માંડવા ટેકા આધારિત કંકોડાની આધુનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી

શાકભાજી પાકોમાં કંકોડા આગવું સ્થાન ધરાવે છે. કંકોડાને આપણે કંટોલા પણ કહીએ છીએ. કંકોડાનો સમાવેશ ક્યુકરબીટેશી વર્ગમાં કરવામાં આવેછે. ભારતમાં કંકોડાના પાકનું વાવેતર પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પૂર્વાચલ અને આસામ રાજ્યમાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં આ પાકની ખેતી ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં મુખ્યત્વે વડોદરા, જૂનાગઢ, સુરત જિલ્લા તેમજ મહી નદીના કોતર વિસ્તારમાં થાય છે. ચોમાસામાં જ્યારે બીજા શાકભાજી ઓછા ઉપલબ્ધ હોય ત્યારે કંકોડા સારું વળતર મેળવી આપે છે. કંકોડા એ વેલાવાળો પાક હોઈ તેને આધારની ખાસ જરૂર પડે છે અને ટેકા માંડવા આધારિત કંકોડાની ખેતીથી સારી ગુણવત્તા સાથેનું ઉત્પાદન મેળવી શકાય છે.

કંકોડાનું ઔષધીય મહત્વ

આયુર્વેદ અને પોષક તત્ત્વોની દૃષ્ટિએ કંકોડા ખૂબ જ ઊંચું મહત્ત્વ ધરાવે છે. કંકોડા અરુચિ, શ્વાસ, મધુપ્રમેહ, કફના રોગો, ઉધરસ, તાવ તથા પેશાબની તકલીફમાં ઉપયોગી ગુણો ધરાવે છે. કંટોલામાં આયોડિન અને વિટામીન-સી. પૂરતા પ્રમાણમાં હોય છે.

કંટોલાની ખેતી

કંકોડા ખેતીને અનુકૂળ જમીન અને આબોહવા

કંકોડાના પાકને રેતાળ, ગોરાળુ, મધ્યમ કાળી અને સારા નીતારવાળી જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી અને એસીડિક જમીન કંકોડાના પાકને માફક આવતી નથી. સામાન્ય રીતે કંકોડાના પાક માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે, પરંતુ ફૂલ અવસ્થાએ વાદળછાયું વાતાવરણ કંકોડાના પાકને અનુકૂળ નથી.

કંકોડાની ખેતીમાં રોપણી યોગ્ય સમય

કંકોડાની વાવણી પિયત અને બિનપિયત એમ બંને પરિસ્થિતિમાં કરી શકાય છે. સામાન્ય રીતે પિયતની સગવડતા હોય ત્યાં મે માસની શરૂઆતમાં અને બિનપિયત વિસ્તારમાં ચોમાસા દરમ્યાન સારો વરસાદ થાય ત્યારે (જૂન-જુલાઈ) વાવેતર કરી શકાય છે. પિયત વ્યવસ્થાવાળા વિસ્તારમાં વહેલુ વાવેતર થાય તો ચોમાસાની શરૂઆત થતાં કંકોડા ઉતરવા માંડે છે અને સારા બજાર ભાવો મળી રહે છે.

કંકોડાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

કંકોડાની રોપણી પહેલા ખેતરમાં એક હેક્ટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર નાખી, બે થી ત્રણ આડી ઊભી ખેડ કરી ખાતર જમીનમાં ભેળવી દેવું. કંકોડાની રોપણીમાં બે હાર વચ્ચે ૧૨૦-૧૮૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૩૦-૬૦ સે.મી.નું અંતર રાખી રોપણી કરવી જોઈએ.

કંકોડાની ખેતીમાં વૃદ્ધિ અને જાતો

કંકોડાની વૃદ્ધિ બીજ, કંદ અને કટકા ક્લમથી થાય છે. કંકોડા એ દ્વિગૃહી છોડ હોવાથી નર અને માદા છોડ અલગ અલગ હોય છે અને ફૂલ ન આવે ત્યાં સુધી નર અને માદા છોડ ઓળખી શકાતા નથી. નર વેલા ઉપર ૩૫ દિવસે ભમરડા આકારના પીળા ફૂલ આવે છે અને માદા વેલા ઉપર ૪૫ થી ૫૦ દિવસે ફૂલ આવે છે.

કંકોડાની બીજથી વૃદ્ધિ

કંકોડામાં ખાસ કોઈ સુધારેલી જાત નથી. ખેડૂતો સ્થાનિક જાતમાંથી તૈયાર કરેલું બિયારણ રોપણીમાં ઉપયોગ કરે છે. બીજ થકી થતા વાવેતરમાં ૨ થી ૩ સે.મી.ની ઊંડાઈએ ત્રણ-ત્રણ બીજ નક્કી કરેલા અંતરે રોપણી કરવી. બીજથી થતા વાવેતરમાં નર અને માદાનું પ્રમાણ ૬૦:૪૦નું જોવા મળે છે. જ્યારે ખેતરમાં ૧:૧૦નાં પ્રમાણમાં નર અને માદા છોડ રાખવાથી સારા પ્રમાણમાં કુદરતી રીતે ફ્લીનીકરણ થઈ શકે છે. બીજ દ્વારા થતા વાવેતરમાં નર વેલાનું પ્રમાણ વધારે રહે છે. ફૂલ આવવાની શરૂઆત થતાં ૧૦ માદા છોડની સામે ૧ નર છોડ રાખી બાકીના વધારાના નર છોડને દૂર કરવા. વધારે પ્રમાણમાં નર છોડ રાખવાથી નર વેલાને લીધે માદા વેલા ઢંકાઈ જાય છે અને સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વોમાં ભાગ પડાવી ઉત્પાદન ઘટાડે છે.

કંકોડાની ખેતીમાં કંદથી વૃદ્ધિ

કંદથી વાવેતર કરવા માટે નર અને માદા છોડમાંથી કંકોડાના તંદુરસ્ત કંદ નર અને માદા અલગ અલગ પસંદ કરી ૧:૧૦ પ્રમાણમાં જમીનમાં કંદની આંખ બહાર રાખી પોલાણ ન રહે તેમ રોપણી કરવી.

કંકોડાની ખેતીમાં કટકાથી વૃદ્ધિ

ત્રણ થી ચાર આંખવાળા ૪૦ થી ૪૫ સે.મી. લંબાઈના તંદુરસ્ત ટુકડા પસંદ કરી તેને માટી, છાણીયું ખાતર અને રેતીના ૧:૧:૧ના તૈયાર કરેલા કલ્ચરમાં પોલીથીન બેગ કે ક્યારામાં ભરીને છાંયડાવાળી જગ્યામાં ઊગાડી તૈયાર કરવા અને મે-જૂન માસમાં અનુકૂળ વાતાવરણમાં જમીન ઉપર રોપણી કરવી જોઈએ.

કંકોડાની ખેતીમાં ટીસ્યુકલ્ચર રોપનું મહત્વ

હાલમાં કંકોડામાં ટીસ્યુકલ્ચર પદ્ધતિથી તૈયાર કરેલા રોપા ઉપલબ્ધ છે. ટીસ્યુકલ્ચર પદ્ધતિમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માતૃસ્વરૂપ છોડમાંથી પેશી લઈ પ્રયોગશાળામાં આ પેશીની મદદથી માતૃછોડ જેવો જ અને ગુણવત્તાવાળો નવો છોડ વિકસાવવામાં આવે છે, ત્યાર બાદ આ છોડને ગ્રીન હાઉસ નેટ હાઉસની મદદથી વિકસીત કરવામાં આવે છે. ત્યારબાદ તેની રોપણી થાય છે. ટીસ્યુકલ્ચર કંકોડામાં નર અને માદા છોડની ઓળખ શરૂઆતથી જ થઈ શકતી હોવાથી ૧:૧૦ (નર અને માદા) પ્રમાણ સરળતાથી જાળવી અને ઉત્પાદન વધુ લઈ શકાય છે. વધુમાં ટીસ્યુકલ્ચર વડે તૈયાર થતો રોપ રોગ અને જીવાતમુક્ત હોય છે.

કંકોડાની ખેતીમાં માવજત

કંકોડાની ખેતીમાં છોડના ઉગાવા બાદ પ્રથમ ત્રણ અઠવાડિયા દરમ્યાન બે થી ત્રણ વખત આંતર ખેડ કરવી અને જરૂરિયાત મુજબનું નીંદણ હાથ વડે દૂર કરવું. નર વેલામાં ૧૦ થી ૧૫ દિવસ વહેલા ફૂલ બેસે છે. નર વેલાને ઓળખી અને જો નર વેલાનું પ્રમાણ વધારે હોય તો કાઢી નાખવા અને પડેલા ખાલાને પોલીથીન બેગમાં ઉછેરેલ માદા વેલા રોપીને ખાલાને પુરવા જેથી ઉત્પાદન ઘટે નહીં.

કંકોડાના ફૂલ સાંજના સમયે ખીલતા હોય છે. આ સમયે પરાગનયન માટે કિટકોનું પ્રમાણ ઓછું હોવાથી ફ્લીનીકરણ પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી અને અવિકસીત ફળો પીળા પડી ખરી પડે છે અને આર્થિક નુકશાન થાય છે. આ માટે કૃત્રિમ રીતે હાથથી પરાગનયન કરવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. આ ઉપરાંત ગોળ ૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળીને સાવરણીથી છંટકાવ કરવાથી મધમાખી જેવા કીટકોને પરાગનયન માટે આકર્ષિત કરી શકાય છે.

કંકોડાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

કંકોડાના છોડને એપ્રિલ-મે માસમાં ૮ થી ૧૦ દિવસનાં અંતરે નિયમિત પાણી આપી ઉછેર કરવો અને જૂન માસમાં જો વરસાદ મોડો પડે તો પીયત આપતા રહેવું.

કંકોડાની ખેતીમાં મંડપ અને ટેકા પદ્ધતિ

કંકોડા એ વેલાવાળો પાક હોઈ તેને આધારની ખાસ જરૂરિયાત રહે છે. જમીન ઉપર પાથરીને ફેલાતા વેલાઓમાં ફળોનો બગાડ વધુ થાય છે અને ગુણવત્તા પણ જળવાતી નથી આ માટે પાકને મંડપ તૈયાર કરી વેલા ચઢાવવામાં આવે છે.

કાચા મંડપ

કાચા મંડપ માટે લાકડાં/વાંસના ટેકાનો ઉપયોગ કરવામાં આવે છે અને ૧૨ ગેજના ગેલ્વેનાઈઝડ/સ્ટીલના તારને જમીનથી ૦.૫ થી ૧.૫ મીટરનાં અંતરે થાંભલા સાથે ખેંચીને બાંધવામાં આવે છે. તારની બંને બાજુએ કપાસ, એરંડા કે તુવેરની કરાઠીઓ થોડા-થોડા અંતરે ઊભી કરી વેલાને આધાર આપવામાં આવે છે જેથી વેલા તાર પર સરળતાથી ચડી શકે.

અર્ધ પાકા મંડપ

અર્ધ પાકા મંડપમાં મજબુતાઈ માટે બોર્ડર (ખેતરની ફરતે) પર સિમેન્ટ અથવા લોખંડના થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે. વચ્ચેનાં ભાગમાં લાકડાં/ વાંસના ટેકાનો ઉપયોગ કરવામાં ૧૨ ગેજના ગેલ્વેનાઈઝડ/સ્ટીલના તાર વાપરી મંડપ બનાવવામાં આવે છે.

પાકા મંડપ

પાકા મંડપમાં માત્ર સિમેન્ટ અથવા લોખંડના થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંડપ અંદાજિત ૩.૫૦ × ૩.૫૦ મીટર અંતર રાખીને થાંભલા ગોઠવવામાં આવે છે અને ૧૨ ગેજના ગેલ્વેનાઈઝડ/સ્ટીલના તાર વાપરી મંડપ તૈયાર કરાય છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેલાની બંને બાજુએ ૧૧ ફૂટ દૂર કપાસની સાઠી અથવા રીંગણી કે મરચીના ઠોરા જમીનમાં ખોડીને તેનો ઉપરનો ભાગ સામ-સામે અડે તે રીતે શંકુ આકારે માંડવા બનાવી ઉપરના ભાગને સુતળીથી બાંધી દેવામાં આવે છે જેથી પવનનાં લીધે ટેકા પડી જાય નહીં.

કંકોડાની ખેતીમાં રોગ-જીવાત

કંકોડામાં ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલોમશી, થ્રિપ્સ, તડતડિયાં અને પાનકોરીયું જોવા મળે છે. પાન ખાનારી ઈયળ અને ફળમાખીનો ઉપદ્રવ પણ આ પાકમાં જોવા મળે છે. કંકોળામાં ભેજવાળા વાતાવરણમાં ભૂકી છારાનો રોગ જોવા મળે છે.

કંકોડાની ખેતીમાં વીણી યોગ્ય સમય

કંકોડાનો છોડ ઊગ્યા બાદ બે માસે પ્રથમ વીણી કરવામાં આવે છે. મધ્યમ કદના, તંદુરસ્ત અને સોપારી જેવડા લીલા રંગના ફળો ઉતારતા રહેવા. વધુ પડતા પાકેલા અને પીળાશ પડતા ફળોમાં બીજનું પ્રમાણ વધારે હોવાથી ગુણવત્તા બગડે છે અને બજાર ભાવ ઓછો મળે છે. ફળની વીણી કરતા જે ફળ રહી જાય અને પીળા રંગના થઈ પાકી જાય તેને ઉતારી ખુલ્લી જગ્યામાં સુકવવા. તે ફળ લાલ થઈ ફાટી જશે અને તેમાંથી નીકળતા બીજને રાખમાં ભેળવીને સૂકવવા. જે ફરીથી રોપણીના ઉપયોગમાં લઈ શકાય છે. દર અઠવાડિયે ફળોની નિયમિત વીણી કરવી જોઈએ. કંટોલા ત્રણ થી પાંચ માસ સુધી ફળો આપે છે.

કંકોડાની ખેતીમાં ધ્યાન રાખવા જેવી બાબતો

કંકોડાના ફળોને પાણી છાંટવું નહીં. પાણી છાંટવાથી ફળોના બહારના કાંકર ખરી પડે છે અને ગુણવત્તા બગડે છે. ફળોનો ઢગલો ન કરતા તેને પહોળા પથરાયેલા રાખવા હિતાવહ છે. કંકોડાનો પાક પૂરો થયે વેલા સૂકાય જાય ત્યારે થડમાંથી વેલાને કાપી નાખવા.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments