રાસાયણિક ખાતરમાં થયેલો વધારો મત મેળવવા માટે ખેડૂતો સાથે થયેલી છેતરપીંડી ના કહેવાય? : ભેમાભાઈ ચૌધરીનો મુખ્યમંત્રીશ્રીને જાહેર પત્ર

રાસાયણિક ખાતરમાં ભાવ વધારોનો પરિપત્ર વાયરલ થતાં ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાને પાછો ખેંચવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને કિસાન આગેવાન ભેમાભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી શ્રીને જાહેર પત્ર લખ્યો છે.

Bhemabhai Chaudhri

ભેમાભાઈ ચૌધરીએ આ જાહેર પત્રમાં મુખ્યમંત્રીને લખ્યું છે કે, આપને યાદ હશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ હતી એ દરમ્યાન રાસાયણિક ખાતરોના ભાવ-વધારા જાહેર થયા હતા. એ વખતે ગુજરાતના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયા સાહેબે મીડિયાની સામે આવી જાહેર કર્યું હતું કે, "વિરોધ પક્ષ અને કેટલાક ખેડૂત આગેવાનો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખાતરોના ભાવમાં કોઈ વધારો થયો નથી." આ શું હતું? ગુજરાતના ખેડૂતોને કોણે ગેરમાર્ગે દોર્યા? આને મત મેળવવા માટે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી ના કહેવાય?

ખાતરોના ભાવમાં થયેલો આ વધારો ઐતિહાસિક છે, દેશ અને ગુજરાતના ઇતિહાસમાં કૃષિ ઉપજ માટે આવશ્યક એવી કોઈ પણ વસ્તુના ભાવમાં સીધો 58% જેટલો વધારો થયાનું અમારી જાણમાં નથી. આટલું મોટું ઐતિહાસિક પગલું સરકારે કેમ ભર્યું?

કૃપા કરી આંતરરાષ્ટ્રીય ભાવોનો હવાલો આપીને ભાવ-વધારો વાજબી ઠરાવવાની કોશિશ સરકારે ના કરવી જોઈએ.  રાજ્ય સરકારે કોઈ પણ રીતે આ ભાવવધારાને એડજસ્ટ કરીને ખેડૂતોને આ બોજથી મુક્ત રાખવા જોઈએ.

મારી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાત સરકારે, હાલ કોરોનના કપરા સમયમાં, એક તરફ એપીએમસી બંધ છે, ધિરાણ સુલ્ટાવવાના છે,  ઘરમાં લગ્ન મરણ કે બીમારી છે, ડીઝલ, બિયારણ, દવાઓ, મજૂરીના ભાવો વધી રહ્યા છે ત્યારે ખાતરનો આ તોતિંગ વધારો ખેડૂતો ખામી શકે એમ નથી જ.

જો સરકાર આ વધારો પાછો ના ખેંચે તો નાછૂટકે, અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ બિલકુલ યોગ્ય નથી એવા રેલી, ધરણા, ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમો કરવા પડે જે તદ્દન અયોગ્ય છે.

આશા છે આ બાબતમાં આપ તાત્કાલિક ઘટતો નિર્ણય કરી જાહેરાત કરશો જેથી ખેડૂતો નિશ્ચિત થઇ શકે.

Post a Comment

0 Comments