અંજીરની આધુનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી

અંજીર એ એક સૂકા અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશનું ફળ ઝાડ છે. ભારતમાં અંજીરનું વાવેતર લગભગ ૪૦૦ હેક્ટર જેટલું છે જેમાંથી ૩૦૦ હેક્ટર વિસ્તાર ફક્ત મહારાષ્ટ્રમાં છે. થોડો વિસ્તાર બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ અંજીરની ખેતી થાય છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા જીલ્લામાં છૂટાછવાયા છોડ મળે છે. આ પાકની યોગ્ય સમયે છંટણી કરવી, ખાંચા પાડવા તેમજ ગેરું રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી.

અંજીરની ઉપયોગિતા

અંજીરનો ઉપયોગ તાજાં ફળ અને સૂકા મેવા તરીકે થાય છે. અંજીરના તાજાં ફળો પોષકતત્વોથી ભરપૂર તેમજ સ્વાદિષ્ટ હોય છે. અંજીરમાંથી જામ, જેલી, કેન્ડી જેવી ચીજો બને છે. સુકા અંજીર બારેમાસ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંજીરમાં ૮૪ ટકા માવો અને ૧૬ ટકા છાલ હોય છે.

અંજીરની ખેતીને અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઇ શકે છે. મધ્યમ કાળી અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આથી થોડી ક્ષારીય જમીનમાં પણ અંજીરના છોડને સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય ત્યાં અંજીરની ખેતી કરવી હિતાવહ નથી.

Anjeer Ni Kheti
અંજીરના છોડ પર લાગેલા અંજીર

અંજીરની ખેતીને અનુકૂળ આબોહવા

અંજીર પર્ણપાતી વૃક્ષ છે. તેનો વિકાસ ૧૫.૫° થી ર૧° સેલ્શીયસ જેટલું તાપમાન હોય તેવા વાતાવરણમાં અંજીરના છોડનો વિકાસ સારો થાય છે. આ સમશીતોષણ કટિબંધનું ફળ છે. દ્રાક્ષની જેમ તેના ફળ શિયાળામાં આવી માર્ચ એપ્રિલમાં પરીપક્વ થાય છે. જેને મીઠી બહાર કહે છે. જ્યારે બીજા ફાલના ફળ આગષ્ટ-સપ્ટેમ્બર માસમાં પરિપક્વ થાય છે. જેને ખટ્ટ બહાર કહે છે. મીઠી બહારના ફળની ગુણવતા ઊંચી હોય છે અને તેના ફળનો ઉપયોગ સૂકવણી કરવામાં થાય છે. જયારે ખટ્ટ બહારના ફળનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં થાય છે.

અંજીરની ખેતીમાં બીજનો દર અને બે છોડ વચ્ચે અંતર

૪.૫ થી ૫ મીટરના અંતરે ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. માપના ખાડા મેં માસમાં કરી ૧૫ દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે ૨૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૨૫૦ ગ્રામ દિવેલી ખોળ ખાડા દીઠ ભેળવીને ખાડા પૂરવા. ખાડાના તળિયે પ ગ્રામ ૧૦ તકા બી.એચ.સી. પાઉડર મૂકવો.

અંજીરની ખેતીમાં રોપણીને અનુકૂળ સમય

અંજીરની ખેતીમાં અંજીરના છોડની રોપણી ખાસ કરીને જુલાઈ- ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે.

અંજીરનું ખેતીમાં સંવર્ધન

અંજીરનું પ્રસર્જન મુખ્યત્વે કટકા કલમ, હવાની દાબકલમ અથવા ગુટી કલમથી થાય છે. તદ્ઉપરાંત કલિકારોપણ અને ઉપરોપણ દ્વારા સફળતા પૂર્વક કલમ થઈ શકે છે.

અંજીરની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

અંજીરના છોડની રોપણી પછી પ્રથમ વર્ષથી નીચેના કોઠા પ્રમાણે છોડદીઠ ખાતરો આપવા.

અંજીરની ખેતીમાં ખાતર વ્યવસ્થા
અંજીરની ખેતીમાં ખાતર

દર વર્ષે ઓગષ્ટ સપ્ટેમ્બર માસ દરમ્યાન છંટણી અને ખાંચા પાડયા પછી છાણિયું ખાતર અડધો જથ્થો નાઇટ્રોજન તેમજ પોટાશ અને ફોસ્ફરસ યુક્ત ખાતરનો પૂર્ણ જથ્થો આપવો. નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો છંટણી અને ખાંચા પાડ્યા પછી ૨ થી ૨.૫ માસ પછી આપવો.

અંજીરની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

સામાન્ય રીત અંજીર ઓછા પાણીએ થતો પાક ગણાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં અંજીરના પાકને પિયતની જરૂરિયાત અંગે લેવામાં આવેલ અખતરા પરથી જણાયું છે કે નિયમિત પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે. ફળો કદમાં મોટા, સારી ગુણવતાવાળા તેમજ વધારે સંખ્યામાં બેસે છે. જે તે સ્થળના હવામાન અને જમીનના પ્રકારના આધારે વર્ષ દરમ્યાન ૧૪ થી ૧૭ પિયત આપવાં જોઈએ. શિયાળામાં ૧૬ થી ૧૮ દિવસના અંતરે જ્યારે ઉનાળામાં ૬ થી ૮ દિવસના અંતરે અને ચોમાસામાં જરૂર મુજબ પિયત આપવું.

અંજીરની ખેતીમાં આંતરપક

અંજીરના છોડ બે થી ત્રણ વર્ષના થાય ત્યાં સુધી કઠોળ અને રીંગણ, મરચાં, ટામેટા, ભીંડા, ગુવાર જેવા પાકો લઈ શકાય છે.

અંજીરના છોડની કેળવણી અને છંટણી

અંજીરના નવા રોપેલા છોડને આશરે એક મીટરની ઊંચાઈ સુધી અવારનવાર ફુટ કાઢતા રહેવું જેથી એક સુંદર અને મજબૂત થડ તૈયાર થાય છે. મૂળ અને થડની નજીક એક પળ ફણગો ફૂટવા દેવો નહીં. અંજીરનો પહેલો ફાલ આગળના વર્ષની જૂની ડાળીઓ પર આવે છે અને બીજો ફાલ ચાલુ ઋતુની ડાળી પર આવે છે.

અંજીરના છોડની છંટણીનો સમય અને કેટલી છાંટણી કરવી તે અંજીરની જે તે જાતની વૃદ્ધિની ટેવ અને ઉત્પાદક્તાના આધારે કરી શકાય. પુનામાં હલકી છંટણી જ્યારે ઉત્તર ભારતમાં આગળના વર્ષ ની જૂની ડાળી પર ૩ થી ૪ કલિકા રાખીને ડિસેમ્બર માસમાં છાંટણી કરવામાં આવે છે. કર્ણાટકમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માસ દરમ્યાન જૂની ડાળીને ૨ કલિકા રાખીને છંટણી કરવામાં આવે છે જેથી જુલાઈ- ઓકટોબર માં ફળ મળે. કેટલાક ખેડૂતો ઓકટોમ્બરમાં છંટણી કરવાનું પસંદ કરે છે જેથી ઉનાળામાં ફળ મળે. આની બિલકુલ વિરૂદ્ધ તમિલનાડુમાં છંટણી થોડી અથવા બિલકુલ કરવામાં આવતી નથી. તદઉપરાંત છંટણીની સાથે સાથે જૂની ડાળીઓ પર ખાંચા પાડવાની પદ્ધતિઓ પણ અપનાવાય છે આથી બાજુની ડાળીઓ ઉત્પન્ન થાય છે. આ માટે એકાદ વર્ષ જૂની ડાળીના મધ્યભાગમાં કલિકાની ઉપરના ભાગમાં ફકત છાલ તેમજ થોડું લાકડું કપાય તે રીતે ત્રાસો કાંપ ‛ખાંચ’ પાડવામાં આવે છે. કાપની લંબાઈ પહોળાઈમાં ફેરફાર જે તે ડાળના કદ ઉપર આધારિત છે. અખતરાના પરિણામથી ફલિત થયેલ છે કે છંટણી અને ખાંચા પાડવાની માવજત સંયુકત રીતે કરવામાં આવે તો વધારે પ્રમાણમાં બાજુની ડાળીઓ ઉત્પન્ન કરી ઉત્પાદન વધારી શકાય છે. ગુજરાતમાં ઓગષ્ટ સપ્ટેમ્બર માસમાં હલકી છંટણી અને ખાંચા પાડવાનું કાર્ય થઇ શકે છે.

અંજીરની ખેતીમાં ફૂલ અને ફળ બેસવાનો યોગ્ય સમય

અંજીર રોપ્યા બાદ પહેલા વર્ષથી જ થોડાક ફૂલ- ફળ બેસે છે પરંતુ તેને કાઢી નાંખવા જોઇએ. કારણકે તેમ ન કરવામાં આવે તો વાનસ્પતિક વૃદ્ધ ઘટે છે. સામાન્ય રીતે પાંચમાં વર્ષથી સ્થિર ઉત્પાદન મળે છે. અંજીરના ઝાડ ૩૦ થી ૪૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે ત્યારબાદ સરેરાશ ઉત્પાદન ઘટે છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં માર્ચથી જૂન સુધી મીઠી બહારના ફળ પાકે છે. દક્ષિણ ભારતમાં અંજીરના બે ફાલ લેવામાં આવે છે. ખટ્ટ બહારના ફળ જુલાઇ-સપ્ટેમ્બર અને મીઠી બહારના ફળ ફેબ્રુ-મે માસમાં થાય છે.

અંજીરની ખેતીમાં ફળનો ઉતાર

અંજીરની મોસમ માર્ચથી શરૂ થઇ મે માસની આખર સુધી ચાલે છે. પક્ષીઓથી અંજીરના ફળને બચાવવા માટે માર્ચ માસથી ફળ ઉતરી રહે ત્યાં સુધી સાચવવાની ખાસ જરૂર રહે છે. પૂના વિસ્તારમાં તંદુરસ્ત છોડ ઉપરથી વાર્ષિક સરેરાશ ૨૦ થી રપ કિ.ગ્રા. ફળ ઉતરે છે અને એક કિલો પાકા અંજીરનો ભાવ રૂા. ૧૫ થી ૨૫ રહે છે. હેકટરે સરેરાશ અંજીરનું ઉત્પાદન ૮૦૦૦ થી ૧૦૦૦૦ કિ.ગ્રા. જેટલું મળે છે. ફળોને નીચે પહોળા હોય અને ઉપર સાંકડી હોય તેવી વાંસની ટોપલીઓમાં ભરીને બહાર મોકલવામાં આવે છે.

અંજીરની સુકવણી

અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે ભારતમાં થતી નથી. પરંતુ સૂકા અંજીરની પરદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો અંજીરની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ. ૨૦ કરતા વધારે હોય તેવા ફળ પસંદ કરી અને તેને એક ટકા પોટેશિયમ મેટાબાયસલ્ફાઈટના દ્રાવણમાં ડુબાડી અને સોલર ડ્રાયરમાં સૂકવી શકાય છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

1 Comments

  1. ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

    ReplyDelete