અળસીયાનું ખાતર બનાવવાની સરળ રીત તેમજ અળસીયાના ખાતરનું મહત્વ

અળસિયા દ્વારા કુદરતી રીતે બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) તરીકે ઓળખવામાં આવે છે. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે પશુઓના છાણ તેમજ ખેતરના જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. અળસિયા દ્વારા જે વર્મી કમ્પોસ્ટ બને છે તેમાં સારા પ્રમાણમાં પોષક તત્વો, વનસ્પતિ માટે વૃદ્ધિ વર્ધક તત્વો તેમજ સુક્ષ્મ જીવાણુંઓ વિપુલ માત્રામાં રહેલા હોય છે.

અળસીયાનું ખાતર

વર્મી કમ્પોસ્ટ એ એક ઉત્તમ પ્રકારનું કુદરતી ખાતર છે, જેના દ્વારા જમીનની ફળદ્રુપતા અને જમીનમાં થતી જૈવિક પ્રક્રિયાઓ તેમજ જમીનના બંધારણની ગુણવત્તા સુધારે છે તેમજ જમીનમાં સુક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે. વર્મી કમ્પોસ્ટ દ્વારા જમીનમાં જરૂરી સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ પણ જળવાય રહે છે જેના કારણે જમીનની ઉત્પાદકતા કાયમી ધોરણે જાળવી શકાય છે. અળસીયાનું ખાતર સજીવ ખેતી કરતા ખેડૂતો માટે ખુબજ લાભદાયી નીવડે છે.

અળસિયાના ઉછેરને વર્મીકલ્ચર કહેવામાં આવે છે અને અળસિયા દ્વારા બનાવવામાં આવેલ ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. કમ્પોસ્ટીંગની પ્રક્રિયા દ્વારા એકઠા થયેલા નીતારને વર્મી વોશ કહેવામાં આવે છે. અળસિયા કમ્પોસ્ટીંગ દરમિયાન જે હગાર બહાર કાઢે તેને વર્મી કાસ્ટ કહેવામાં આવે છે.

વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રી

અળસીયાનું ખાતર બનાવવા માટે ગાય અને ભેસનું ગોબર, નિંદામણ, પાકના અવશેષો, વૃક્ષોના પર્ણ, ખેત ઉધોગની આડ પેદાશ, ગ્રામ્ય અને શહેરી જૈવિક કચરો વગેરેનો વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે. જેમાં મગફળી અને કઠોળ વર્ગની વનસ્પતિના ભુકાનો સમાવેશ થાય છે. લેગ્યુંમ પ્રકારની વનસ્પતિઓ (કઠોળ વર્ગની વનસ્પતિ) ના જૈવિક કચરાનો ઉપયોગ કરવાથી સારા પ્રમાણમાં નાઈટ્રોજન યુકત ખાતર બનાવી શકાય છે. આ ઉપરાંત ખાતર બનાવવા અળસિયાની જરૂર પડે છે.

અળસિયાનું ખાતર બનાવવાની પદ્ધતિ

અળસિયાનું ખાતર બનાવવા માટે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાં મુખ્યત્વે નીચે મુજબની બે પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે કરવામાં આવે છે.

૧) અળસિયા માટે બેડ બનાવીને ખાતર બનાવવું.

આ પદ્ધતિમાં કાચું અથવા પાકું તળિયું બનાવીને તેની ઉપર બેડ તૈયાર કરવામાં આવે છે જેમાં જૈવિક કચરાનો અને છાણનો ઢગલો કરવામાં આવે છે અથવા પાકું ચણતર કરવામાં આવે છે. ચણતર કરવા માટેનું માપ લંબાઈ ૧૦ ફૂટ પહોળાઈ ૨ ફૂટ અને ઉચાઈ ૫ ફૂટ રાખવામાં આવે છે અને તેની અંદર છાણ અને જૈવિક કચરો ભરી અને ત્યાર બાદ તેમાં અળસિયાનું રોપણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ખાતર બનાવવું સહેલું અને લાભદાયી છે. આજ પ્રમાણે HDPE બેડ લગાવીને પણ ખાતર બનાવી શકાય છે.

૨) ખાડો કરીને ખાતર બનાવવું.

આ પદ્ધતિમાં ખાતર બનાવવા માટે જૈવિક કચરા અને છાણ ખાડાઓ કરી તેમાં દાટવામાં આવે છે. જેનું માપ લંબાઈ ૫ ફૂટ પહોળાઈ ૫ ફૂટ અને ઊંડાઈ ૩ ફૂટ રાખવામાં આવે છે. આ પદ્ધતિ અઘરી અને મુશ્કેલીઓ ભરેલી છે. કારણ કે તેમાં હવાની અવર જવર સહેલાયથી થઈ શકતી નથી માટે ખાતર બનાવામાં વધારે સમય લાગે છે અને તેમાં ક્યારેક ભેજનું પ્રમાણ પણ વધી જવાને કારણે અળસિયાઓ નાશ પામે છે.

અળસિયાનું ખાતર બનાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબતો

  • વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે ઠંડી અને છાયા વાળું સ્થળ પસંદ કરવું.
  • વર્મી કમ્પોસ્ટ બેડનું તળિયું પાકું બનાવવું જેથી અળસિયા જમીનમાં ઉતરી ના જાય. જૈવિક કચરો અને છાણનું પ્રમાણ જાળવવું જેમાં ત્રણ ભાગ છાણ અને એક ભાગ જૈવિક કચરાનો હોવો જોઈએ.
  • ખાતર બનાવવા માટે તાજા છાણનો ઉપયોગ કરવો નહિ. ઓછામાં ઓછું ૧૫-૨૦ દિવસ જુના છાણનો ઉપયોગ કરવો જેથી બેડમાં તાપમાન વધી ના જાય.
  • ખાતર બનાવવા જે જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવે તેમાં પ્લાસ્ટીક, ઝેરી દવા તેમજ રાસાયણિક પદાર્થો ના હોય તેનું ધ્યાન રાખવું.
  • વર્મી કમ્પોસ્ટ બેડમાં નીચેનો થર ૧૦ થી ૧૫ સેન્ટીમીટરમાં ઘાસ અથવા પાંદડાનો કરવો અને ત્યારબાદ તેમાં છાણ અને જૈવિક કચરાનો થર ભરવો.
  • વર્મી કમ્પોસ્ટ યુનિટ ૧૦×૩×૨ થી વધારે મોટું બનાવવું નહિ.
  • એક વર્મી કમ્પોસ્ટ બેડમાં ૧.૫ થી ૨.૦ ટન કરતા વધારે છાણ અને જૈવિક કચરો નાખવો નહિ.
  • એક વર્મી કમ્પોસ્ટ બેડમાં લાલ અળસિયાની પ્રજાતિની સંખ્યા ૧૫૦ થી ૨૦૦ની હોવી જોઈએ.
  • વર્મી કમ્પોસ્ટ બેડમાં અળસિયા ઉપરના ભાગમાંથી નાખવાના હોય છે અને અળસિયા બેડમાં નાખ્યા પછી તરત પાણીનો છંટકાવ કરવો.
  • વર્મી કમ્પોસ્ટ બેડમાં ભેજનું પ્રમાણ ૩૦-૪૦ % હોવું જરૂરી છે માટે દરરોજ પાણીનો છંટકાવ કરવો અને ઉનાળાના દિવસો માં જરૂર જણાય તો દિવસમાં બે વખત છંટકાવ કરવો.
  • વર્મી કમ્પોસ્ટ બેડનું તાપમાન ૩૦-૪૦ ડીગ્રી કરતા વધારે હોવું જોઇએ નહિ. જો વધારે તાપમાન જણાય તો પાણીનો છંટકાવ તાત્કાલિક કરવો.

વર્મી કમ્પોસ્ટમની પરિપકવતા

વર્મી કમ્પોસ્ટ બેડ બનાવ્યા બાદ તે પ૦ થી ૬૦ દિવસે તૈયાર થઈ જાય છે. વર્મી કમ્પોસ્ટ બેડ પર ભૂખરા રંગનો જીરું જેવો દાણાદાર પાવડર જોવા મળે પછી પાણી આપવાનું બંધ કરો અને ઉપરથી ધીરે ધીરે આ ખાતર અલગ કરતા જાવ. જો ખાતર અલગ કરતી વખતે અળસિયા દેખાય તો ખાતર અલગ કરવું નહિ અને ૩-૪ દિવસ ભેજ સુકાવા દેવો જેથી અળસિયા નીચે જતા રહે ખાતર અલગ કર્યા બાદ જે નીચેનો ૧૦–૧૫ સેમી થર બચે તેમાં બધા અળસિયા આવી જશે. તેને ઉપયોગ બીજો બેડ બનાવી તેની ઉપર અળસિયાની રોપણી કરવા માટે કરવો.

અળસિયાના ખાતરની ગુણવત્તા

અળસિયાના ખાતરની ગુણવતા બેડ બનાવવામાં વાપરવામાં આવેલ જૈવિક કચરા અને છાણની ગુણવત્તા ઉપર તેમજ ખાતર બનાવવા માટે વાપરવામાં આવેલ અળસિયાની પ્રજાતિ ઉપર આધાર રાખે છે. આદર્શ અળસિયાના ખાતરમાં નીચે મુજબ પોષક તત્વો જોવા મળે છે.

nutrition in vermicompost


નીચે આપેલ ફોટા પરથી અળસીયાનું ખાતર બનાવવાની પ્રોસેસ સમજો

અળસીયાનું ખાતર બનાવવાની પ્રોસેસ

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments