પશુઓમાં થતો બાવલાનો ચેપી રોગ મસ્ટાઈટીસ એટલે આઉના સોજા વિશે સંપૂર્ણ માહિતી

આદર્શ અને નફાકારક પશુપાલન માટે પશુઓનું સ્વાસ્થય એ ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’ જેટલું જ અગત્યનું છે. પશુઓમાં પણ મનુષ્યની જેમ જ દિવસે દિવસે નવા રોગો જોવા મળે છે. હાલમાં ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. આ સ્થાન જાળવવું અને તેમાં આગળ વધવા સામેનો મોટો પડકાર ગણાય એવો એક રોગ એટલે મસ્ટાઇટીસ (આઉનો સોજો). મસ્ટાઇટીસ એ એક ગ્રીક શબ્દ Mastos એટલે બ્રેસ્ટ (આઉ) અને ltis એટલે ઇન્ફલામેશન (સોજો) ઉપરથી આવેલો છે. જે ગળીયાના રોગ તરીકે પણ ઓળખાય છે. આંચળ અને આઉના સંસર્ગમાં કોઇ પણ પ્રકારના જીવાણુંઓ આવે ત્યારે દૂધગ્રંથિઓ પર સોજો આવે અને દુષિત દૂધ આવે તેને મસ્ટાઇટીસ કહેવાય છે. ભારતમાં આ રોગ પ્રથમ ૧૯૨૬માં જોવા મળ્યો હતો.

ગાય અને ભેંસના બાવળામાં આવતા આઉના સોજાની સારવાર

હાલના યુગમાં દૂધની કિંમત માત્ર ફેટના આધારે નહીં પરંતુ તેમાં રહેલા બેકટેરીયાના આધારે પણ થવા લાગી છે, જેથી જો આ રોગના લીધે વધુ પડતાં બેક્ટેરીયલ કાઉન્ટ આવે તો તે દૂધ આગળ ઉપયોગમાં લઇ શકાતું નથી. મસ્ટાઇટીસ રોગના કારણે સમગ્ર વિશ્વમાં પશુઓમાં સૌથી વધુ દવાનો વપરાશ મસ્ટાઇટીસ રોગ પાછળ થાય છે. મસ્ટાઇટીસ (આઉનો સોજો) ના કારણે વિશ્વમાં વાર્ષિક રૂ।. 15000 કરોડ તથા ભારતમાં રૂા. 3000 કરોડનું આર્થિક નુકસાન થાય છે. આ સિવાય આર્થિક નુકસાની ખરાબ દૂધ, બગડેલું દૂધ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, મોંઘી એન્ટિબાયોટીક સારવાર તથા કેટલીક વખતે જાનવરના મૃત્યુના સ્વરૂપે પણ થાય છે. તેથી આ મસ્ટાઇટીસ (આઉનો સોજો) ભયંકર રોગ વિશેની માહિતી અને તેની કાળજી રાખવી એ આદર્શ અને નફાકારક પશુપાલનનું મહત્વનું પાસુ છે.

મસ્ટાઇટીસ (આઉનો સોજો) થવાના કારણો

આઉના સોજાનો રોગ ઘણાં બધા કારણોથી થતો જણાય છે. જેમાં આઉ પર કોઇ ઇજા થવી, દોહન વખતે અંગૂઠાનું વધુ પડતું દબાણ, જાનવરને ભેજ કાદવ કે મળ મૂત્રવાળી જગ્યાએ રાખવું, વાછરડાના ધાવતી વખતે આઉ પર ઇજા થવી, આંચળનું મુખ ઢીલું વગેરે. આ બધાને લીધે જુદા જુદા બેકટેરીયા, ફૂગ, યીસ્ટ, વિષાણું વગેરેનો બાવલામાં પ્રવેશ થઇ મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગ ઉત્પન્ન થાય છે. મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગ મુખ્યત્વે ચોમાસાની શરૂઆતમાં વિયાણ સમયે તથા જાનવર વસુકાવવાના સમયે જોવા મળે છે.

