ચોળીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ચોળી એ અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે. ચોળીની લીલી કુણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જ્યારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. ચોળીની લીલી શીંગોમાં પ્રોટીન અને ખનિજ તત્વો સારા એવા પ્રમાણમાં હોય છે. ચોળીના સૂકા દાણામાં 23 થી 29 ટકા જેટલું પ્રોટીન હોય છે. આ મુજબ લીલી શીંગો અને લીલા દાણામાં પ્રોટીનની ઉપલબ્ધતા વિશેષ રહે છે. આ ઉપરાંત લીલી શીંગોમાં લોહતત્વ તથા વિટામિન A પણ વિશેષ પ્રમાણમાં હોય છે. ચોળીની ખેતી મુખ્યત્વે બે હેતુ માટે કરવામાં આવે છે. સૂકા દાણા માટે અને લીલી શીંગો માટે. લીલી શિંગોનો ઉપયોગ શાકભાજી માટે કરવામાં આવે છે. આ બંને પ્રકારની ચોળીની ખાસ વિશેષતા હોય છે. સૂકા દાણા માટે ચોળીની શીંગ બરછટ રેસાવાળી હોય છે જ્યારે શાકભાજી માટેની ચોળીની શીંગો સુવાળી ઓછા રેસાવાળી હોય છે. તેમજ સૂકા ધાણાનો રંગ સફેદ હોવો જોઈએ. જે દાણાનો રંગ લાલ હોય તો આવી લીલી ચોળીનું શાક બનાવવામાં આવે તો શાકનો રંગ લાલાશ પડદો કાળો થઈ જાય છે.

Choli ni Kheti
Source : Internet

ગુજરાત, રાજ્યમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ચોળીનું વાવેતર વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. આમ છતાં શાકભાજી માટે ચોળીનું વાવેતર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વિશેષ કરવામાં આવે છે.

આબોહવા

ચોળીનો પાક ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રકારના હવામાનનો પાક હોવાથી વિવિધ પ્રકારની આબોહવામાં અનુકૂળતા પૂર્વક ઉગાડી શકાય છે. ચોળીનો પાક શિયાળાની ઋતુ સિવાય કોઈપણ ઋતુમાં લઈ શકાય છે. શાકભાજીના પાક માટે ચોળીનું વાવેતર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન કોઈપણ સમયે કરી શકાય છે. તેમ છતાં આ પાક ઉપર ફૂલ આવવાના સમયે વધુ પડતો વરસાદ તેમજ નીચે ઉષ્ણતામાન માફક આવતાં નથી. આમ ચોળી ઉનાળો અને ચોમાસુ ઋતુમાં થતા શાકભાજીના પાક છે.

ચોળીને માફક આવતી જમીન અને જમીનની તૈયારી

ચોળી એ બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય તેવો પાક છે. પરંતુ સારા નિતારવાળી અને ફળદ્રુપ ગોરાડુ જમીન વધુ માફક આવે છે. આ પાકને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. જરૂર મુજબ આડી ઊભી ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી તૈયાર કરવામાં આવે છે.


ચોળીની વિવિધ જાતો

(1) પુસા ફાલ્ગુની

ગુજરાત રાજયમાં શાકભાજી માટે પુસા ફાલ્ગુની જાતનું વાવેતર વિશેષ પ્રમાણમાં થાય છે. આ જાત બન્ને ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં માટે અનુકૂળ છે. આ જાતની લીલી શીંગો સુંવાળી, ઓછા રેસાવાળી અને પ્રમાણમાં દાણાના ઓછા ભરાવાવાળી હોય છે તેથી શીંગોમાં દાણા ઉપસી આવતી નથી. શીંગો ઘાટી લીલી, સીઘી અને 12 થી 13 સે.મી. લંબાઈની હોય છે. તેના દાણાનો કલર સફેદ હોય છે આ જાતના છોડ પ્રમાણમાં ઠીંગણાને નિયંત્રિત વૃદ્ધિ વાળા હોય છે. લીલી શીંગોનું ઉત્પાદન એક હેકટર 10,000 થી 12,000 કિલો મળે છે.

(2) પુસા કોમલ :

ચોળીની પુસા કોમલ જાતના છોડ ઠીંગણા અને નિયંત્રિત વૃદ્ધિવાળા હોય છે. પ્રથમ વીણી 55-60 દિવસે મળે છે. શીંગો આછી લીલી, ગોળાકાર આશરે 20 થી 22 સે.મી. લાંબી અને આછા પીળા રંગના દાણાવાળી હોય છે. આ જાત બેક્ટેરિયલ બ્લાઈટ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. જે બન્ને ઉનાળુ તથા ચોમાસુ ઋતુ માટે અનુકુળ આવે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ દાણા માટેની જાત જે શાકભાજી માટે પણ વાવેતર કરવામાં આવે છે.

(3) આણંદ શાકભાજી ચોળી 1 :

 મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા શાકભાજી માટે આણંદ શાકભાજી ચોળી 1 જાતની ખાસ ભલામણ 2007માં કરવામાં આવેલ છે. ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુ માટે ખૂબ જ અનુકૂળ છે. શીંગો લીલા રંગની આછા લીલાશ પડતા રંગની સુંવાળી, રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને 12 થી 15 સે.મી. લંબાઈની હોય છે. આ જાતના દાણાનો રંગ સફેદ અને નિયંત્રિત વૃદ્ધિ વાળા હોય છે. અંદાજીત ઉત્પાદન 12000 થી 14000 કિ.ગ્રા. પ્રતિ હેકટર મળે છે.

ચોળીનો વાવણી સમય :

શાકભાજી પાક માટે ચોળીનું વાવેતર કરવું હોય ત્યારે ફેબ્રુઆરી માસથી શરૂ કરીને સપ્ટેમ્બર માસ સુધીમાં કોઈપણ સમયે વાવેતર કરી શકાય છે. બીજના ઉગવાના સમયે સતત વરસાદ હોય તો બીજનો ઉગાવો ઘીમો અને ઓછો થાય છે તેમ છતાં ચોમાસાની ઋતુ માટે જુલાઈ-ઓગસ્ટમાં જ્યારે ઉનાળો ઋતુમાં જાન્યુઆરી થી માર્ચ માસમાં વાવણી કરી શકાય છે.


ચોળીની વાવણી અંતર તથા બિયારણનો દર :

ચોળીનું વાવેતર બે હાર વચ્ચે 30-45 સે.મી અને હારમાં બે છોડ વચ્ચે 15-20 સે.મી. અંતર રાખી કરવું. એક હેકટરના વિસ્તાર માટે 12-15 કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

ચોળીની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

(1) સેન્દ્રિય ખાતર : 

ચોળીમાં 10 થી 12 ટન છાણિયું ખાતર પ્રતિ હેકટરે આપવું જોઈએ

(2) રાસાયણિક ખાતર :

ચોળીની ખેતી કરતી વખતે પાયાનું ખાતર પાકની વાવણી પહેલા ચાસમાં ઓરીને આપવું. આ પાકને પૂર્તિ ખાતરની જરૂર રહેતી નથી તેમજ વધુ પડતું નાઈટ્રોજન આપવાથી પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને છોડ વેલાવાળા થતાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે.

ચોળીની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

ચોમાસુ ઋતુના પાક માટે જો વરસાદ ખેંચાય તો જ પિયતની જરૂરિયાત રહે છે જ્યારે ઉનાળો ઋતુના પાક માટે 10 થી 12 દિવસના અંતરે પિયતની જરૂરિયાત રહે છે.

ચોળીની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ વ્યવસ્થાપન

ચોળીના પાકને શરૂઆતના 20 થી 25 દિવસ નીંદણમુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. ચોળીમાં 2 થી 3 વખત આંતરખેડ તેમજ એક કે બે વખત હાથ નિંદામણ કરી પાક નિંદામણ મુક્ત રાખવો.


ચોળીની લીલી શીંગોની વીણી :

ચોળીમાં પાકની જાત, હવામાનની પરિસ્થિતિ તથા ઋતુ મુજબ વાવેતર બાદ લગભગ 40 થી 50 દિવસે ઉતારવા લાયક લીલી શીંગો તૈયાર થાય છે. આ શીંગો જયારે કુણી હોય ત્યારે વીણી કરવી. પાકટ શીંગોમાં દાણા ઉપસી આવવાથી બજારભાવ ઓછો મળે છે તેમજ શીંગનો બગાડ જલદી થાય છે. લીલી શીંગોની વીણી 5 થી 7 દિવસના સમયયાંતરે કરવી જેની 8 થી 10 વીણી મળતી હોય છે.

ચોળીનું સરેરાશ ઉત્પાદન :

ચોળીની ખેતીમાં લીલી શીંગોનું ઉત્પાદન જાત પ્રમાણે મળતું હોય છે. હેકટર દીઠ સરેરાશ 8,000 થી 10,000 કિલો ઉત્પાદન મળે છે.

Post a Comment

0 Comments