સરોજિની નાયડુ : ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની જીવન પરિચય

13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલા સશક્તિકરણ એ આધુનિક યુગની દેન નથી પરંતુ તે ઘણા દાયકાઓ પહેલાથી ભારતીય સમાજનો એક ભાગ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક મહિલાઓએ સક્રિય યોગદાન આપીને સાબિત કર્યું છે કે મહિલાઓ સમાજનો નબળો વર્ગ નથી, પરંતુ તે શક્તિશાળી હિસ્સો છે. જેની ભાગીદારી વિના કોઈપણ કાર્ય અધૂરું છે. સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવનાર કેટલીક મહિલાઓમાંની એક ખાસ મહિલા ‛ભારત કોકિલા’ સરોજિની નાયડુ પણ હતી. સરોજિની નાયડુએ હંમેશા મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેથી જ તેમના જન્મદિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 13મી ફેબ્રુઆરી 2014ના રોજ સરોજિની નાયડુની 135મી જન્મજયંતિથી શરૂ થઈ હતી.

સરોજિની નાયડુ આપણા દેશના એક મહાન કવિત્રી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. સરોજિની નાયડુને 'ભારતની કોકિલા' કહેવામાં આવે છે. સરોજિની નાયડુના જન્મદિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ અને દેશના કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનનાર સૌપ્રથમ મહિલા રાજ્યપાલ છે.

Sarojini Naidu Photo

    સરોજિની નાયડુ જીવન પરિચય (Sarojini Naidu Biography in Gujarati)

    પૂરું નામ : સરોજિની નાયડુ
    ઉપનામ : ભારતની બુલબુલ, ભારતની કોકિલા
    પ્રસિદ્ધિ : કવિ અને સ્વાતંત્ર્ય સેનાની
    જન્મ : 13 ફેબ્રુઆરી 1879
    જન્મ સ્થળ : હૈદરાબાદ
    ઉંમર : 70 વર્ષ
    રાષ્ટ્રીયતા : ભારતીય
    જાતિ : બંગાળી બ્રાહ્મણ
    ધર્મ : હિન્દૂ
    પિતાનું નામ : ડૉ અઘોરનાથ ચટ્ટોપધ્યાય
    માતાનું નામ : વરદ સુંદરી દેવી
    લગ્ન : ડૉ ગોવિંદ રાજુલૂ નાયડુ (1897)
    સંતાન : પજ્ઞ્જા, રણધીર, લીલામાની, નિલાવર, જયસુર્યા નાયડુ
    અવસાન : 2 માર્ચ 1949
    મૃત્યુ સ્થળ : લખનઉ

    સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સરોજિની નાયડુના પિતા ડૉ અઘોરનાથ ચટ્ટોપધ્યાય વૈજ્ઞાનિક, ડૉક્ટર અને હૈદરાબાદ કૉલેજના આચાર્ય હતા. ડૉ અઘોરનાથ ચટ્ટોપધ્યાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હૈદરાબાદના પ્રથમ સભ્ય પણ છે. ડૉ અઘોરનાથ ચટ્ટોપધ્યાયે નોકરી છોડી દીધી અને સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. સરોજિની નાયડુની માતા વરદ સુંદરી દેવી એક કવિયત્રી હતા અને બંગાળીમાં કવિતાઓ લખતા હતા. સરોજિની નાયડુ 8 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. સરોજિની નાયડુના ભાઈ વીરેન્દ્રનાથ પણ ક્રાંતિકારી હતા. જેમણે બર્લિન સમિતિની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇ.સ. 1937માં એક અંગ્રેજ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. સરોજિની નાયડુના બીજા ભાઈ હરિદ્રનાથ કવિ અને અભિનેતા હતા.

    સરોજિની નાયડુ શિક્ષણ અને પ્રારંભિક જીવન (Sarojini Naidu Education and Early Life)

    સરોજિની નાયડુ બાળપણથી જ ખૂબ હોંશિયાર વિદ્યાર્થીની હતા. તેમને ઉર્દૂ, તેલુગુ, અંગ્રેજી, બંગાળી બધી જ ભાષાઓનું ખૂબ જ સારું જ્ઞાન હતું. સરોજિની નાયડુએ 12 વર્ષની ઉંમરે મદ્રાસ યુનિવર્સિટીમાં મેટ્રિકની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જેથી તેમને ઘણી પ્રશંસા અને સન્માન મળ્યું હતું. સરોજિની નાયડુના પિતા ઇચ્છતા હતા કે સરોજિની વૈજ્ઞાનિક બને અથવા ગણિતમાં વધુ અભ્યાસ કરે પરંતુ સરોજિની નાયડુની રુચિ કવિતા લખવામાં હતી. સરોજિની નાયડુએ એક વખત તેમના ગણિતના પુસ્તકમાં 1300 પંક્તિઓની કવિતા લખી હતી. જે જોઈને તેમના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તો આ કવિતા છપાવીની વિતરણ કરવા લાગ્યા. તેમણે હૈદરાબાદના નવાબને પણ આ કવિતા બતાવી જેને જોઈને હૈદરાબાદના નવાબ ખૂબ જ ખુશ થાય છે અને સરોજિની નાયડુને વિદેશમાં ભણવા માટે સ્કોલરશિપ આપે છે. 1895માં વધુ અભ્યાસ માટે સરોજિની નાયડુ ઈંગ્લેન્ડ ગયા, જ્યાં તેમણે લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા. કોલેજમાં અભ્યાસ કરતી વખતે પણ સરોજિની નાયડુને કવિતા વાંચવામાં અને લખવામાં રસ હતો. જે તેમને તેમની માતા પાસેથી વારસામાં મળ્યો હતો.

    સરોજિની નાયડુ લગ્ન, પતિ અને બાળકો (Sarojini Naidu Marriage, Husband and Children)

    કૉલેજના અભ્યાસ દરમિયાન સરોજિની નાયડુ ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુને મળ્યા. કૉલેજના અંત સુધીમાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. 19 વર્ષની ઉંમરે અભ્યાસ પૂરો કર્યા પછી સરોજિની નાયડુએ 1897માં પોતાની પસંદગીથી બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા. તે સમયે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા એ ગુનાથી ઓછું નહોતું. ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુ આંધ્રપ્રદેશની શુદ્ર જાતિના હતા જ્યારે સરોજિની નાયડુના પિતા બંગાળી બ્રાહ્મણ હતા છતાં પણ સમાજની ચિંતા કર્યા વિના તેમના પિતાએ તેમની પુત્રીની ઈચ્છા સ્વીકારીને તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ સરોજિની નાયડુને 4 બાળકો થયા જેમાં તેમની પુત્રી પદ્મજા સરોજિની નાયડુની જેમ કવયિત્રી બની અને રાજકારણમાં પણ પ્રવેશ કર્યો અને 1961માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા.

    સરોજિની નાયડુની પ્રખ્યાત કવિતાઓ  (Sarojini Naidu Famous Poems)

    સરોજિની નાયડુએ લગ્ન પછી પણ તેમનું લેખન કાર્ય ચાલુ રાખ્યું. તેઓ ખૂબ જ સુંદર સુંદર કવિતા લખતા હતા, જેને લોકો ગીતોના રૂપમાં ગાતા હતા. 1905માં તેમની કવિતા બુલબલે હિંદ પ્રકાશિત થઈ, જેના પછી બધા તેમને ઓળખવા લાગ્યા. તેમની કવિતાઓ સતત પ્રકાશિત થવા લાગી અને ઘણા લોકો તેમના ચાહકો બન્યા. આ યાદીમાં જવાહરલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન લોકો પણ હતા. સરોજિની નાયડુ તેમની કવિતાઓ અંગ્રેજીમાં પણ લખતા હતા, પરંતુ ભારતીયતા તેમની કવિતાઓમાં પ્રતિબિંબિત થતી હતી.

    સરોજિની નાયડુની પ્રસિદ્ધ કવિતાઓમાં દમયંતી ટુ નાલા ઇન ધ અવર ઓફ એક્ઝાઇલ, એક્સ્ટેસી, ઇન્ડિયન ડાન્સર, ધ ઇન્ડિયન, ઇન્ડિયન લવ-સોંગ, ઇન્ડિયન વેવર્સ, ધ ફોરેસ્ટ, રામામુરાથમ, નાઇટફોલ સિટી ઇન હૈદરાબાદ, પાલક્વિન બેયરર્સ, સતી, ધ સોલ પ્રેયરનો વગેરેનો સમાવેશ થાય છે. જે તે સમયે ખૂબ જ લોકપ્રિય થયા હતા.

    સરોજિની નાયડુ સ્વતંત્રતા સેનાની (Sarojini Naidu Freedom Fighter)

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી. ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવાપુનલગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તે સમયે મહિલાઓ ઘણી પાછળ હતી, ઘણા રિવાજોમાં ફસાઈ ગઈ હતી પરંતુ સરોજિની નાયડુએ મહિલાઓને તેમના અધિકારો વિશે જણાવીને તેમને રસોડામાંથી બહાર કાઢી અને દેશની આઝાદી લડાઈમાં આગળ આવવા પ્રોત્સાહિત કરી. તેઓ દેશના અલગ અલગ શહેરો, ગામડાઓ અને રાજ્યોમાં જઈને મહિલાઓને સમજાવતા હતા.

    હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિની નાયડુએ પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

    1916માં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા ત્યારબાદ તેઓની વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તેઓ ગાંધીજીના અહિંસક આંદોલનમાં જોડાય ગયા અને લોકો સુધી અહિંસાનો સંદેશ પહોંચાડવા લાગ્યા. સરોજિની નાયડુએ આખા દેશમાં પ્રવાસ કર્યો, જ્યાં પણ તેઓ ગયા ત્યાં તેમણે લોકોને દેશની આઝાદી માટે પ્રોત્સાહિત કર્યા. દેશની આઝાદી તેમના હૃદય અને આત્મામાં ભરાઈ ગઈ હતી. તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી હતા અને હિન્દૂ મુસ્લિમ એકતા જાળવવા માટે પણ કાર્ય કરતા હતા. 

    બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં ‛કૈસર-એ-હિંદ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા.

    સરોજિની નાયડુની રાજકીય કારકિર્દી

    સરોજિની નાયડુ 1925માં કાનપુરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી લડ્યા જેમાં તેમણે વિજય મેળવ્યો. દેશને આઝાદી મળ્યા બાદ સરોજિની નાયડુ ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા.

    સરોજિની નાયડુને મળેલ પુરસ્કાર અને સિદ્ધિઓ

    સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ અને આઝાદ ભારતના કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ છે.
    ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ સરોજિની નાયડુ હતા.
    1928માં સરોજિની નાયડુને ‛કૈસરે-હિન્દ’ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    સરોજિની નાયડુના જન્મ દિવસને મહિલા દિન તરીકે ઉજ્જવામાં આવે.

    શા માટે સરોજિની નાયડુને 'ભારતની કોકિલા' કહેવામાં આવે છે?

    સરોજિની નાયડુને 'ભારતની કોકિલા' કહેવામાં આવે છે. આ ઉપનામ તેમને તેમના મધુર અવાજમાં તેમની કવિતાઓ સંભળાવવા માટે આપવામાં આવ્યું હતું.  તેમની કવિતાઓમાં એક અલગ પ્રકારનો ભાવ હતો, જે લોકોને ખૂબ જ પ્રભાવિત કરતો હતો અને લોકોએ તેને ખૂબ જ પસંદ કરતા હતા.

    સરોજિની નાયડુનું નિધન

    1947 માં દેશની આઝાદી પછી, સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેઓ પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. 2 માર્ચ, 1949ના રોજ ઓફિસમાં કામ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

    ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
    ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
    ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

    આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

    Post a Comment

    0 Comments