ખેડૂતોના વિરોધ વચ્ચે મોદી સરકાર 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનો હપ્તો નાખશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ
SOURCE : INTERNET

નવા કૃષિ કાયદા (Farmers Bill 2020)ના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. 9 કરોડ ખેડૂતોના ખાતા(Bank Account)માં સરકાર 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) દ્વારા આની ઘોષણા કરવામાં આવી છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે ખેડૂતો સાથે ચર્ચા થશે અને અવરોધ દૂર થશે.

બે કલાકમાં 18 હજાર કરોડ રૂપિયા આપશે

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ભારત સરકાર 25 તારીખે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવી રહી છે. તે જ દિવસે 18000 કરોડ રૂપિયા સરકાર દ્વારા બે કલાકમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓ 6 રાજ્યોના 6 ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે. ડેવલપમેન્ટ બ્લોક કક્ષાએ પણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે 2 કરોડ ખેડુતોએ નોંધણી કરાવી છે.

ખેડૂતોની શંકાઓ દૂર કરવા સરકાર તૈયાર

આ સાથે કૃષિ મંત્રીએ કહ્યું કે એમએસપી અંગે ઘણી બાબતો ખેડૂતોના મગજમાં છે, પરંતુ સરકાર તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. ખેડુતોના વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે હું પૂરી ખાતરી આપું છું કે મોદી સરકાર તેમના હિતમાં જ પગલા લઈ રહી છે. તેમણે ફરી એક વખત ખેડૂત સંઘોને ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું, ખેડૂત સંગઠનો અમને જણાવે કે સરકારના પ્રસ્તાવ પર શું ઉમેરવામાં અથવા ઘટાડવા ઇચ્છશે.

ચર્ચા દ્વારા જ સમાધાન નીકળે છે

ખેડૂત સંગઠન અમને તારીખ અને સમય જણાવે, અમે ચર્ચા માટે તૈયાર છીએ. તેમણે ખેડૂત સંઘોને આ બિલને સમજીને સરકારને જાણ કરવા તાકીદ કરી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે અમે ઇમાનદારીથી સમાધાન તરફ આગળ વધીશું. આંદોલન કેટલું પણ જૂનું હોય, ચર્ચા દ્વારા જ સમાધાન નીકળે છે. તેમણે આશા વ્યક્ત કરી કે સકારાત્મક ઉકેલો ચર્ચામાંથી બહાર આવશે. તોમરે કહ્યું કે તેમને ખેડૂતોને જોઈને દુ:ખ થાય છે પરંતુ કૃષિ સુધારણા બિલ ખેડૂતોની તરફેણમાં છે.

આ રીતે કરો બેલેન્સ ચેક

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાંથી એક છો તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી રૂપિયા ટ્રાન્સફર થવા પર પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ હોમપેજ પર Kisan Corner પર ક્લિક કરો, હવે તમારા સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારો ખાતા નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. ત્યાર બાદ Get Report પર ક્લિક કરો. અહીં તમને તમારા બેલેન્સ સંબંધિત તમામ જાણકારી મળી જશે.

Post a Comment

0 Comments