સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી

ભારતમાં સોયાબીનનું વાવેતર ૭૬ લાખ હેકટરમાં થાય છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સોયાબીન ઉગાડતા મુખ્ય રાજયો છે. આપણા રાજયમાં દક્ષિણ ગુજરાતમાં આ પાકનું નજીવા પ્રમાણમાં વાવેતર થાય છે. સોયાબીનમાં પ્રોટીન આશરે ૪૦ થી ૪૨ ટકા તથા તેલ આશરે ૧૮ થી ૨૨ ટકા મળે છે. આમ પ્રોટીન અને તેલની માંગને પહોંચી વળવા સોયાબીન પાક મહત્વનો ભાગ ભજવી શકે છે.

સોયાબીનની ખેતી

સોયાબીનનો પાક જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તેના મૂળ ઉપર આવેલી ગંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બેકટેરિયા રહે છે, જે હવામાનો નાઈટ્રોજન લઈ જમીનમાં ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે. આમ સોયાબીન એ મનુષ્ય, પશુ અને જમીન એમ ત્રણેયને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત સોયાબીન ટૂંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક હોય, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર માટે અનુકૂળ છે. આ પાક ઉગાડવા માટે ખેતી પદ્ધતિ અત્રે દર્શાવેલ છે.

સોયાબીનની ખેતીને અનુકૂળ જમીન :

સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં વાવી શકાય છે. સોયાબીનનો પાક મધ્યમકાળી સારા નિતારવાળી ઊંચા સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. પાકના ઉગાવા માટે એકસરખી ભરભરી જમીન જરૂરી છે. એક ઊંડી ખેડ અને બે કરબ ખેડ કરી જમીન સમતલ કરી તૈયાર કરવી.

સોયાબીનની સુધારેલી જાતો :

ગુજરાત સોયાબીન-૧ઃ આ જાત ગુજરાતમાં ઓછા અનિયમિત વરસાદવાળા વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. ઊંચાઈમાં ઠીંગણી આ જાત ૩૦ સે.મી. ઊંચી થાય છે અને ૯૦ થી ૯૫ દિવસે પાકી જાય છે. તેના ફૂલ જાંબલી અને મધ્યમ કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ રર ટકા જેટલું હોય છે.

ગુજરાત સોયાબીન-૨: આ જાતની ભલામણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે કરવામાં આવેલ છે જેની ઊંચાઈ ૫૫ સે.મી જેટલી હોય છે અને ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે. મોટા કદનાં પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૨૪ ટકા જેટલું હોય છે.

જે એસ.-૩૩૫ : આ જાતની ઊંચાઈ ૩૦ થી ૩૫ સે.મી. હોય છે. તેના દાણા પીળા અને મધ્યમ કદના હોય છે. તેના ફૂલનો રંગ જાંબલી હોય છે તેમજ ૯૦ થી ૯૫ દિવસે પાકી જાય છે. આ જાત પાકી ગયા પછી પણ લાંબો સમય ખેતરમાં ઊભી રહે તો દાણા ખરી પડતા ન હોવાથી ખેડૂતોમાં પ્રચલિત થયેલ છે.

સોયાબીનની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

સોયાબીનના વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. આ પાકને હેકટરે ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તત્વ (૫ કિ.ગ્રા. ડીએપી અને ૯૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફટ હેકટરે) જમીન તૈયાર કરતી વખતે આપવાથી સારું ઉત્પાદન મળે છે. ગંધકની ઉણપ ધરાવતી જમીનમાં હેકટરે ૫૦૦ કિલોગ્રામ જિપ્સમ આપવું.

સોયાબીનની ખેતીમાં વાવેતર સમય :

સોયાબીનનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે.

સોયાબીનની ખેતીમાં વાવણી અંતર :

સોયાબીનનું બે હાર વચ્ચે ૪૫ અને બે છોડ વચ્ચે ૭.૫-૧૦ સે.મી. અંતર રાખવું જેથી એક હેકટર વિસ્તારમાં જરૂરી છોડની સંખ્યા જાળવી શકાય.

સોયાબીનની ખેતીમાં બીજ દર :

સોયાબીનનો એકલો પાક લેવાનો હોય ત્યારે હેકટરે બીજનો દર ૬૦ કિ.ગ્રા. રાખી વાવેતર કરવું જયારે આંતરપાક માટે ૩૦ કિ.ગ્રા. દરની ભલામણ છે.

સોયાબીનની ખેતીમાં બીજ માવજત :

સોયાબીનના બીજના સારા ઉગાવા માટે તેમજ જમીનજન્ય રોગથી છોડને બચાવવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવાનો પટ વાવેતર કરતા પહેલાં આપવો. વધારે ઉત્પાદન મેળવવા ૨૫ કિ.ગ્રા. બીજ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી.

સોયાબીનની ખેતીમાં પિયત વ્યવસ્થાપન :

વરસાદના અછતના સમયે પાકની કટોકટીની અવસ્થાએ જીવન રક્ષક પિયત આપવું.

સોયાબીનની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ:

જરૂરિયાત મુજબ ૨ થી ૩ આંતરખેડ તેમજ બે વખત હાથથી નીંદામણ કરી પાકને શરૂઆતના તબકકામાં નીંદણમુકત રાખવું.

સોયાબીનની ખેતીમાં પાક સંરક્ષણ :

સોયાબીનના પાકમાં જીવાતોનો ઉપદ્રવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમ છતાં રિપોર્ટના આધારે કહી શકાય કે પાકમાં પાનનું ચાચવું,ગર્ડલ બીટલ, સેમીલુપર (ઈયળ), લીફ માઈનર, લશ્કરી ઈયળ, થ્રિપ્સ, તડતડીયા, મોલોમશી અને સફેદ માખી જેવી જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે.

મોલોમશી, સફેદ માખી, થ્રિપ્સ અને તડતડીયાના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૦.૦૩ ટકા અથવા ફોસ્ફાકિડોન ૦.૦૩ ટકા અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ૦.૦ર૫ ટકા પ્રવાહી દવાનો ઉપયોગ કરવો. ગર્ડલ બીટલ તથા સેમીલપરના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૦.૦૫ ટકા અથવા ફોઝેલોન ૦.૦૭ ટકા અથવા ફેનિટ્રોથિઓન ૦.૦૫ ટકા છંટકાવ કરવો જયારે પાનના ચાંચવાના નિયંત્રણ માટે મિથાઈલ પેરેથિઓન ર ટકા ભૂકી અથવા કિવનાલફોસ ૧.૫ ટકા અથવા એન્ડોસલ્ફાન ૪ ટકા ભૂકીનો હેકટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવાની ભલામણ છે.

સોયાબીનની ખેતીમાં આંતરપાક :

  • કપાસ, બાજરી, તુવેર, હા.જુવાર, દિવેલા સાથે આંતરપાક લેવાથી હેકટર દીઠ એકલા પાક કરતા વધુ આવક મેળવી શકાય છે અને કુદરતી જોખમ ઘટાડી શકાય છે. કપાસમાં ૧૮૦ સે.મી.ના અંતરે વાવેલ કપાસની બે હાર વચ્ચે, બે હાર સોયાબીનનું વાવેતર કરવું ફાયદાકારક માલૂમ પડેલ છે.
  • બાજરીના વાવેતર કરતા ખેડૂતોએ ૬૦ સે.મીના અંતર વાવેલ બાજરીની બે હાર વચ્ચે એક હાર સોયાબીન અને ૯૦. સે.મી. ના અંતરે વાવેલ બાજરીની બે હાર વચ્ચે સોયાબીનની બે હારનું વાવેતર ફાયદાકારક માલૂમ પડેલ છે.
  • તુવેરના ૬૦ સે.મી. ના અંતરે તુવેર વાવેલ પાકમાં એક હાર સોયાબીન તેમજ ૯૦ સે.મી. ના અંતરે તુવેરના પાકમાં બે હાર સોયાબીનની વાવણી કરવી ફાયદાકારક છે.
  • જુવારના ૬૦ સે.મી ના અંતરે વાવેલ હાર વચ્ચે એક હાર સોયાબીનની તેમજ ૯૦ સે.મી ના અંતરે વાવેલા હા. જુવારની બે હાર વચ્ચે બે હાર સોયાબીનનું વાવેતર કરવું ફાયદાકારક છે.
  • ૯૦ સે.મી. ના અંતરે વાવેલ દિવેલાના પાકમાં એક હાર સોયાબીનનું વાવેતર નફાકારક માલૂમ પડેલ છે.

સોયાબીનની ખેતીમાં કાપણી યોગ્ય સમય :

સોયાબીનના મોટાભાગના પાન પીળા થઈને ખરી પડે તથા ૯૦ થી ૯૫ ટકા સિંગો સોનેરી પીળી થઈ જાય ત્યારે દાંતરડાથી કાપણી કરવી. જો પાકની કાપણી મોડી કરવામાં આવે તો સિંગો ફાટી જઈ દાણા ખરી પડે છે અને જો લીલી શિંગો હોય અને કાપણી કરવામાં આવે તો સિંગોમાં દાણા ચીમળાઈ ગયેલા લાલ રંગના હોય છે, જેનાથી દાણાની ગુણવત્તા બગડે છે. કાપેલા છોડને ૮ થી ૧૦ દિવસ ખળામાં સુકાવા દઈ લાકડાના ધોકાથી અથવા થ્રેસરથી દાણા છૂટા પાડવા.

સોયાબીનનું સરેરાશ ઉત્પાદન :

સોયાબીનના પાકને સારી માવજત આપવાથી હેકટર દીઠ ૧૫૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments