારી અને ખાતર વ્યવસ્થાપન :

ગાજરના મૂળ જમીનમાં વિકાસ પામતા હોઈ જમીનમાં ઊંડી ખેડ કરી, જમીન પોચી અને ભરભરી બનાવવી જેથી ગાજરના મૂળનો આકાર બદલાય નહિ. ખાતરોમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોનો સારો પ્રતિભાવ આવે છે. 25 ટન છાણિયું ખાતર જમીનમાં ખેડ કરતાં પહેલાં આપવું. રાસાયણિક ખાતરોમાં અનુક્રમે 100:50:50 કિલોગ્રામ પ્રતિ હેકટરના પ્રમાણમાં નાઇટ્રોજન : ફોસ્ફરસ: પોટાશની ભલામણ પ્રમાણે 108 કિ.ગ્રા. ડી.એ.પી., 88 કિ.ગ્રા. યુરિયા અને 86 કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ હેકટર જમીનમાં મિક્સ કરી પાળા બનાવવા. 88 કિ.ગ્રા. યુરિયા 45- 50 દિવસે વાવણી પછીના દિવસોએ આપવું. જમીનના ઢાળને અનુકૂળ પાળા પદ્ધતિ કરી બીજ વાવતેર કરવાથી ગાજરનો ઘાટો લાલ રંગ જળવાઈ રહે છે. જમીનના ઢાળને અનુલક્ષીને યોગ્ય માપના કયારા બનાવીને પણ ગાજરનું વાવેતર કરાય છે.

ગાજરની ખેતીનો વાવણી સમય :

ગાજરની વાવણી જમીન અને વાતાવરણના તાપમાનને આધારે કરવી જોઈએ. ગાજરની વાવણી ગુજરાત માટે ઑકટોબરના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરી નવેમ્બરના અંત સુધી વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

ગાજરની ખેતીમાં બિયારણનો દર :

એક હેકટર વિસ્તારમાં ગાજરની વાવણી કરવા માટે 5 થી 6 કિ.ગ્રા. બીજની જરૂર પડે છે. ગાજરના બીજ ઉપર રૂંવાટી હોવાથી વાવણી પહેલાં બીજને છાણના રગડામાં ભેળવી સહેલાઈથી વાવી શકાય છે. ગાજરના બીજ કદમાં નાના હોવાથી વાવતાં પહેલા ઝીણી રેતી અથવા દિવેલીના ખોળ સાથે ભેળવીને વાવેતર કરવું હિતાવહ છે.

ગાજરના બીજનો ઉગાવો :

ગાજરના બીજના ઉગાવા ઉપર બીજનું કદ અગત્યનો ભાગ ભજવે છે. જેમ ગાજરના બીજ મોટા તેમ તેનો ઉગાવો વહેલો અને સારો થાય છે. વળી સંપૂર્ણ પરિપક્વ બીજનો ઉગાવો પણ સારો થાય છે.

ગાજરના બીજની માવજત :

ગાજરના બીને વાવતાં પહેલા 12 થી 24 કલાક પાણીમાં પલાળીને વાવવાથી ઉગાવો ઝડપી થાય છે. આ ઉપરાંત બીજને 0.2 ટકાના મેંગેનીઝના દ્રાવણમાં અથવા 0.01 ટકાના બોરોનના દ્રાવણમાં અથવા 0.15 ટકાના ઝિંક સલ્ફટના દ્રાવણમાં 24 કલાક માટે પલાળીને વાવવાથી ઉગાવો અને ઉત્પાદન વધુ મળે છે.

ગાજરની વાવણી પદ્ધતિ :

ગાજરની વાવણી બે પદ્ધતિથી કરવામાં આવે છે. રેતાળ તેમજ ગોરાડુ જમીનમાં સપાટ કયારા બનાવીને ગાજરને પૂંખીને વાવણી કરવી જોઈએ, જ્યારે ભારે કાળી જમીનમાં 30 સે.મી.ના ચાસ બનાવી પાળા જાડા બનાવીને ઓરીને વાવણી કરવી જોઈએ. બિયારણ 1.5 સે.મી. ઊંડાઈએ પડે તે રીતે ભેળવવું/નાંખવું. 10-15 દિવસનો ગાળો રાખી એકાંતરે વાવેતર કરવાથી માર્કેટમાં સતત વેચાણ ચાલુ રાખી શકાય છે. ખાસ કરીને પાટણ અને સૌરાષ્ટ્રમાં કયારા પદ્ધતિથી વાવેતર થાય છે.

ગાજરની ખેતીમાં વાવણી/પારવણી અંતર :

ગાજરની ખેતીમાં વાવણી અંતર વાવણી પદ્ધતિ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી.નું અંતર રહે તે રીતે વાવણી કરવી. ગાજરના બીજ એક થી દોઢ સે.મી. ઊંડાઈ સુધી વાવવાથી વધુ સારો ઉગાવો થાય છે. પાળાથી પાળાનું 30-45 સે.મી. અને છોડથી છોડનું અંતર 10 સે.મી. રાખી વાવેતર કરવું. પાળા પદ્ધતિથી ગાજરના કંદનો રંગ સારો મળે છે. ગાજરના મૂળનો કોઈપણ ભાગ બહાર રહેવાથી રતાશ પડતો લીલો થાય છે.

