પલ્લીનો મેળો રૂપાલ : શ્રદ્ધાળુઓ એટલું ઘી ચઢાવે છે કે રૂપાલની ગલીઓમાં ઘીની નદીઓ વહેવા લાગે છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાધીનગરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની નિશ્રામાં પલ્લીનો મેળો યોજાય છે.

Palli Fair In Rupal Village
માતાજીની પલ્લી

દર વર્ષે પલ્લીમાં ૧૦ લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે, જેમાં અંદાજે ૪ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દુનિયાભરમાં પ્રખ્યાત પલ્લીનાં વધતા જતા મહત્ત્વને લઈને દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે.

વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, આદ્યશક્તિ માં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્વિતિય સ્વરૂપ બ્રહ્મ ચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે. ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોધ દિવ્ય બાણ આપ્યું. આ બાણનો ઉપયોગ કરી લંકાના યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો. દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદા જુદા વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રોપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો.

આ તો થઈ પૌરાણિક કથા, કળીયુગની કથા કંઈક અલગ છે. કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતા તેની સાથે વેર બંધાતા સિદ્ધરાજ જયસિંહે યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો હતો. સેના લઈ તેમણે માળવા પર ચઢાઈ કરી, પરંતુ ભૂખથી રાજા પીડાવા લાગ્યા, એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિંદ્રાધિન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે, સવારે ઉઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. આમ, પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી, તેની પ્રતિષ્ઠા કરી. જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાયા.

આજે પણ અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા-બાધા પૂર્ણ કરે છે. પલ્લી પૂર્ણ થયા બાદ પણ દિવસો સુધી ઘીનો ભોગ આવતો જ રહે છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments