“મારુ પણ લુણાવાડાથી લાલ લસણ લઈ લેજો.” લુણાવાડાનું ‛લાલ લસણ’ દૂર દેશાવર સુધી પ્રખ્યાત

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના આસપાસના પંથકમાં થતું લાલ લસણ દૂર દેશાવર સુધી પ્રખ્યાત છે. મરી મસાલા પાક તરીકે લસણ એ શિયાળાનો એક અગત્યનો રોકડિયો પાક છે. ત્યારબાદ સૂકા લસણનું ભરપૂર વેચાણ થાય છે, તેમાં પણ જો તમે લુણાવાડામાં રહેતા હોવ તો ઓળખીતા પાળખીતા સગાસંબંધીમાં જેમણે પણ એક વખત લુણાવાડાના લાલ લસણનો સ્વાદ જીભે લગાવ્યો છે તે અચૂક કહેશે જ કે, “ મારું પણ પાંચ, દસ કે પંદર કિલો લુણાવાડાથી લાલ લસણ લઈ લેજો.”

લુણાવાડાનું પ્રખ્યાત લાલ લસણ
લુણાવાડાનું પ્રખ્યાત લાલ લસણ

આખુ વર્ષ લાલ લસણનો એ જ સ્વાદ મેળવવા માટલામાં રાખોડી સાથે સંગ્રહ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર મહીસાગર નદીના કાંઠે આવેલો છે. મહીસાગર જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે.

લસણ એ લીલા તથા અર્ધ સુકા મસાલા તરીકે અને કાચા કચુંબરમાં વપરાશમાં લેવાતો પાક છે. લીલા કે સૂકા લસણનો ઉપયોગ મુખ્યત્વે મરીમસાલા તરીકે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. લીલા તથા સૂકા લસણનો ચટણી, અથાણાં, સૂપ તથા ટોમેટો કેચ અપ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. લસણ રસોઈને વિશિષ્ટ સ્વાદ આપવામાં ખુબ જ ઉપયોગી બને છે અને તેમાં પણ લુણાવાડાના લાલ લસણનો સ્વાદ જ કઈંક ઔર હોય છે. લસણના વાવેતર માટે થોડી હલકી, ગોરાડુ, મધ્યમ કાળી, સારી નિતાર શક્તિ ધરાવતી તથા વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન લસણના પાકને વધારે અનુકૂળ આવે છે. ઓકટોબર માસ લસણના પાક માટે વાવેતરનો આદર્શ સમય છે.

લાલ લસણની ખેતી કરતો ખેડૂત
લાલ લસણનું ગ્રેડિંગ કરતો ખેડૂત

લસણની ખેતીમાં મહીસાગર જિલ્લાની પિયત વ્યવસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લસણનો પાક રોપણી બાદ અંદાજે ૪થી ૫ માસમાં તૈયાર થાય છે. લીલા લસણની ખેતીમાં લસણ એક મહિનાનું થાય પછી બજારમાં વેચાણ માટે આવતું હોય છે. લીલા લસણની ખેતીમાં લસણ એક મહિનાનું થાય પછી બજારમાં વેચાણ માટે આવતું હોય છે. આ ઉપરાંત ખેડૂતના ઘરે અને વેપારીઓ પાસેથી સૂકું લસણ વેચાણમાં મળતું હોય છે જેમાં લુણાવાડાના લાલ લસણની ગુણવત્તાને અનુલક્ષી અન્ય લસણની જાતો કરતાં ઊંચો ભાવ બોલાતો હોય છે. આ લસણમાંથી ગ્રેડિંગ કરી લાલ લસણના અલગ અલગ વકકલ કરવામાં આવે છે. જેમાંથી એક કળી લસણનું પણ અલગ ગ્રેડિંગ કરી જુદુ તારવવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો લાલ લસણની ખેતી કરી સારી આવક મેળવી રહયાં છે. 

એક કળીની લસણની વિશેષતા અને લસણ સેવનના અનેક લાભો

લોકો લુણાવાડાથી ખાસ એક કળીનું લસણ મંગાવે છે જેનો ભાવ સામાન્ય લસણ કરતાં પાંચથી સાત ઘણો વધારે હોય છે. લોકોનું માનવું છે કે એક કળી લસણનું સેવન કરવાથી હાઈપરટેન્શનમાં આરામ મળે છે. લસણનું સેવન લોહીના પરિભ્રમણને વધારવા સાથે હૃદય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. લીવર અને મૂત્રાશયને પણ કાર્યરત કરે છે. પાચનક્રિયા - ભુખ તથા લોહી વધારવામાં લસણ પ્રભાવશાળી છે. આ સિવાય પણ લસણ સેવનના અનેકાનેક લાભો છે. જેમાં હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે. પેટ સંબંધી સમસ્યાઓના ઉપચારમાં પણ લસણનું સેવન પ્રભાવશાળી રીતે ફાયદો કરે છે. લસણનું સેવન પાચનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે અને જેને ભૂખ ન લાગતી હોય તેમની ભૂખ પણ વધારે છે. લસણ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યારે પણ ગભરામણ થાય છે ત્યારે પેટમાં એસિડનું નિર્માણ થાય છે અને લસણનું સેવન આ એસિડને બનતા અટકાવે છે. લસણ એટલું પ્રભાવશાળી છે કે શરીરમાં પેદા થતાં બેક્ટેરિયા અને વિષાક્ત પદાર્થો સામે રક્ષણ આપે છે. વિવિધ બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, ટ્યૂફ્સ, ડિપ્રેશન અને કેટલાક પ્રકારના કેન્સરના ઉપચારમાં પણ મદદગાર સાબિત થાય છે. લસણનું સેવન શ્વસનતંત્ર માટે પણ લાભકારી સાબિત થાય છે. આ ઉપરાંત લસણ ક્ષય રોગમાં, અસ્થમા, ન્યૂમોનિયા, શરદી, બ્રોન્કાઈટિસ, જુની શરદી, ફેફસામાં સંક્રમણ અને કફ વગેરે સમસ્યાઓમાં ઝડપથી ફાયદો કરે છે.

લાલ લસણ અને તેની ખેતી
વેચાણ અર્થે બજારમાં આવેલું લાલ લસણ

લસણના તેલ, પાઉડરની વિદેશમાં ઊંચી માંગ

લસણના તેલ અને પાઉડરની વિદેશમાં ઊંચી માંગ હોય મહીસાગર જિલ્લામાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝની ઊજળી તકો રહેલી છે. મહીસાગર જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને અહીંની ખેતી પ્રધાનતા, સિંચાઈની સગવડને અનુલક્ષી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની ઊજળી તકોને જોતાં જિલ્લામાં ખેતી વિષયક ઇન્ડસ્ટ્રીઝ ઉત્તમ સફળતા પામી શકે તેમ જણાઈ રહ્યું છે.  મહીસાગર જિલ્લામાં લસણની સાથે આદુનો પાક પણ મોટા વિસ્તારમાં થાય છે. આ પાકોને લગતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આ જિલ્લામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને તેમજ બેરોજગાર યુવાનોને લાભ થઈ શકે છે. લસણમાંથી નીકળતું તેલ વ્યાપારિક ધોરણે ખૂબ જ મહત્વનું છે. પરદેશમાં સુકુ લસણ તથા લસણના પાવડરની ઊંચી માગ હોવાથી તેના નિકાસની ઉજળી તકો છે.

Post a Comment

0 Comments