ગાજરની ખેતીમાં પિયત વ્યવસ્થાપન :

ગાજરના બીજની વાવણી પછી તરત જ પિયત આપવું ત્યાર પછી બીજું પિયત 4 થી 6 દિવસે આપવું જોઈએ. બાકીના પિયત 10-12 દિવસના અંતરે પાકની જરૂરિયાત મુજબ આપવા. ટુંકા ગાળે હળવા પિયત આપવાથી કંદનો વિકાસ સારો થાય છે. પાન ચીમળાતા દેખાય ત્યારે અવશ્ય પિયત આપવું. ગાજર કાઢતાં પહેલા 2-3 દિવસ પહેલાં પિયત આપવાથી ઉપાડવામાં તેમજ ખોદવામાં સરળતા રહે છે.

ગાજરની ખેતીમાં આંતરખેડ :

ગાજરના પાકમાં આંતરખેડ કરવાથી નીંદામણ થતું રોકાઈ તેમજ જમીનમાં હવાની અવરજવર થવાથી છોડની વૃદ્ધિ તેમજ ગાજરનો વિકાસ સારો થાય છે. આંતર ખેડ કર્યા પછી છોડના મૂળ ઉપર પાળા કરવા જેથી મૂળને સૂર્યપ્રકાશનો સંપર્ક ન રહેવાથી લીલો રંગ થતો નથી.

ગાજરની ખેતીમાં નીંદણ નિયંત્રણ :

ગાજરના પાકને નીંદામણથી વધારે નુકસાન થાય છે. તેથી શરૂઆતથી જ જરૂરિયાત મુજબ હાથથી નીંદામણ દૂર કરતા રહેવું. ગાજરમાં નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરી શકાય છે. આ માટે બે પદ્ધતિઓ છે. (1) બીજની વાવણી પછી પરંતુ બીજના ઉગાવા પહેલા અને (2) બીજ અને નીંદામણના ઉગાવા પછી.

પ્રથમ પદ્ધતિમાં ગાજરના બીજની વાવણી પછી 3.5 લિટર પ્રતિ હેકટર દીઠ પેન્ડીમેથીલીન નીંદણનાશક દવાનો જમીન ઉપર છંટકાવ કરવો. દવા છાંટતી વખતે જમીનમાં યોગ્ય ભેજ હોવો જરૂરી છે. બીજી પદ્ધતિમાં ગાજર બે પાંદડે થાય અને નીંદામણ ચાર પાંદડે થાય ત્યારે એકાદ છંટકાવ કરવો. ગાજર બેસતા થાય તે પહેલાં પાળા ચઢાવવા અગત્યના છે જેથી મૂળનો સારો વિકાસ અને રંગ જળવાઈ રહે.

ગાજરની ખેતીમાં પાક સંરક્ષણ :

સામાન્ય રીતે ગાજરના પાકમાં ખાસ કોઈ રોગ કે જીવાતથી નુકસાન જોવા મળતું નથી.

ગાજરની ખેતીમાં કાપણીનો યોગ્ય સમય

ગાજરની ખેતીમાં વાવણી પછી ગુજરાતની દેશી જાત 90 થી 110 દિવસમાં ગાજર તૈયાર થઈ જાય છે. જ્યારે ગાજરના બહારના પાંદડા સૂકાવા માંડે ત્યારે ગાજર ખોદવા લાયક થાય છે. દેશી ગાજરનો મૂળ ઉપરની ગોળાઈ 2.5 થી 5 સે.મી. થતાં કાપણી કરી શકાય છે, પરંતુ બજાર કિંમત વધારે મળતી હોય તો થોડા વહેલા પણ ખોદી શકાય છે.

ગાજરને જમીનમાંથી ખોદી કાઢતા પહેલા એકાદ દિવસ અગાઉ પિયત આપવું. સાંજના સમયે ગાજર ખોદીને કાઢ્યા પછી પાન કાપીને કંદ અલગ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરવા અને બીજા દિવસે વહેલી સવારે બજારમાં વેચાણ માટે મોકલી આપવા. બજારની માંગ મુજબ પાણીથી સાફ કરેલા, પાંદડા કાપીને શણના કોથળામાં ભરીને ગાજર બજારમાં મોકલવામાં આવે છે. જો ગાજરનું ગ્રેડિંગ કરવામાં આવે તો તેમાં બજારભાવ વધારે મળી શકે છે.

ગાજરનું સરેરાશ ઉત્પાદન :

ગાજરની ખેતીમાં એક હેકટરમાંથી અંદાજે 40,000 થી 50,000 કિ.ગ્રા. ગાજરનું ઉત્પાદન થાય છે.

ગુજરાત, દાંતીવાડા ગાજર-1ની અગત્યની લાક્ષણિકતાઓ :

શાકભાજી સંશોધન યોજના અંતર્ગત, સરદાર દાંતિવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણએ વર્ષ 2013માં ગાજરની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી પ્રથમ એશિયાઈ (દેશી) જાત ગુજરાત દાંતીવાડા ગાજર-1 બહાર પાડવામાં આવેલ જે પુસા રૂધિરા અને પુસા અસિતા કરતા અનુક્રમે 14.3 અને 45.5 ટકા વધુ ઉત્પાદન આપે છે. તદુપરાંત ગાજરની કંદ ગુણવત્તા ખૂબ સારી હોવાથી સારા ભાવ મળે છે. તેના મૂળનો રંગ લાલ, લાલ રંગનું પિત્તવાળુ તેમજ એકસરખા શંકુ આકારના, સુંવાળી સપાટીવાળા છે. તેના પોષણ મૂલ્યમાં વધુ શર્કરા હોવાથી મીઠા અને પુસા અસિતા કરતાં વધુ બીટા કેરોટીન ધરાવે છે. ગાજરની ત્રણેય જાતોની મુખ્ય ખાસિયતો કોઠામાં દર્શાવેલ છે.

ગાજરની ખેતી અને તેની વિવિધ જાતોની લાક્ષણિકતા

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો


આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments