મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી

કઠોળ પાકોમાં મગ એ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજીંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. બાફીને, શાક બનાવીને કે ઉગાડીને શાક બનાવીને કે ફણગાવેલા મગ, મગની દાળ, મગની દાળ અને ચોખાની ખીચડી, મગની મીઠાઈ આમ વિવિધ સ્વરૂપે મગનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે.

મગની ખેતી અને મગનો છોડ
Mag Ni Kheti : Mag No Chhod

અશકત અને માદા લોકોને શકિત અને પ્રોટીન પુરુ પાડવા માટે ડૉકટર મગનું પાણી કે બાફેલા મગ ખાવાની સલાહ આપે છે. મગએ સરળતાથી પાચન થઈ જાય તેવું કઠોળ છે. હાલમાં મગનું વાવેતર સામાન્ય રીતે ચોમાસામાં વધુ થાય છે. પરંતુ પિયતની સગવડતા વધતા ઉનાળામાં પણ મગનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મગ જમીન સુધારક તરીકે પણ કાર્ય કરે છે તેને લીલા પડવાશના પાક તરીકે પણ ઉગાડી શકાય છે અથવા તો એક વખત શીંગો વીણી છોડને જમીનમાં દબાવી લીલો પડવાશ પણ કરી શકાય છે. આમ ટુંકા ગાળાનો આ કઠોળ પાક ઘણું જ મહત્વ ધરાવે છે.

મગની ખેતીમાં જમીનની તૈયારી

મગ ઉંડા મૂળ ધરાવતો અને કઠોળ વર્ગનો પાક હોય તેના મુળમાં રહેતા રાઈઝોબીયમ પ્રકારના બેકટેરીયાને પૂરતા પ્રમાણમાં હવા મળી રહે તે રીતે જમીનમાં ઉંડી ખેડ કરવી. પાસ/કરબથી ઢેફા ભાંગીને જમીનને ભરભરી કરવી જરૂરી છે. જમીન તૈયારી કરતી વખતે હેકટરે 8 થી 10 ટન જેટલું છાણિયું ગળતિયું ખાતર નાંખવું. જેથી જમીનની પ્રત અને જમીનની ભેજ સંગ્રહ શકિતમાં વધારો તેમજ જમીનની જૈવિક પ્રક્રિયામાં સુધારો થાય.

મગની ખેતીમાં બીજ માવજત

જમીન જન્ય અને બીજ જન્ય રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા થાયરમ, કેપ્ટાન કે બાવિસ્ટીનમાંથી કોઈ એક ફુગનાશક દવાનો પટ આપવો જોઈએ. પટઆપવા માટે 1 કિ.ગ્રા. બીજ માટે 2 થી 3 ગ્રામ દવાનું પ્રમાણ રાખવું.


બીજને ફુગનાશક દવનો પટ આપ્યા બાદ રાઈઝોબીયમ અને પી.એસ.બી. બેકટેરીયાની સંખ્યા જમીનમાં વધે અને તેનો લાભ પાકને અને આપણી જમીનને મળે તે માટે બીજને વાવણીના એક કલાક પહેલા રાઈઝોબિયમ અને પી.એસ.બી. કલ્ચરની માવજત આપવી. પટ આપવા માટે 250 ગ્રામ કલ્ચરનું એક પેકેટ 8 થી 10 કિલો બિયારણ માટે પૂરતું છે. કલ્ચરના પટ આપવા માટે 10 ટકા ગોળ/ખાંડનું દ્રાવણ (500મીલી પાણીમાં 50 ગ્રામ ગોળ/ખાંડ ઓગાળવી) બનાવી તેમાં કલ્ચરનું પેકેટ મીક્સ કરી બીજ પર બરાબર ચોટે તે રીતે માવજત આપવી. પટ આપેલ બીજને છાંયડામાં રાખવું અને તરત જ વાવણી માટે ઉપયોગમાં લેવું જોઈએ.

મગની ખેતીનો વાવેતર સમય

ચોમાસું મગનું વાવેતર વરસાદ પડે એટલે તરત જ 15 જુલાઈ સુધી જયારે શિયાળુ મગનું વાવેતર 15 નવેબર સુધી તથા ઉનાળુ મગનું વાવેતર શિયાળાની ઠંડી પૂર્ણ થતા તરત એટલે કે 15 ફેબ્રુઆરી થી 10 માર્ચ દરમ્યાન કરવાની ભલામણ છે.

મગની ખેતીમાં વાવણી અંતર, બીજનો દર અને વાવણી

મગની ખેતીમાં વાવણી યોગ્ય જમીન તૈયાર થયા બાદ પાયાનું ખાતર ચાસમાં ઓર્યા બાદ તેજ ચાસમાં બીજને ઓરીને વાવેતર કરવું. વાવેતર કર્યા બાદ સમાર મારી ચાસ ઢાંકી દેવા, તેમજ ઉનાળુ મગમાં પિયત આપવા માટે યોગ્ય લંબાઈના કયારા વાવણી બાદ બનાવવા. મગનું વાવેતર બે લાઈન વચ્ચે 30 થી 44 સે.મી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. જેટલું રાખી રોપણી કરવી. એક હેકટરની વાવણી માટે 20 કિ.ગ્રા બીજ (વિઘે 5 કિલો) વાપરવું.

મગના બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલા જણાય ત્યાં તરત બીજ વાવીને ખાલા પૂરવા, તેમજ જે જગ્યાએ વધારે છોડ ઉગ્યા હોય ત્યાં વાવણી બાદ 10 થી 15 દિવસે વધારાના છોડ ઉપાડી લઈ પારવણી કરવી અને સપ્રમાણ છોડની સંખ્યા જાળવવી. જો આ રીતે છોડની પૂરતી સંખ્યા જાળવવામાં આવશે તો દરેક છોડ પોતાની ક્ષમતા મુજબ ઉત્પાદન આપશે અને પરિણામે એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મળી શકશે.

મગની ખેતીમાં રાસાયણિક ખાતર

કઠોળ પાકના મૂળ પર ગંડીકાઓ બનતા તેમાં રાઈઝોબીયમ બેકટેરીયા દ્વારા હવામાંનો નાઈટ્રોજન સ્થિર થવાનું ચાલુ થઈ જાય છે. આથી આ પાકને નાઈટ્રોજન તત્વ આપવાની જરૂરિયાત રહેતી નથી. મગના શરૂઆતના વિકાસ માટે પાયામાં 20કિલો નાઈટ્રોજન તત્વ આપવું જોઈએ અને ફોસ્ફરસની જરૂરિયાત પૂર્તિ કરવા માટે 40 કિલો ફોસ્ફરસ તત્વ પાયામાં આપવાની જરૂર રહે છે. આ માટે હેકટરે 88 કિલો ડી.એ.પી. (વિઘે 22 કિલો) આપવાથી બંને જરૂરી તત્વો મળી રહે છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે બીજને અનુક્રમે રાઈઝોબીમ અને ફોસ્ફટ સોલ્યુબીલાઈજીંગ બેકટેરીયા (પી.એસ.બી.) કલ્ચરની માવજત આપવામાં આવે તો લાભ થાય છે.

મગની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

મગના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મગના છોડમાં ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ બેસવાની અવસ્થા અને શીંગોમાં દાણા ભરાય ત્યારે જમીનમાં ભેજની ખેંચ ન પડે તેની કાળજી રાખી પાકના વિકાસના આ તબકકે ખાસ પિયત આપવાની કાળજી રાખવી. ઉનાળુ મગમાં 3 થી 4 પિયત 15 થી 17 દિવસના અંતરે આપવાથી વધુ ઉત્પાદન મળે છે.

મગની ખેતીમાં નિંદણ અને આંતર ખેડ

પાક સાથે પાણી, પોષણ તત્વો તથા સૂર્યપ્રકાશ માટે શરૂઆતથી જ હરીફાઈ કરતા નકામા છોડને નિંદણ કહેવાય છે. નિંદણ એ એવા છોડ છે જે પાકની પહેલા ઉગી જઈ પાકને આપવામાં આવેલ ખાતર, પાણીનો ઉપયોગ કરી પાકની પહેલા વૃધ્ધિ પામે છે અને પાકના વિકાસને અવરોધે છે. એટલે મગના પાકને નિંદણ મુકત રાખવાથી પાકને જરૂરી પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે. મગના પાકમાં શરૂઆતમાં 1 થી 2 આંતરખેડ અને હાથ વડે નિંદણ કરી પાકને નિંદણ મુકત રાખવો. 

જો સમયસર મજૂરોની સગવડ ન થઈ શકે તેમ હોય તો રાસાયણિક નિંદણ નાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જોઈએ. આ માટે મગની વાવણી પછી તુરંત (1 થી 2 દિવસમાં) પેન્ડીમિથેલીન (સ્ટોમ્પ 55 મી.લી. 10 લિટર પાણી) નિંદણ નાશક દવા 1.5 કિલો પ્રતિ હેકટર 500 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નિંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. નિંદણનાશક દવા વાપરતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.

મગની ખેતીમાં કાપણીનો યોગ્ય સમય અને તેનો સંગ્રહ

મગની જાત ધ્યાને લઈ મગની વીણી કે કાપણી કરવી જોઈએ. એકી સાથે પાકી જતી જાતોને શીંગો પાકી જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી લેવી જોઈએ. જો મગના છોડને જમીનમાં દબાવી લીલા પડવાશનો લાભ લેવો હોય તો છોડમાંથી પ્રથમ શીંગો વીણી છોડને જમીનમાં લોખંડના હળ દ્રારા દબાવી દેવા જોઈએ. શીંગો કે છોડને વીણ્યા કાપ્યા બાદ 2 થી 3 દિવસ ખળામાં સુકવી દાણા છુટા પાડવા માટે ટ્રેકટર કે થ્રેસરનો ઉપયોગ કરવો. દાણા છુટા પાડી સૂર્ય તાપમાં સુકવીને સંગ્રહ કરવો. ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે મગને પીપમાં કે ડબ્બામાં ભરી ઉપર એકદમ જીણી માટી (કલે) થી ઢાંકી લેવા. જરૂર પડે મગ ચોરણીથી ચાળી કાઢી લેવા ફરી માટીથી ઢાંકી દેવા જેથી કઠોળમાં પડતી દાણાની જીવાતો પડવાની શકયતા ઘણી ઘટી જાય છે. મગને વેચાણ માટે લઈ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જીણા મગ અલગ પાડી કોથળીમાં પેક કરી વેચાણ માટે લઈ જવાથી વધુ કિંમત મળે છે.

Post a Comment

0 Comments