ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના વિશે સંપૂર્ણ માહિતી. પ્રિમિયમ ભર્યા વગર ખેડૂતનો મળે છે લાભ.

ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/ કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજના ૧૦૦% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમાં પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તા.01/04/2008 થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત અમલમાં છે.

ખેડૂત અકસ્માત વીમા યોજના

ઉદ્દેશ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

સહાય કોને મળવા પાત્ર થાય?

વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને આ યોજનામાં લાભ મળવાપાત્ર છે.

મુખ્ય શરતો

 1. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય) અથવા ખાતેદાર ખેડૂતના સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ/પત્ની હોવા જોઇએ.
 2. મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માત ના કારણે થયેલ હોય.
 3. આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
 4. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઇએ.
 5. 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.

સુધારેલ સહાય ધોરણ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા: 13/11/2018 ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.

 1. અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦% લેખે રૂ. ૨.૦૦ લાખ.
 2. અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દ્રષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગ નાં કિસ્સામાં ઘૂંટણ પરથી તદ્દન કપાયેલી હોય)
 3. અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પ૦% લેખ રૂ. ૧.૦૦ લાખ.

યોજના હેઠળ લાભાર્થીના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિ ક્રમાનુસાર રહેશે.

 1. પતિ અથવા પત્ની
 2. એક નંબરની ગેરહયાતીમાં ખાતેદાર ખેડૂતના પુત્ર/પુત્રી.
 3. એક અને બે નંબરની ગેરહયાતીમાં તેમના મા-બાપ.
 4. એક, બે અને ત્રણ નંબરની ગેરહયાતીમાં ખાતેદાર ખેડૂતના પૌત્ર/પૌત્રી.
 5. એક, બે, ત્રણ અને ચાર નંબરની ગેરહયાતીમાં ખાતેદાર ખેડૂત લાભાર્થી પર આધારિત અને તેમની સાથે રહેતી પરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન.
 6. ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદાર.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે?

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂત વારસદાર અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી 150 દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતને કરવાની રહેશે. 150 દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહિ.

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજોની યાદી

 1. અકસ્માતે/કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટ- ૧, ૨, ૩, ૩(A),૪ અને ૫.
 2. ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા).
 3. પી.એમ. રીપોર્ટ.
 4. એફ.આઇ.આર, પંચનામા રિપોર્ટ, પોલીસ ઇન્વેસ્ટીગેશન પંચનામુ અથવા કોર્ટ હૂકમ.
 5. મૃતકનુ મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો.
 6. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ.
 7. કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ.
 8. મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેનું વેલીડ ડ્રાઇવિંગ લાયસન્સ.
 9. બાંહેધરી પત્રક.
 10. પેઢીનામુ.
 11. વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદાર ન હોય તેવા કિસ્સામાં).
 12. વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે અન્ય દસ્તાવેજ.

યોજનામાં થયેલ નોંધપાત્ર સુધારાઓ

નાણાં વિભાગના તા. 25/06/2007 ઠરાવથી રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાનું એકત્રીકરણ કરવામાં આવેલ, જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો સમાવેશ થયેલ છે. તા.01/04/2008 થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત યોજનાનોં અમલ કરવામાં આવે છે. નાણાં વિભાગના તા.5/06/2007ના ઠરાવમાં સુધારાઓ કરી તા.01/04/2013ના રોજ સર્વગ્રાહી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.

રાજય સરકારશ્રી દ્વારા ખાતેદાર ખેડૂત અસ્માત વીમા યોજનામાં તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ને તથા તા.01/04/2016થી ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનોં સમાવેશ કરવામાં આવેલ હતો.


કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા 13/11/2018ના સુધારા ઠરાવથી ખાતેદાર ખેડૂત અકસ્માત (પુત્ર/પુત્રી)ને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનામાં સમાવેશ કરવા ઠરાવવામાં આવેલ છે.


માહિતી સ્ત્રોત : ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય


તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments