ગાય અને ભેંસમાં જોવા મળતી પ્રજનનની અનિયમિતતાઓ અને કાળજી

Murrah Buffalo

આપણા દેશમાં ગાય અને ભેંસ એ મહત્વના પશુધન છે. તેમનો ઉછેર મુખ્યત્વે દૂધ ઉત્પાદન માટે કરવામાં આવે છે. જો આ પશુધન દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે તો જ પશુપાલકોને પોષાય છે. આ માટે પશુઓમાં પ્રજનન પ્રક્રિયામાં નિયમિતતા જરૂરી છે. આથી ગાય અને ભેંસમાં જોવા મળતી વિવિધ અનિયમિતતાઓ વિષે જાણવુ ખૂબ જ જરૂરી છે. ગાય અને ભેંસમાં જોવા મળતી વિવિધ અનિયમિતતાઓ : (૧) વારંવાર ઉથલા મારવા (૨) મેલી ના પડવી (૩) ગર્ભપાત (૪) વેતરમાં ન આવવુ

વારંવાર ઉથલા મારવા

ગાય અને ભેંસમાં કૃત્રિમ બીજદાન અથવા કુદરતી રીતે સાંઢ સાથે ફેળવવામાં ન આવે તો તેવા પશુઓ ફરી ઋતુકાળમાં આવી જાય છે અને આવા પશુ બે કે ત્રણ વાર પાછા ફરે ત્યારે પશુપાલકને મોટુ નુકશાન થાય છે. વારંવાર ઉથલા મારતા જાનવરોમાં પ્રજ્નન અંગોની રચનામાં ઘણીવાર ખામી જોવા મળતી હોય છે તથા ઘણીવાર ગર્ભાશયનો ચેપ પણ ગાય અને ભેંસમાં ઉથલા મારવાની પ્રકિયાને પ્રેરે છે. જો ગાય અને ભેંસ વારંવાર ઉથલા મારે તો પશુ ડોકટરનો તાત્કાલીક સંપર્ક કરવો જોઈએ તથા વેતરે આવેલ જાનવરની લાળીનો અભ્યાસ જરૂરી છે. જો લાળી સફેદ હોય તો પશુ ડોકટર પાસે સારવાર કરાવવાથી ચેપ દૂર કરી જાનવરને ગાભણ જાનવરમાં ફેરવી શકાય છે.

મેલી ના પડવી (જર ના પડવી)

સામાન્ય રીતે ગાય અને ભેંસમાં વિયાણ બાદ ૪ થી ૬ કલાકમાં મેલી પડી જાય છે પરંતુ જો ઉનાળામાં ૮ કલાક અને શિયાળામાં ૧૨ કલાક સુધી મેલી ન પડે તો નજીકના પશુ ડોકટરનો તાત્કાલીક સંપર્ક કરવો જોઈએ. જો પશુને યોગ્ય સારવાર ન મળે તો પશુ કાયમ માટે વાંઝણુ બની શકે છે. મેલી ન પડવાથી શરૂઆતમાં કોઈ ચિહ્નો દેખાતા નથી પરંતુ જેમ જેમ સમય વધારે જાય છે તેમ તેમ પશુને તાવ આવે છે અને તે બેચેની અનુભવે છે. ઘણીવાર મેલી પુરતા પ્રમાણમાં ન પડતા પશુના ગર્ભાશયમાં ચેપ રહી જાય છે જેથી સમયસર ગર્ભધારણ થતુ નથી અને આ પશુ વારંવાર ઉથલે પડે છે.


ગર્ભપાત

ગાય અને ભેંસમાં ગર્ભપાત થવાના અનેક કારણો હોઈ શકે છે જેવા કે બેકટેરીયા, વાઈરસ, પ્રજીવો અને ફૂગ બેકટેરીયાથી થતા ગર્ભપાતમાં બ્રુસેલા એબોર્ટસનુ પ્રમાણ મહત્તમ હોય છે. આ બેકટેરીયા માદાના જનન અંગોમાં વિકાસ પામે છે અને ગર્ભના આવરણોને નુકશાન કરે છે જેના પરિણામે આ બેકટેરીયા પશુઓમાં ગર્ભાવસ્થાના ૬ થી ૭ મહિનામાં ગર્ભપાત કરાવે છે. ગર્ભપાત થયા પછી માદાં પશુના શરીરમાંથી જે સ્ત્રાવ નીકળે છે તેના સંપર્કમાં આવનાર પશુઓને પણ ચેપ લગાડે છે. જો ગાય અને ભેંસમાં ગર્ભપાત જોવા મળે તો તેને બીજા જાનવરોથી અલગ રાખવા જોઈએ અને આ જાનવરના ગર્ભાશયના સ્ત્રાવ અને પેશાબનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પશુના રહેઠાણનુ ભોંયતળીયુ જંતુનાશક દવાઓથી સાફ કરવુ જોઈએ, આમ કરવાથી આ રોગના ચેપને બીજા પશુમાં ફેલાતો અટકાવી શકાય

વેતરમાં ન આવવુ

કેટલાક જાનવરો વિયાણ પછી અથવા જાનવરો પુખ્ત વયના થવા છતાં પણ વેતરમાં આવતા નથી કારણ કે જાનવરની ઉછરતી અવસ્થામાં પુરતુ પોષણ ન મળવાથી અને માવજતમાં અભાવ હોવાથી જાનવરના લોહીમાં અતઃસ્ત્રાવોની ઉણપ રહી જાય છે. આવા જાનવરોમાં અંડપીંડ અલ્પવિકસીત અને ખૂબ જ નાના રહી જાય છે. વેતરમાં ન આવતા જાનવરોને સમતોલ અને પોષણયુકત આહાર આપવો જોઈએ. વધુ પડતો ચરબીયુકત ખોરાક ન આપવો જોઈએ. પશુના જનન અંગોના વિકાસ માટે પશુના ખોરાકમાં પ્રોટીન અને વિટામીનનુ યોગ્ય પ્રમાણ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર જાનવર ગરમીમાં આવવા છતાં વ્યવસ્થાપનના અભાવના કારણે તેને ફેળવી શકાતુ નથી. આ સમસ્યાને અટકાવવા પશુપાલકોએ સવાર અને સાંજ પશુના ઋતુકાળના સમયનુ નિરીક્ષણ કરતા રહેવુ જોઈએ.


વેતરે આવેલ પશુની કાળજી

સામાન્ય રીતે ગાય-ભેંસ ૨૦ થી ૨૧ દિવસે ગરમીમાં આવે છે અને સરેરાશ ૧૮ થી ૨૪ કલાક ગરમીમાં રહે છે. ઋતુકાળ દેખાયા બાદ ૧૦ થી ૨૪ કલાકના સમયમાં કૃત્રિમ બીજદાન કરાવો. બીજદાન કરાવ્યા બાદ ૬૦ થી ૯૦ દિવસે ગર્ભાધાન નિદાન કરાવો. વિયાણ બાદ ૫શુ ૬૦ થી ૯૦ દિવસે વેતરે આવે છે. વેતરે આવે તે સમયે ફેળવવું આર્થિક રીતે લાભદાયી છે.

ગાભણ જાનવરનો ખોરાક અને સંભાળ

ગાભણ અવસ્થામાં પાંચમા માસથી દૈનિક એક થી દોઢ કિલો અને આઠમાં માસથી દૈનિક ત્રણથી ચાર કિલો વધારાનું દાણ આપવું. વિયાણ સમયનાં દિવસોમાં ગાભણ જાનવરને સ્વચ્છ, પોચી અને અલાયદી જગ્યામાં રાખવા. પ્રસવ સમય નજીક આવે ત્યારે ૫૦૦ ગ્રામ ગોળ-સૂંઠ સાથે સવાર-સાંજ નવશેકા પાણીમાં આપવો. પ્રસવ સમયે કોઇ પ્રકારની તકલીફ જણાય તો નજીકના પશુચિકિત્સકનો સંપર્ક સાધવો.


દૂધાળા જાનવર માટે આહારના નિયમો

શરીરના નિભાવ માટે ગાયને દૈનિક ૧ કિલો અને સંકર ગાય/ભેંસ ને ૨ કિલો દાણ આપવું જોઇએ. ગાયોમા દર ૨.૫ કિલો દૂધ ઉત્પાદને ૧ કિલો દાણ આપવું જોઇએ. ૫ માસની ગાભણ અવસ્થા પછી ગાયો ને ૧.૨૫ કિલો અને સંકર ગાય/ભેંસ ને ૧.૭૫ કિલો વધારાનુ દાણ આપવું જોઇએ.

© સૌજન્ય : ગૌધુલી મેગેઝીન

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments