ઔષધીય પાક : અસાળિયાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

અસાળિયાના લીલા છોડમાં ર૬ % પ્રોટીન, ર૦.પ% રેસા અને ૧.૫૮% જેટલુ કેલ્શિયમ હોય છે. વિટામિન બી-૧ કેલ્શિયમ અને લોહ તત્વ મેળવવા માટે અસાળિયાનું સલાડ ખાવું તે સસ્તો અને ઘણો સારો ઉપાય છે. અસ્થમા, કફ, મસા, ફેફસાનો ટી.બી. વગેરે દર્દોમાં અસાળિયાના બીજ ખૂબ જ ઉપયોગી છે. અસાળિયાના ૧૦૦ ગ્રામ બીજમાં ૧૦૦ મિ.ગ્રા. જેટલું લોહ તત્વ હોય છે.

અસાળિયાની ખેતી
અસાળિયાની ખેતી

અસાળિયાના પાકને અનુકૂળ આબોહવા

અસાળિયાના પાકને ઠંડુ અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. પાક પાકવાના સમયે ગરમ અને સૂકું વાતાવરણ હોય તો વધુ ઉત્પાદન મળે છે તથા દાણની ગુણવત્તા પણ સારી થાય છે.

અસાળિયાના પાકને અનુકૂળ જમીન

અસાળિયાના પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ગોરાડું, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન પસંદ કરવી જોઈએ. સૌપ્રથમ હળથી બે વખત ખેડ કરવી. ત્યારબાદ બે વખત કરબ મારી જમીન સમતળ કરવી. જો જમીનમાં મોટા ઢેફાં રહેશે તો નાના બીજના લીધે ખેતરમાં ઉગાવો ઓછો થશે, ખાલાં પડશે અને પરિણામે ઉત્પાદન પર માઠી અસર થશે. સુધારેલ જાત

અસાળિયાની ખેતીમાં ભલામણ કરેલ જાતો

અસાળિયાના પાકમાં ગુજરાત અસાળિયો-૧ નામની જાત વિકસાવવામાં આવેલ છે. જેની સમગ્ર ગુજરાતમાં અસાળિયાની ખેતી કરતા ખેડૂતો માટે ભલામણ કરવામાં આવેલ છે.

અસાળિયાના પાકનો વાવણી યોગ્ય સમય

અસાળિયાના પાકની વાવણી ૧૫ ઓકટોબરથી નવેમ્બરના અંત સુધી કરવી જોઈએ. વહેલા વાવેતરમાં ઓછી ઠંડીના લીધે ઉગાવો બરાબર થતો નથી. જયારે ખૂબ મોડા વાવેતરમાં પાકની પાછલી અવસ્થામાં હીરાકુંદાનો ઉપદ્રવ વધુ જોવા મળે છે જેથી ઉત્પાદન ઓછું મળે છે.


અસાળિયાના પાકમાં ખાતર વ્યવસ્થાપન

અસાળિયાના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર જમીનમાં આપવું.

અસાળિયાના પાકમાં વાવણી અને છોડ વચ્ચે અંતર

સામાન્ય રીતે અસાળિયાના પાકનું વાવેતર પૂંખીને કરવામાં આવે છે. અખતરાઓ પરથી માલૂમ પડેલ છે કે અસાળિયાના પાકને હારમાં વાવવાને બદલે પંખીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધુ મળે છે. પરંતુ પૂંખીને વાવવાની પધ્ધતિમાં આંતરખેડ ન થઈ શકવાના કારણે નિંદામણનો ખર્ચ વધુ આવે છે. આથી અસાળિયાના પાકને પૂંખવાના બદલે 30 સે.મી.ના અંતરે હારમાં જ વાવણી કરવી.

અસાળિયાના પાકમાં બિયારણનો દર અને માવજત

અસાળિયાના પાકમાં હેકટરદીઠ 3 કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત પડે છે. બીજ નાનું હોવાથી સારા કોહવાયેલા ચાળેલાં છાણીયા ખાતર અથવા રેતી સાથે મિશ્ર કરીને વાવેતર કરવું.

અસાળિયાના પાકમાં આંતરખેડ, નિંદામણ અને પિયત

અસાળિયાના પાકની શરૂઆતની અવસ્થામાં એકાદ-બે નિંદામણ કરવા ખાસ જરૂરી છે. ઉપરાંત આંતરખેડ પણ કરવી જેથી જમીન પોચી અને ભરભરી રહી શકે. સામાન્ય રીતે આ પાક 3 થી પ પિયતથી પાકી જાય છે. મધ્યમ કાળી જમીન કે જેની ભેજ સંગ્રહશકિત વધારે હોય તેવી જમીનમાં ઓછા પાણીએ પણ પાક સારી રીતે લઈ શકાય છે. જ્યાં જમીન હલકી હોય અથવા પાણીની સગવડતા પૂરતી હોય તો પ્રથમ પિયત વાવણી બાદ તરત જ અને ત્યારબાદ ૨૦, ૪૦, ૫૦ અને ૨૦ દિવસે એમ કુલ પાંચ પિયત આપવા.


અસાળિયાના પાકમાં જીવાત અને તેનું નિયંત્રણ

મોલો-મશી

અસાળિયાના પાકમાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે મોલો-મશીનો ઉપદ્રવ જોવા મળે છે. જે પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. વળી, મોલો મશી જીવાત તેના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ કાઢે છે અને તેનાથી પાન ઉપર કાળી ફૂગ થાય છે. જે છોડનો વિકાસ રૂંધે છે. 

પાન ખાનારી કાળી ઈયળ

અસાળિયાના પાકમાં પાન ખાનારી કાળી ઈયળનો ઉપદ્રવ છોડની શરૂઆતની અવસ્થાએ જોવા મળે છે. પાન ખાનારી કાળી ઈયળ પાનમાં કાણાં પાડી ઘણું નુકસાન કરે છે.

હીરાકૂંદૂ:

અસાળિયાના પાકમાં હીરાકૂંદૂનો ઉપદ્રવ ફૂલ આવવાના સમયે જોવા મળે છે. હીરાકૂંદૂની ઈયળો પાન ખાઈને ઘણું નુકસાન કરે છે.

અસાળિયાના પાકમાં ઉપરોક્ત બધી જ જીવાતના નિયંત્રણ માટે વનસ્પતિજન્ય દવાઓ જેવી કે લીંબોળીના મીંજનું ૫ % દ્વાવણ (૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણી) નો છંટકાવ કરી શકાય.


અસાળિયાના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

પાનના ટપકાં અને સૂકારો

અસાળીયાના પાકમાં અલ્ટરનેરીયા નામની ફૂગથી થતા પાનનાં ટપકાં અને સૂકારાનો રોગ મુખ્યત્વે જોવા મળે છે. શરૂઆતમાં નીચેના પાન પીળા પડે છે અને બદામી રંગના ટપકાં થઈ છેવટે આખુ પાન કથ્થાઈ રંગનું થઈ જાય છે. રોગનું પ્રમાણ વધારે હોય તો આખો છોડ કાળા પડી જાય છે.

તળછારો

અસાળિયાના પાકમાં તળછારો રોગ એકાદ વર્ષથી નવો જોવા મળેલ છે. પાનની નીચેની બાજુએ તથા ડાળી પર સફેદ છારી બાઝી જાય છે. રોગગ્રસ્ત છોડ વામણા રહે છે અને પીળા પડી જાય છે. સમય જતાં સફેદ છારી કથ્થાઈ રંગની થઈ જાય છે અને છેવટે છોડ સૂકાઈ જાય છે,

ભૂકી છારો

અસાળિયાના પાકમાં સૂકાં અને ઠંડા હવામાનમાં ભૂકી છારો રોગ જણાય છે.

અસાળિયાના પાકમાં ઉપરોક્ત બધા જ રોગના નિયંત્રણ માટે વનસ્પતિજન્ય દવાઓ જેવી કે લીંબોળીના મીંજનું ૫ % દ્વાવણ (૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણી) નો છંટકાવ કરી શકાય.

અસાળિયાની ખેતીમાં કાપણી યોગ્ય સમય

સામાન્ય રીતે અસાળિયાનો પાક ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. છોડ પાકવાની અવસ્થાએ પીળો પડી સૂકાઈ જાય છે અને પાન ખરી પડે છે. પાકને જમીનની સપાટીથી અડીને કાપી લઈ બરાબર સૂકાઈ જાય ત્યાં સુધી ખેતરમાં સૂકાવા દેવો. ત્યારબાદ થ્રેસરથી દાણાં છૂટાં પાડી કોથળા ભરવાં.

અસાળીયાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન

અસાળિયાના પાકની પૂરતી કાળજી લેવામાં આવે તો અસાળિયાના પાકનું આશરે ૧૪૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ઉત્પાદન લઈ શકાય છે.


અસાળિયાના સરેરાશ બજાર ભાવ

અસાળિયાના સરેરાશ બજાર ભાવ પ્રતિ કવિન્ટલ 7000 થી 7500 સુધી હોય છે. આ રીતે ગણતરી કરીએ તો હેકટરે સરેરાશ એક લાખ રૂપિયાની આવક થાય છે.

Post a Comment

0 Comments