તુરીયાની આધુનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી

Ridge Gourd Cultivation Information Guide

તુરીયાની ખેતીને અનુકૂળ આબોહવા

તુરીયાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે. તેથી આ પાક ચોમાસુ તેમજ ઉનાળુ એમ બન્ને ૠતુમાં લઈ શકાય છે.

તુરીયાની ખેતીને અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

સારી નિતારશક્તિ ધરાવતી ફળદ્રુપ, ગોરાડુ તેમજ મધ્યમ કાળી જમીનમાં તુરીયાનો પાક સારી રીતે લઈ શકાય છે. તુરીયાના પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ કરી સમતલ કરવી. જમીનની તૈયારી સમયે ૭ થી ૮ ટન છાણિયું ખાતર આપવું. ત્યારબાદ ૨ મીટર અથવા ૧.૫ મીટરના અંતરે ચાસ ખોલી તેમાં પાયાના ખાતરો જેવા કે ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો આપવો.

તુરીયાની સુધારેલી જાતો

તુરીયાના વાવેતર માટે પુસા નસદાર, કોઈમ્બતુર-૧, કોઈમ્બતુર-૨, પંત તુરીયા, પંજાબ સદાબહાર, જયપુર લાંબા, ગુજરાત આણંદ તુરીયા-૧, ગુજરાત જૂનાગઢ હાઈબ્રીડ તુરીયા-૧ જાતોમાંથી કોઈપણ જાત પસંદ કરવી.

તુરીયાની ખેતીને અનુકૂળ વાવેતર અને અંતર

તુરીયાના પાકનું ચોમાસામાં જૂન-જુલાઈ અને ઉનાળામાં ફેબ્રુઆરી માર્ચ માસમાં વાવણી કરવામાં આવે છે. જમીનની ફ્ળદ્રુપતા મુજબ બે હાર વચ્ચે ૨ મીટર અથવા ૧.૫ મીટરના અંતરે ચાસ ખોલી બે છોડ વચ્ચે ૧ મીટર અંતર રાખી થાણા દીઠ ૨ થી ૩ બીજની વાવણી કરવી. તુરીયાના ખેતીમાં હેક્ટર દીઠ ૨ થી ૩ કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે. ઉનાળુ ૠતુમાં તુરીયાના પાકની વાવણી બાદ હળવું પિયત આપવું જરૂરી છે.

તુરિયાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

તુરીયાની ખેતીમાં જમીન તૈયાર કરતી વખતે સેન્દ્રિય ખાતર ૭ થી ૮ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવું. રાસાયણિક ખાતરમાં ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૩૩ કિ.ગ્રા. યુરીયા), ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (૫૪ કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૨૫ કિ.ગ્રા. પોટાશ (૪૨ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) ચાસ ખોલીને પાયાના ખાતર તરીકે આપવું અને વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે પૂર્તિ ખાતર તરીકે હેક્ટરે ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૫૪ કિ.ગ્રા. યુરીયા) આપવો.


તુરીયાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

ઉનાળુ ૠતુમાં વાવેતર પહેલા એક હળવું પિયત આપીને વાવણી કરવી. વાવણી બાદ જ્યારે બીજના ઉગાવાની શરૂઆત થાય ત્યારે હળવું પિયત પાકની જરૂરિયાત મુજબ આપવું. સામાન્ય રીતે ઉનાળામાં ચારથી પાંચ દિવસના અંતરે પિયત આપવું અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પાણી આપવું જરૂરી છે.

અખતરાઓના પરિણામ ઉપરથી માલૂમ પડેલ છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી તુરીયાના પાકમાં ૫૯ ટકા પાણીની બચત થાય છે અને ૧૭ ટકા વધુ ઉત્પાદન મળે છે.

તુરીયાની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ વ્યવસ્થાપન

તુરીયાની ખેતીમાં પાકની શરૂઆતની અવસ્થામાં બે થી ત્રણ વખત આંતર ખેડ કરવી, જ્યારે વેલાની લંબાઈ વધવા લાગે ત્યારે આંતર ખેડ બંધ કરવી. જરૂરિયાત મુજબ ૩ થી ૪ વખત નિંદામણ કરી ખેતર ચોખ્ખું રાખવું.

તુરીયાની ખેતીમાં મંડપ પદ્ધતિ

તુરીયાની ખેતીમાં મંડપ પદ્ધતિ બનાવી રેલીંગ કરી લઈ શકાય છે. આ માટે વાવેતર બાદ ૨૦ થી ૨૫ દિવસે લાકડાના થાંભલાઓનો મંડપ બનાવી કાથી ઉપર વેલાઓને ચઢાવવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે. વેલાની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા તેમજ પ્રકાશ મળી રહે છે તેમજ ફળની લંબાઈ પણ વધે છે. આ ઉપરાંત ફળ જમીનને અડતા ન હોવાથી ફૂગથી નુકસાન થતું નથી. ગુણવત્તા સારી મળે છે અને વીણીમાં પણ સરળતા રહે છે.

અખતરાઓના પરિણામ પરથી માલૂમ પડેલ છે કે, મંડપ પદ્ધતિથી તુરીયાના પાકમાં ૩૦ ટકા વધુ ઉત્પાદન મળે છે. 

તુરીયાની ખેતીમાં રોગ અને જીવાત નિયંત્રણ

A. તુરીયાની ખેતીમાં આવતા રોગ અને તેનું નિયંત્રણ

1. તુરીયાની ખેતીમાં તળછારો રોગ દ્વારા થતું નુકશાન

તુરીયાની ખેતીમાં તળછારો રોગ સુડોપરનોસ્પોરા ક્યુબેન્સીસ નામની ફૂગથી થાય છે. તળછરો રોગમાં પાકટ પાનની ઉપરની બાજુએ શરૂઆતમાં અનિયમિત આકારના પીળાશ પડતા ડાઘ પડે છે અને ઘણીવાર પાનની નીચેની બાજુએ સફેદ ફૂગની છારી દેખાય છે. પાન સૂકાઈને ખરી પડે છે અને છોડની વૃદ્ધિ અટકે છે. છોડમાં ફળ ઓછા બેસે છે અને કદમાં નાના રહે છે.

તુરીયાની ખેતીમાં તળછારો રોગનું નિયંત્રણ

તળછારો રોગના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલાં મેટાલીક્ઝીલ ૮ ટકા + મેન્કોઝેબ ૬૪ ટકા વે.પા.ની ૪ ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અને ત્યાર પછી પાકના વાવેતર બાદ ૫૦, ૬૦ અને ૩૦ દિવસે સવારે જૂના પર્ણ દૂર કરવા અને બપોર બાદ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ત્રણ થી ચાર છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે જરૂર મુજબ કરવા.

2. તુરીયાની ખેતીમાં ભૂકીછારો રોગ દ્વારા થતું નુકશાન

તુરીયાની ખેતીમાં ભૂકીછારો રોગ ઈરીસીફે સીકોરેસીરમ નામની ફૂગથી થાય છે. આ રોગમાં પાનની ઉપરની બાજુએ ફૂગની સફેદ છારીના ધાબા પડે છે અને આખા પાન પર છવાઈ જાય છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે ફળ ખરી પડે છે તેથી ઉત્પાદનમાં ઘટાડો કરે છે.

તુરીયાની ખેતીમાં ભૂકીછારો રોગનું નિયંત્રણ

ભૂકીછારો રોગના નિયંત્રણ માટે પાક લગભગ બે માસનો થાય ત્યારે કે રોગ દેખાય કે તરત જ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ટકા ઈ.સી. ૫ મિ.લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ અથવા થાયોનેટ મિથાઈલ ૭૦ ટકા વે.પા. દવા ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. બીજો અને ત્રીજો છંટકાવ, પહેલા છંટકાવ બાદ ૧૦ થી ૧૨ દિવસના અંતરે કરવો.

B. તુરીયાની ખેતીમાં જીવાત નિયંત્રણ

તુરીયાની ખેતીમાં ફળમાખી દ્વારા થતું નુકશાન

ફળમાખીનું પુખ્ત (માખી) બદામી રંગનું, પીળા પગવાળું અને પારદર્શક પાંખો ઉપર કાળા રંગના ધાબા ધરાવતું હોય છે. માદા કુમળા ફળની છાલની નીચે સફેદ, નળાકાર ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકેલ કાણાંમાંથી ચીકણો રસ ઝરે છે. ઈંડાંમાંથી નીકળતા કીડા પગ વગરના, પીળાશ પડતા સફેદ રંગના, મોઢા તરફના છેડે પાતળા અને પાછળના છેડે જાડા હોય છે. તે ફળનો ગર્ભ કોરી ખાય છે ફ્ળનો વિકાસ અટકી જાય છે અને ફળમાં કોહવારો શરૂ થાય છે અને ખરી પડે છે. કીડો ફળમાંથી બહાર નીકળી જમીનમાં કોશેટો બનાવે છે. આ જીવાતનો ઉપદ્રવ માર્ચ-એપ્રિલ મહિનામાં વધુ રહે છે.


તુરીયાની ખેતીમાં ફળમાખીનું નિયંત્રણ

ફળમાખી જીવાતના નિયંત્રણ માટે ક્યુલ્યુરયુક્ત પ્લાયવુડના બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને આકર્ષવા માટે વિષ પ્રલોભીકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભીકા બનાવવા માટે છંટકાવના આગલા દિવસે ૫૦૦ ગ્રામ ગોળ ૧૦ લિટર પાણીમાં ઓગાળી બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં ૪૦ લિટર પાણી ભેળવી તેમાં મેલાથીયોન ૫૦ ઈસી ૫૦ મિ.લિ. મેળવીને ફૂલ આવ્યા બાદ મોટા ફોરા પડે તે રીતે વાડીમાં 9 x 9 મીટરના અંતરે છંટકાવ કરવો, જરૂર જણાય તો બીજો છંટકાવ એક અઠવાડિયા બાદ ફરીવાર કરવો.

તુરીયાની ખેતીમાં વીણી યોગ્ય સમય

તુરીયાની પ્રથમ વીણી વાવેતર બાદ ૫૦ થી ૫૫ દિવસે આવે છે અને દોઢ થી બે માસ સુધી વીણીઓ ચાલુ રહે છે. સારા અને કુમળા ફળો ઉતારી ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળે છે.

તુરીયાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન

તુરીયાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન ૯ થી ૧૦ હજાર કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે મળે છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments