નીરજા ભનોટ : સૌથી નાની વયે અશોક ચક્ર મેળવનાર બહાદુર યુવતીની કહાની

5મી સપ્ટેમ્બર 1986નો એ દિવસ હતો. મુંબઇથી યુએસએ જવા માટે નીકળેલુ "PAN AM 73" વિમાન કરાંચી એરપોર્ટ પર ઉતર્યુ. વિમાનમાં બેઠેલા 361 મુસાફરો અનેક સપનાઓ સાથે લઇને પોતપોતાની મંઝીલ તરફ જઇ રહ્યા હતા અને આ તમામ મુસાફરોની સેવા માટે પાઇલોટ સહિત 19 ક્રુ મેમ્બર પણ વિમાનમાં સાથે હતા. આ વિમાનમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે ચંદીગઢમાં જન્મેલી અને મુંબઇમાં રહેતી 23 વર્ષની નીરજા ભનોટ નામની છોકરી પોતાની સેવા આપી રહી હતી.

નીરજા ભનોટ
નીરજા ભનોટ

કરાંચી એરપોર્ટ પર 4 આતંકવાદીઓએ ફ્લાઇટ સીક્યુરીટીના ડ્રેસમાં વિમાનમાં પ્રવેશ કર્યો અને વિમાનને હાઇજેક કર્યુ. વિમાન હાઇજેક થતા તમામ 361 મુસાફરોના જીવ પડીકે બંધાયા. આતંકવાદીઓનો ઇરાદો વિમાનને ઇઝરાયલ લઇ જઇને કોઇ મોટા બીલ્ડીંગ સાથે અથડાવવાનો હતો. ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભનોટ આતંકવાદીઓનો ઇરાદો પામી ગઇ એટલે એ સીધી જ પાઇલોટ પાસે પહોંચી ગઇ અને પાઇલોટને આ બાબતની જાણ કરીને પાઇલોટ, કો પાઇલોટ તથા ફ્લાઇટ એન્જીનિયરને છુપા દરવાજેથી નીચે ઉતારીને ભગાડી મુક્યા જેથી પ્લેનને ઉડાડી જ ન શકાય.


ફ્લાઇટ ઇન્ચાર્જનો હવાલો 23 વર્ષની નીરજાએ સંભાળ્યો. આતંકવાદીઓએ નિરજાને સુચના આપી કે તમામ અમેરીકન મુસાફરોના પાસપોર્ટ ભેગા કરી લેવામાં આવે. નીરજાને સમજતા વાર ન લાગી કે આતંકવાદીઓ અમેરીકનને મારી નાંખવા માંગે છે. એમણે બધાના પાસપોર્ટ ભેગા કરવાના શરુ કર્યા અને 41 અમેરીકનના પાસપોર્ટ એનકેન પ્રકારે પ્લેનમાં જ ગુમ કરી દીધા. નીરજાની આ ચતુરાઇને કારણે આતંકવાદીઓ માત્ર 2 જ અમેરીકન મુસાફરની હત્યા જ કરી શક્યા.

તમામ મુસાફરો મોતના ખોળામાં હતા ત્યારે નીરજા પુરી હિંમતથી મુસાફરોને બચાવવા પ્રયાસ કરી રહી હતી. 17 કલાક જેટલો સમય થયો હતો. નીરજાએ ચાલાકીથી ઇમરજન્સી દરવાજા ખોલી નાંખ્યા અને ત્યાંથી એણે મુસાફરોને  બહાર કાઢ્યા. નીરજા ઇચ્છત તો સૌથી પહેલા એ પોતે બહાર નીકળી શકી હોત પરંતું એણે એમ કરવાને બદલે એણે જેની સાથે કોઇ સંબંધ નહોતો એવા અજાણ્યા મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા. નીરજા જ્યારે ત્રણ બાળકોને ધક્કા મારીને ઇમરજન્સી દરવાજામાંથી બહાર કાઢી રહી હતી ત્યારે જ આતંકવાદીએ ગોળીઓનો વરસાદ વરસાવ્યો. નીરજાએ બાળકોને બચાવવા ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી અને મોતથી ભાગવાને બદલે હસતા મોઢે આવકાર્યુ.

આજે નીરજા આપણી વચ્ચે નથી. એમના માતા-પિતા રમા અને હરીશે નીરજાના ઇન્સ્યુરન્સની તમામ રકમ ભેગી કરીને એમાંથી એક ટ્રસ્ટ બનાવ્યુ. જેટલી રકમ નીરજાના માતા-પિતાએ આપી એટલી જ રકમ એરલાઇન્સ કંપનીએ પણ આપી. આ રકમની વ્યાજમાંથી દર વર્ષે નીરજાની યાદમાં 1,50,000/- રૂપિયાના બે એવોર્ડસ આપવામાં આવે છે. એક એવોર્ડ કોઇ એવી સ્ત્રીને આપવામાં આવે છે જે સામાજીક અન્યાય સામે ગોઠણીયે પડવાને બદલે લડતી હોય અને બીજો એવોર્ડ એરલાઇન્સમાં સેવા આપનાર ક્રુ મેમ્બર પૈકી જેની સેવા જરા હટકે હોય એમને આપવામાં આવે છે.


નીરજાના અવસાન પછી નીરજાને અનેક એવોર્ડ આપવામાં આવ્યા છે. ભારતમાં બહાદુરી માટે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ "અશોકચક્ર" નીરજાને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનાર નીરજા સૌથી નાની ઉંમરની બહાદુર છોકરી છે. પાકિસ્તાન સરકાર તરફ તમગા એ ઈન્સાનિયતથી નવાજવામાં આવી. 

આંતરરાષ્ટ્રીય સ્તર પર નીરજાનું નામ હિરોઈન ઓફ હાઇજેકના નામથી મશહુર છે. વર્ષ 2004માં તેના સન્માનમાં ભારત સરકારે એક ટપાલ ટીકીટ પર બહાર પાડી અને અમેરિકાએ વર્ષ 2005માં તેણીને જસ્ટિસ ફોર ક્રાઈમ અવોર્ડ પણ આપ્યો છે. 

નીરજાની સ્મૃતિમાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ચોકનું નામકરણ કર્યું હતું જેનું ઉદઘાટન 90ના દસકમાં અમિતાભ બચ્ચને કર્યું હતું. આ સિવાય તેણીની સ્મૃતિમાં એક સંસ્થા નીરજા ભનોટ પૈન એમ ન્યાયની સ્થાપના પણ થઇ હતી જે નીરજાની વીરતાને સ્મરણ કરતા મહિલાઓના ઉત્કૃષ્ઠ સાહસ તેમજ વીરતા હેતુ પુરસ્કાર પ્રદાન કરે છે. તેણીના પરિજન દ્વારા સ્થપાયેલ આ સંસ્થા પ્રતિવર્ષ બે પુરસ્કાર પ્રદાન કરે છે જેમાંથી એક વિમાન કર્મચારીઓ ને વૈશ્વિક સ્તર પર પ્રદાન કરે છે અને બીજું પરીતોષિત ભારતમાં મહિલાઓને વિભિન્ન પ્રકારના અન્યાય અને અત્યાચારની સામે અવાજ ઉપાડવા અને સંઘર્ષ માટે આપવામાં છે.


નીરજા ભનોટના પુરસ્કાર 

અશોક ચક્ર, ભારત 
ફ્લાઈટ સેફ્ટી ફાઉન્ડેશન હેરોઈસ્મ એવોર્ડ, USA 
જસ્ટિસ ફોર ક્રાઈમ એવોર્ડ, યુનાઇટેડ સ્ટેટ (કોલંબિયા)
વિશેષ બહાદુરી પુરસ્કાર, યુનાઇટેડ સ્ટેટ (જસ્ટિસ વિભાગ)
તમગા એ ઈન્સાનિયત, પાકિસ્તાન

Post a Comment

0 Comments