ભવનાથનો મેળો : મહાશિવરાત્રીના દિવસે ગિરનારની તળેટીમાં લાખો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરતો મેળો

જુનાગઢના ગિરનારની તળેટીમાં સુર્વણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ભવનાથના સ્વયંભૂ શિવલિંગના મંદિરની પૃષ્ઠભૂમિ અદ્ભુત (નિસર્ગ) વનશ્રીથી રળિયામણી લાગે છે. આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી યોજાતો ભવનાથનો મેળો ગુજરાતના અગત્યનાં મેળાઓમાંનો એક છે.

ભવનાથનો મેળો, જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો

પ્રખ્યાત ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે. મહાપૂજાના દર્શન કરવા આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાથી સાધુ, સંતો અને નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લોકો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો ખૂલે છે. મેળા દરમિયાન સંતો, અને અલખના આરાધકો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધૂણી ધખાવી સત્સંગ કરે છે. લોકોને આકર્ષતા નાગાબાવાઓના હાથમાં લાકડી-તલવાર, શરીરે ભભૂત અને મસ્તક પરનો જટાધારી દેખાવ ભવનાથના મેળાને ગુજરાતના અન્યમેળાથી અલગ રંગ આપે છે.

મહાવદ નોમના દિવસે ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગાબાવાઓ હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત-જાતના વાધો વગાડતા મહાદેવનો જયનાદ કરે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ પણ જોવા મળે છે. અહીં લાખોની સંખ્યામાં ઉમટતા લોકો માટે મોટા તંબુઓ બાંધવામાં આવે છે. જેમાં એક સાથે 300 થી 400 લોકો રહી શકે છે. રાત્રે સાધુ-સંતો ભજન મંડળી જમાવે છે. ભવનાથનો અલૌકિક મેળો લગભગ ૧૦ દિવસ ચાલે છે.


ભવનાથના મેળા માટે સ્કંદ પુરાણમાં એક કિસ્સો આપેલો છે. આ દંતકથા મુજબ જ્યારે શિવ-પાર્વતી રથમાં આકાશમાં જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડ્યું. આથી તેને‘ વસ્ત્ર પૂતક્ષેત્ર’ એવું કહેવામાં આવે છે.

મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. કહેવાય છે કે, મૃગીકુંડમાં ન્હાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વસ્થામાં રહે છે અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધો મૃગીકુંડમાં ન્હાવા આવે છે. વળી એવી પણ માન્યતા છે કે, સિદ્ધો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી. જૂનાગઢમાં ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથના મેળાના દિવસોમાં જાણે ઝળાહળ થઈ પ્રગટી ઉઠે છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments