છૂંદણા : લોકનારીના સૌંદર્યને પ્રસન્નપણે પ્રગટાવતી કળા

ભાતીગળ લોકજીવનમાં છૂંદણાંનું સ્થાન પુરાણ કાળથી જ મહત્ત્વનું રહ્યું છે. ત્રાજવાં ત્રોફાવવાની આ કળા ચાર હજાર વર્ષ જેટલી પુરાણી હોવાનું કહેવાય છે. ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ પહેલાંના ઈજિપ્શિયન ‘મમી’ના દેહ પર છૂંદણાનું આલેખન મળી આવ્યું છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં જાપાનમાં છૂંદણાંની આ કલા ફેલાઈને ત્યાંથી એશિયાના દેશોમાં આવ્યાનું મનાય છે.

છૂંદણા
ગળામાં છૂંદણા કરાવેલ સ્ત્રી

શરીરના સૌંદર્યને આકર્ષક બનાવતાં છૂંદણાં એ માત્ર આભૂષણ જ નથી. આપણું લોકજીવન કંઈક ને કંઈક ઉપયોગિતાને લઈને જ વિકસ્યું છે. છૂંદણાં પણ શરીરના ચોક્કસ ભાગમાંથી નસોને ઓળખીને એ જગ્યાએ છૂંદવામાં આવે છે. તેનાથી રસોળી - ઢીમચાં જેવા બીજા શારીરિક રોગો અટકે છે તેમ છૂંદણાં છૂંદનાર માને છે. તો નાનપણમાં વિખૂટી પડી ગયેલી વ્યક્તિની શોધ માટે પણ તે ઉપયોગી નીવડે છે.

છૂંદણા

પોતાની સોળ - સત્તર વર્ષની ઉંમરથી છૂંદણાં છૂંદવાના પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા મોરબીના શ્રી રઘુભાઈ દલાભાઈ દેલવાણ છૂંદણાંના અચ્છા કલાકાર તરીકે ખ્યાતિ પામ્યા છે. વર્ષોથી તરણેતરના મેળામાં આવતા રઘુભાઈ સૌરાષ્ટ્રમાં રણુંજા, કાલાવાડ, જૂનાગઢ, માધવપુર જેવા મેળામાં અચૂક પહોંચી જાય છે. તો અન્ય દિવસોમાં કચ્છ - વાગડ વિસ્તારમાં ગામડે - ગામડે ફરી પેટિયું રળી લે છે.


છૂંદણાં કોણ છૂૂંદાવે? એવા સવાલના જવાબમાં તે કહે છે કે ‘ખાસ કરીને ભરવાડ તથા રબારી બહેનો વધુ છૂંદાવે. બાકી એ કોમના ભાઈઓ ઉપરાંત કોળી જ્ઞાતિના લોકો પણ છૂંદાવે છે. જોકે હવે જ્ઞાતિનો બાધ રહ્યો નથી.

છૂંદણા

ભરવાડ / રબારી સ્ત્રીઓ કપાળ પર ચંદ્રાકાર, ગાલ અને દાઢી પર બિંદી, હાથ પર ત્રાજવાં, ભગવાનનું નામ કે મૂર્તિ, સાહેલનું નામ, હાથની પોંચી, હડપચી, આંખના ખૂણે પગના પંજા પર તેમજ છાતી પર પણ જુદાં જુદાં ચિત્રોનાં છૂંદણાં છૂંદાવે છે. આ ચિત્રોમાં વેલ, ફૂલ, ઝાડ પાન, વાઘ, સિંહ, મોર, વીંછી, ગાય, ત્રિશૂળ, ૐકાર મુખ્ય હોય છે. કેટલાંક ચિત્રોના ખાસ અર્થ હોવાનું પણ મનાય છે. આજકાલ શહેરી યુવક-યુવતીઓ હિન્દી કે અંગ્રેજીમાં નામ કે ‘દિલ’ની આકૃતિ છૂંદણાંમાં છૂંદાવે છે. સામાન્ય રીતે શરીરનો જે ભાગ ખુલ્લો રહેતો હોય ત્યાં છૂંદણાં છૂંદાવાય છે. આમાં ઉંમરનો કોઈ બાધ નથી, દરેક ઉંમરના લોકો છૂંદણાં છૂંદાવે છે.

છુંદણાં

છૂંદણાં છૂંદાવવા માટે પહેલાં આંગળી સાથે સોય બાંધી હાથથી છૂંદતા, હવે મશીનથી છૂંદવામાં આવે છે, જેમાં કોયલ-કટઆઉટ - સોય બેટરી વગેરેનો ઉપયોગ થાય છે. વાસણ પર નામ લખવા માટે વપરાતા મશીન જેવું મશીન કોઠાસૂઝથી બનાવે છે. જોકે વિદેશમાં આવા વીજળિક મશીનની શોધ 1891માં થયાનું નોંધાયું છે. છૂંદણાં છૂંદતા હોય ત્યારે કીડી ચટકા ભરે એવું લાગે છે. છૂંદણાં છૂંદયા પછી તરત જ નહાવામાં આવે તો પણ પાકતું નથી કે પીડા પણ થતી નથી.

સૌજન્ય : Hitesh Sondagar

Post a Comment

0 Comments