ગલગોટાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ભારત અને ગુજરાતમાં ફૂલોની ખેતી એક ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે. ગુજરાતમાં વેપારી ધોરણે ગલગોટા, ગેલાર્ડિયા, ગુલાબ વગેરે ફૂલોની ખેતી કરવામાં આવે છે. ઉપરોકત પાકો પૈકી ગલગોટાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો વધારે રસ લઈ રહ્યા છે.

Merigold Farming
ગલગોટાની ખેતી

ફૂલોની ખેતીમાં ગલગોટાની ખેતીએ આગવું સ્થાન મેળવ્યું છે કારણ કે ગલગોટા બધા જ પ્રકારની જમીનમાં તેમજ આબોહવામાં અને વર્ષની ત્રણેય ઋતુમાં તેની ખેતી થઈ શકે છે. આ ઉપરાંત ગલગોટાનો પાક ખૂબ જ ખડતલ અને ફૂલો આકર્ષક રંગ અને આકારના હોવાથી ફૂલો લાંબા સમય સુધી ટકી શકે છે તેમજ ફૂલોની મોસમ લાંબી હોવાથી અને ખેતી પધ્ધતિ ખૂબજ સરળ હોવાથી ખેડૂતો આ પાકની ખેતી તરફ વધારે આકર્ષાયા છે.

ગલગોટાના ફૂલો છૂટા અથવા હારતોરા બનાવીને વેચવામાં આવે છે. ગલગોટાના છોડનો ઉપયોગ લેન્ડ સ્કેપ ગાર્ડનિંગમાં કરવામાં આવે છે.

આફ્રિકન ગલગોટાનો ઉપયોગ બગીચામાં ક્યારામાં રોપવા તેમજ બોર્ડર બનાવવા વધુ ઉપયોગી છે જયારે ફ્રેન્ચ ગલગોટાના છોડ રોકરી, ઘાર, લટકતા બાસ્કેટ કે વિન્ડો બોકસમાં વાવવા માટે કરવામાં આવે છે. ગલગોટાના પાનનો અર્ક કાનના દુઃખાવામાં ઉપયોગી છે. કેટલાક ફળ શાકભાજી અને ફૂલપાકોને કૃમિથી નુકશાન થાય છે. રાસાયણિક દવાઓથી કૃમિનું નિયંત્રણ કરવું મોઘું હોય છે. ગલગોટાના મૂળ ઉપર કૃમિ આકર્ષાઈને એકઠા થાય છે અને ફૂલ આવ્યા પહેલા ગલગોટાના છોડને મૂળસહિત ઉખેડી તેનો નાશ કરવામાં આવે તો કેટલાક અંશે કૃમિનું નિયંત્રણ કરી શકાય છે.

ગલગોટાની અગત્યની જાતો :

આપણા દેશમાં મુખ્ય બે પ્રકારના ગલગોટાના ફુલોનો ઉછેર કરવામાં આવે છે. આ બન્ને પ્રકારના ગલગોટાના છોડ વાનસ્પતિક વિકાસ અને તેના ફુલોના રંગ આકાર અને કદની દ્રષ્ટિએ ખુબજ વિવિધતા ધરાવે છે.


(1) આફ્રિકન ગલગોટા

આફ્રિકન ગલગોટાના છોડ 60 થી 90 સે.મી. જેટલા ઊંચા વધે છે. તેના ફૂલો મોટા કદના અને પીળા નારંગી કે લેમન રંગના હોય છે તેમજ ફૂલો સારી ટકાઉશક્તિ ધરાવે છે.

ગલગોટાના ફૂલોના રંગ કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો વિકસાવવામાં આવેલ છે જેવી કે જાયન્ટ ડબલ, આફ્રિકન ઓરેન્જ લેમન, ક્રેકર જેક, અલાસ્કા, ફાયર ગ્લોવ, ગોલ્ડન જયુબિલી, સનસેટ જાયન્ટ ક્રિસેન્ચીમમ, ચાર્મ, હની કોમ્બ, કલાયમેકસ, સ્પનગોલ્ડ તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નો બોર્ડ નામની જાતો છે.

આ ઉપરાંત આઈ.એ.આર.આઈ. નવી દિલ્હી દ્વારા પુસા નારંગી અને પુસા બસંતી નામની હાઈબ્રિડ જાતો બહાર પાડવામાં આવેલ છે. આ બન્ને જાતો ગુજરાતના હવામાનમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે.

(A) ગલગોટાની પુસા બસંતી જાત

ગલગોટાની પુસા બસંતી જાત ગોલ્ડન યલો અને સન જાયન્ટના સંકરણથી વિકસાવવામાં આવી છે. આ જાતના ફૂલો પીળા રંગથના અને કાર્નેશન પ્રકારના આકાર ધરાવે છે.

(B)ગલગોટાની પુસા નારંગી જાત

ગલગોટાની પુસા નારંગી જાત ક્રેકટ જેક અને ગોલ્ડન જયુબીલીના સંકરણથી તૈયાર કરવામાં આવી છે. આ જાતના ફૂલો નારંગી રંગના અને ડબલ પાંખડીવાળા કાર્નેશન પ્રકારના ફૂલો જેવો આકાર ધરાવે છે. હારતોરા (ગારલેન્ડ) બનાવવા માટે આ જાતના ફૂલો ખુબજ અનુકુળ આવે છે.

(2) ફ્રેંચ ગલગોટા

ફ્રેંચ ગલગોટાના છોડ 25 થી 30 સે.મી. જેટલા ઊંચા (ઠીગણા) વધે છે. તેના ફૂલો કદમાં નાના પરંતુ છોડ ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલો ધરાવે છે. ફૂલો પીળા, નારંગી, લાલ કથાઈ રંગોના મિશ્રણના હોય છે. તેના ફૂલો સારી ટકાઉશક્તિ ધરાવે છે.

ફ્રેંચ ગલગોટાની મુખ્ય જાતોમાં બ્રાઉન-સ્કાઉટ, પીગ્મી, બટરસ્કોચ, રસ્ટી રેડ, રોયલ બેંગાલ, મેરી જેનેફલેમ, રોયલ બ્રોકેડ, રેડ બ્રોકેડ, પેટાઈટસ જેવી જાતો વિકસાવવામાં આવી છે.

આ ઉપરાંત આફ્રિકન અને ફ્રેન્ચ ગલગોટાના સંકરણથી તૈયાર કરેલી અને બન્નેના ગુણધર્મો ધરાવતી આંતરજાતીય સંકર જાતો જેવી કે રેડ એન્ડ ગોલ્ડ, નગેટ, સોબોટ, સેવન સ્ટાર જેવી જાતો વિકસાવવામાં આવી છે.


ગલગોટાનું સંવર્ધન / પ્રસર્જન

ગલગોટાનું વાવતેર બીજમાંથી ધરૂ ઉછેર કરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસામાં જુના છોડના કુમળા કટકા વાવીને પણ છોડ તૈયાર કરી શકાય છે. આ પધ્ધતિથી તૈયાર કરેલા છોડ ઉપર ફુલોની સંખ્યા ઓછી મળે છે. પરંતુ ફૂલો મોટા કદના અને ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. જેથી ફૂલો ખાસ પ્રદર્શન માટે કે હરિફાઈ માટે લેવાના હોય તો આ પધ્ધતિથી ઉછેર કરી શકાય.

ગલગોટાનું ધરૂઉછેર

એક હેકટરમાં ગલગોટાના વાવેતર માટે એક કિલોગ્રામ બીજની જરૂર રહે છે. ગલગોટાના બીજની ઉગવાની શક્તિ એકાદ વર્ષમાં નાશ પામતી હોવાથી દર વર્ષે નવા બીજનો ઉપયોગ કરવો. ગલગોટાનું વાવેતર વર્ષની ત્રણેય ઋતુમાં કરી શકાય છે. પરંતુ ફૂલો મેળવવાના સમયને ધ્યાનમાં રાખી ધરૂ ઉછેર કરવો.

શિયાળાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફૂલો મળી રહે છે.

ઉનાળાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને માર્ચથી એપ્રિલ સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો મે મહિનાથી જુલાઇ સુધી ફૂલો મળી રહે છે.

ચોમાસાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો જુનથી જુલાઇ સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને જુલાઇથી ઓગષ્ટ સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ફૂલો મળી રહે છે. આ રીતે ગલગોટાના પાકનું આયોજન કરવામાં આવે તો બારેમાસ ફૂલો મળતા રહે છે.

ગલગોટાના પાકને અનુકૂળ આબોહવા/હવામાન

ગુજરાતની ત્રણે ઋતુની આબોહવામાં બંને પ્રકારના ગલગોટાને ઉછેરી શકાય છે છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને સુર્યપ્રકાશવાળા ટૂંકા દિવસો ફુલોના ઉત્પાદન માટે વધારે અનુકુળ આવે છે. શિયાળામાં ટૂંકા દિવસો અને નીચુ તાપમાનને લીધે છોડનો વાનસ્પતિક વિકાસ ઓછો અને ઉત્તમ ગુણવત્તાવાળા (રંગ, આકાર અને કદ) ફૂલોનું ઉત્પાદન વધારે મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઊચું તાપમાન અને લાંબા દિવસોને લીધે પુષ્પભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે છોડ ઢળી પડવાની સમસ્યા વધારે મળે છે અને ઉતરતી કક્ષાના ફૂલોની સાથે ઉત્પાદન પણ ઓછું મળે છે.


ગલગોટાની ખેતીને અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

ખુબજ રેતાળ કે અતિ ભારે કાળી જમીન સિવાયની દરેક પ્રકારની જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ આફ્રિકન ગલગોટાને ભારે કાળી જમીન જયારે ફ્રેન્ચ ગલગોટાને હલકી રેતાળ જમીનમાં પણ ઉછેરી શકાય છે.

આ પાકના ધરૂની ફેરરોપણી કરતા પહેલા ભલામણ મુજબના સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો નાખીને જમીનને એક બેવાર ખેડીને ભરભરી બનાવવી જોઈએ. અગાઉના પાકના જડિયા વીણી લેવા અને ઢેફાં ભાગી જમીનને સમાર મારી સમતલ કરવી.

ગલગોટાની ખેતીમાં વાવણી / રોપણી પધ્ધતિ

ગલગોટાનું વાવતેર બીજમાંથી ધરૂઉછેર કરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. બીજની રોપણી બાદ 40 થી 45 દિવસના ધરૂની ફેરરોપણી માટે ઉપયોગમાં લેવો. ફેરરોપણીના અંતરનો આધાર તેની જાત ઉપર રહે છે. આફ્રિકન ગલગોટાની ફેરરોપણી 45 થી 60 સે.મી. ના અંતરે અને ફ્રેન્ચ ગલગોટાની ફેરરોપણી 30 સે.મી.ના અંતરે બે હાર અને બે છોડ વચ્ચે અંતર રાખી કરવી. ગલગોટાની રોપણી યોગ્ય અંતરે કરવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

ગલગોટાની ખેતીમાં ખાતર વ્યવસ્થા

જમીનની તૈયારી કરતી વખતે 15 થી 20 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. ગલગોટાના સારા ઉત્પાદન માટે 200 કિલોગ્રામ નાઈટ્રોજન 100 કિલોગ્રામ ફોસ્ફરસ અને 100 કિલોગ્રામ. પોટાશ તત્વના રૂપમાં આપવું. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ તેમજ પોટાશનો પુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે આપવો જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ એક મહિના પછી આપવો.

ગલગોટાની ખેતીમાં પિયત વ્યવસ્થા

ગલગોટાના છોડનો વાનસ્પતિક વિકાસ 55 થી 60 દિવસમાં પુરો થાય છે. તે પછી ટોચ ઉપરની કળીઓનો વિકાસ થાય છે. તેની સાથે સાથે મુખ્ય સ્થળ ઉપરની ડાળીઓ નીકળવાની શરૂઆત થાય છે અને તેના ઉપર ફૂલ બેસવા લાગે છે. આમ ગલગોટાના વિકાસની કોઈપણ વ્યવસ્થાએ પાણીની ખેંચ પડેતો છોડના વાનસ્પતિક અને ફૂલના ઉત્પાદન ઉપર અવળી અસર પડે છે માટે જમીનમાં હંમેશા ભેજ જળવાઈ રહે અને કોઈપણ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે રીતે નિયમિત પિયત આપવાની ખાસ કાળજી રાખવી. ફેરરોપણી બાદ ખુબજ હળવું પિયત આપવું. પિયત દરમ્યાન છોડ આડા ન પડે તેની કાળજી રાખવી. ત્યારબાદ જરૂરીયાત મુજબ પિયત આપવું.


ગલગોટાની ખેતીમાં આંતરખેડ નીંદામણ

ગલગોતના પાકની શરૂઆતના વૃદ્ધિકાળ દરમ્યાન આંતરખેડ કરી શકાય છે પરંતુ છોડને નુકસાન ન થાય તે ખાસ જોવું. છોડનો ફેલાવો થયા પછી આંતરખેડ કરવી યોગ્ય નથી જેથી બે-ત્રણ પિયત બાદ કોદાળીથી હળવો ગોડ કરવો.

ધરૂની ફેરરોપણી કર્યા બાદ વારંવાર નીંદામણ કાઢવું ખાસ જરૂરી છે. પાકના જીવનકાળ દરમ્યાન ૩ થી ૪ વખત નીંદામણ કરવાની જરૂર રહે છે. નીંદણનાશક દવા જેવી કે એલા કલોર ૩ કિ.ગ્રા. અથવા કલોરોઝુરોન ૫ થી ૬ કિ.ગ્રા. પ્રતિ હેકટરે આપવાથી અસરકારક રીતે નીંદામણ ઘટાડી શકાય છે.

ગલગોટાની ખાસ માવજત

(a) ટેકો આપવો

આફ્રિકન ગલગોટા ઊંચા વધવાની પ્રકૃતિ ધરાવતા હોવાથી છોડ ઢળી ન પડે તે માટે ફૂલો બેસતા પહેલા છોડના થડમાં માટી ચઢાવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી લાકડી જમીનમાં ખોસીને છોડને ઢીલી દોરી વડે એક બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ઢળી પડતા નથી જેથી ફૂલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.

(b) ફૂલકળી ચુંટવી (પીંચીંગ)

સામાન્ય રીતે આફ્રિકન ગલગોટા ઉચા વધવાની પ્રકૃતિ ધરાવે છે અને બાજુમાંથી ડાળીઓ મોડી ફુટે છે. જો ગલગોટાની ફૂલકળીને (40 થી 45 દિવસો) તોડી નાખવામાં આવે તો બાજુમાંથી નવી ડાળીઓ જલ્દીથી ફુટશે પરિણામે છોડ નાના રહેશે અને ફૂલ વધુ સંખ્યામાં જોવા મળશે.

ગલગોટાના પાકનું સંરક્ષણ

બીજને પારાયુકત દવાનો પટ આપી વાવેતર કરવાથી ધરૂનો કહોવારો અને કોલરરોટ નામનો રોગ આવતો નથી. આ ઉપરાંત કોપર ઓકસીકલોરાઈડ મેલાથીઓન, મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ જરૂર મુજબ કરવો.

ગલગોટાના ફૂલો ઉતારવા/ફૂલોની વીણી

ફૂલ વહેલી સવારે અને સાંજના સમયે ઉતારવા. સંપૂર્ણ રીતે ખીલેલા હોય તેવા ફૂલોની હાથથી ચુંટીને વણી કરવી. ફૂલ ઉતારવાના આગલા દિવસે પિયત આપવું. જેથી ફૂલો લાંબા સમય સુધી સાચવી શકાય છે. નિયમિત ફૂલો ઉતારવાથી ઉત્પાદન વધારે મળે છે. ગલગોટાના ફૂલો મોટા ભાગે હાર (માળા) બનાવવાના કામમાં લેવામાં આવે છે આથી ફૂલોને દાંડી વગર જ ઉતારવા.


ગલગોટાના ફૂલોનું ઉત્પાદન

એક હેકટરે આફ્રિકન ગલગોટાનું ઉત્પાદન 11 થી 18 ટન (15 થી 25 લાખ ફૂલો) અને ફ્રેંચ ગલગોટાનું 8 થી 12 ટન (60 થી 80 લાખ ફૂલો) મળે છે.

ગલગોટાની બજાર વ્યવસ્થા

ફૂલ ઉતાર્યા બાદ ફૂલના કદ રંગ અને આકાર પ્રમાણે વર્ગીકરણ કરીને ફૂલોને વાંસના ટોપલામાં અથવા પ્લાસ્ટિક બેગમાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે. જો દૂરના બજારમાં મોકલવાના હોય તો પ્રથમ ટોપલામાં ભીનું મસલીન કપડુ મુકી તેમાં ફૂલો મુકી ઢાંકીને બજારમાં મોકલવામાં આવે તો ફૂલોની ગુણવત્તા લાંબો સમય સુધી સારી રાખી શકાય છે.

વિશેષ માહિતી

ગલગોટા એ વારંવાર પરંપરાગત (ઓપન ક્રોસ પોલિનેટેડ) પાક હોઈ જેતે જાતનું શુધ્ધ બીજ મેળવવું ખુબજ મુશ્કેલ છે. પરંતુ ખાસ રીતે કાળજી રાખી સારી ગુણવત્તાવાળા ફૂલોમાંથી બીજ ઉત્પાદન કરવું. હેકટરે 400 થી 500 કિલોગ્રામ જેટલું બીજ મળે છે.

Post a Comment

0 Comments