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગના લક્ષણો

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગના લક્ષણો બે પ્રકારે જોવા મળે છે.

ક્લિનિકલ મસ્ટાઇટીસ (આઉનો સોજો)

જે પશુને ક્લિનિકલ મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગની અસર થઈ હોય તેના બાવલામાં એકાએક સોજો આવવા લાગે છે. મસ્ટાઇટીસ (આઉનો સોજો) ના કારણે પશુનું બાવલું લાલાશ તથા તે ભાગ ગરમ લાગે છે. દૂધમાં ફોદા, પરું અને કેટલીક વાર લોહી પણ આવે છે. સોજાને લીધે પશુને દર્દ થાય અને તે દૂધ દોહવા નથી દેતું. મસ્ટાઇટીસ (આઉનો સોજો) ના કારણે જો પશુના આઉમાં ઇ કોલી નામના બેકટેરીયાનો ચેપ હોય તો જાનવરને ખૂબ જ તાવ (105° ફે.) આવે છે. દૂધ એકદમ પાણી જેવું આવે છે અને જો યોગ્ય સારવાર ન મળે તો જાનવરનું મૃત્યુ પણ થઇ શકે છે.

સબ ક્લિનિકલ મસ્ટાઈટીસ (સૂકો ગળીચો)

જે પશુને સબ ક્લિનિકલ મસ્ટાઇટીસ (સૂકો ગળીચો) રોગ થયો હોય તો આવા પશુમાં ઉપર મુજબના તીવ્ર લક્ષણો જોવા મળતા નથી. પરંતુ ફક્ત ધીરે ધીરે દૂધમાં ઘટાડો થવો અને બાવલું સૂકાઇ જતું જોવા મળે છે, જેને સૂકો ગળીયો કહે છે. તીવ્ર લક્ષણોના અભાવે પશુપાલકને આ છુપાયેલો શત્રુ ઘ્યાનમાં આવતો નથી, જે કુલ નુકસાનીના 70 ટકા ભાગ ભજવે છે.

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગનું નિદાન

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગમાં પ્રથમ પ્રકારનો રોગ (ક્લિનિકલ મસ્ટાઇટીસ) તેના લક્ષણોના આધારે જ નક્કી થઈ જાય છે. પરંતુ બીજા પ્રકારનો સબ ક્લિનિકલ મસ્ટાઇટીસ રોગ જે વધુ નુકસાનકારક છે, તેના નિદાન માટે લેબોરેટરીમાં દૂધનું પરિક્ષણ કરાવવું પડે છે. દૂધમાં સોમેટીક સેલ કાઉન્ટ, કલોરાઇડ વગેરેના પ્રમાણ પરથી તેનું નિદાન કરી શકાય છે.

પશુપાલક પોતાના ઘરે જાતે જ બજારમાં ઉપલબ્ધ કીટ જેવી કે મસ્ટાઇટીસ ડીટેકશન સ્ટ્રીપ (મેસ્ટ્રીપ), કેલીફોર્નિયા મસ્ટાઇટીસ ડીટેકશન કીટ મારફત તપાસ કરી શકે છે. જેમાં ચાર ખાના વાળા કપમાં દરેક આંચળનું દૂધ અલગ અલગ ખાનામાં લઇ તેમાં ઉપર મુજબની દવા મીકસ કરતાં જો સૂકા ગળીયાનો ચેપ હોય તો જાંબલી રંગના દૂધના ફોદા થઇ જાય છે. જેના આધારે સુકો ગળીયો નક્કી કરી શકાય છે. આ ટેસ્ટનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી રોગને તેની શરૂઆતનાં તબક્કામાં જ પારખી શકાય છે.

જો આ રોગની સારવારમાં દવા લાગુ ન પડે અને રોગ આગળ વધતો જણાય તો દૂધનું લેબોરેટરીમાં પરિક્ષણ કરાવવાથી રોગના કારણભૂત જીવાણું તથા તેને કઇ દવા લાગુ પડશે તે નક્કી કરી શકાય છે.

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગની સારવાર

પશુમાં મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગના જીવાણુંઓ બાવલામાં અતિ તીવ્ર વૃદ્ધિ પામતા હોવાથી સારવાર કરાવવાનો સમય ખૂબ જ અગત્યનો છે, જેથી કરીને માલિકે (પશુપાલકે) જેવી તેને જાણ થાય કે તાત્કાલિક પશુચિકિત્સા અધિકારી પાસે સારવાર કરાવવી હિતાવહ છે.

રોગની સારવારમાં આંચળમાં તથા અંતઃસ્નાયુમાં પ્રતિ જૈવિક અને સોજો ઉતારવાની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે રોગના જીવાણુંના આધારે એમ્પીસીલીન, એમોકસીસીલીન, એરીથ્રોમાઇસીન, જેન્ટામાઇસીન, બેન્ઝાથીન પેનીસીલીન, કલોરામફેનીકોલ તથા સેફ્ટીયાકસોન નામની એન્ટીબાયોટીક આપવાથી રોગને કાબુમાં લઇ શકાય છે.

પશુઓમાં મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગ અટકાવવાનાં ઉપાયો

મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગની રસી ન હોવાને કારણે રોગ પર નિયંત્રણ માટે તેને અટકાવવાનાં ઉપાયો ‘‘પાણી પહેલા પાળ બાંધવી’’ સમાન છે.

  • ટીટ ડિપીંગ : જેમાં આંચળ તથા બાવલાના ભાગને બજારમાં મળતા ટીટ ડિપીંગ સોલ્યુશનથી દોહન પહેલા અને પછી સાફ કરવામાં આવે છે તથા દૂધ દોહનારે પોતાના હાથ સાબુથી ધોવા આવશ્યક છે.
  • જાનવરને વસુકાવતી વખતે એન્ટીબાયોટીક દવા તેના ચારેય આંચળમાં ચડાવવી જોઇએ.
  • વિયાણનાં એક બે અઠવાડિયા પહેલા કે પછી બાવલાનાં ભાગને સ્વચ્છ રાખવું અને બહારથી કોઇ ઇજા ન થાય તેનું ઘ્યાન રાખવું.
  • આંચળમાંથી શરૂઆતનું પાંચ થી દસ મિલિ લિટર દૂધ નીચે જમીન પર, જાનવરનાં પગ પર કે દોહનારના હાથમાં લેવાને બદલે અલગ વાસણમાં લઇ તેનો યોગ્ય નિકાલ કરવો.
  • રોગ મુક્ત જાનવરનું દૂધ પ્રથમ અને બિમાર જાનવરનું દૂધ પછીથી કે છેલ્લે દોહવું.
  • જાનવરનાં એક આંચળમાં ચેપ લાગેલ હોય તો તેમાંથી દૂધ છેલ્લે દોહવું અને તે દૂધનો ઉપયોગ ન કરતાં યોગ્ય નિકાલ કરવો.
  • દૂધ દોહયા પછી જાનવરને ઘાસચારો આપવો જેથી તે તૂરત જ જમીન પર બેસી ન જાય અને રોગ પેદા કરતાં જીવાણુંઓ આંચળમાં પ્રવેશી ન શકે.
  • જાનવરનાં રહેઠાણમાં પાકા પ્લાસ્ટરનાં ભોયતળિયાં કરતાં શકય હોય તો સ્વચ્છ કાચું ભોયતળીયું રાખવું. જેથી બાવલાની ઇજા ઘટાડી શકાય.
  • જયાં દૂધ દોહન માટે મીલ્કીંગ મશીનનો ઉપયોગ થતો હોય ત્યાં મશીનને વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઇએ.
  • મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગના બચાવ અને ઉપચાર માટે બેદરકારી ન કરતાં તાત્કાલિક યોગ્ય પશુચિકિત્સકની સલાહ લેવી કે સંપર્ક કરવો હિતાવહ છે.

આમ, મસ્ટાઇટીસ (આઉનો સોજો) રોગમાં થોડી વિશેષ કાળજી રાખવાથી રોગને અટકાવી શકાય છે અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી પશુપાલકોને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments