શંકરસિંહ વાઘેલા નજરકેદ, ગાંધી આશ્રમથી દિલ્લી સુધી ખેડૂત અધિકાર યાત્રા કરવાના હતા.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નજરકેદ કરાયા
SOURCE : INTERNET

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (shankarsinh waghela) એ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (farmers protest) ને ટેકો આપ્યો હતો. તેઓ ગાંધી આશ્રમથી દિલ્હી (chalo delhi) સુધી ખેડૂત અધિકાર યાત્રા યોજાવાના હતા. ત્યારે આજે આંદોલન કરે તે પહેલા જ તેઓને નજરકેદ કરાયા છે. તેમના નિવાસ સ્થાન વસંત વગડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગાંધી આશ્રમ ખાતે લગાવવામાં આવેલા તમામ બેનર અને મુખ્ય દરવાજા પાસેથી ઝંડા દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શંકરસિંહ વાઘેલાના ફોટો સાથે લાગેલા બેનરો પણ હટાવવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધુ ચુસ્ત કરવામાં આવ્યો છે. 

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂત અધિકાર યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. તેઓ ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી યાત્રા યોજવાના હતા. ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મેં અટલજીના જન્મ દિવસે યાત્રાની જાહેરાત કરી હતી. આજ સાંજ સુધીમાં નક્કી કરીશ કે કાલથી શું કરવું. પણ હું ખેડૂત અધિકાર યાત્રા કરીશ. દિલ્હી નહિ જાઉં તો ગુજરાતના ગામડામાં ફરીને ખેડૂતોને મળીશ. સરકારે હું બહાર ન નીકળી શકું તેવી વ્યવસ્થા કરી છે પણ હું સરકારને પૂછવા માગું છું, શુ કોઈને વિરોધનો અધિકાર નથી? મને સવારે સૂચના મળી કે તમે હાઉસ અરેસ્ટ છો. મને કહેવામાં આવ્યું કે તમે બહાર નહીં જઈ શકો.

મેં કાર્યક્રમ માટે પત્ર લખ્યો તો તેનો પણ જવાબ નથી મળ્યો. પોલીસ ગાંધીજીના દર્શન નહિ કરવા દે તો ફૂટપાથ પરથી પણ દર્શન કરી દિલ્હી જવા નીકળીશું. ઈમરજન્સીમા આરએસએસના કોઈ કાર્યકરો જેલમાં નથી ગયા. અમે કુલ 100 લોકો આઈકાર્ડ સાથે દિલ્હી જવા રવાના થશું. પોલીસને જે કરવું હોય એ કરે. અને જો દિલ્હી નહિ જાઉં તો ગુજરાતના ગામડાઓમાં ફરી ખેડૂતોને મળીશ.

તેમણે વધુમાં કહ્યું કે, મારી જાહેરાતને લઈ ગઈકાલ સાંજથી જ મારા નિવાસસ્થાન વસંત વગડાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હું ઘરની બહાર પણ ન નીકળી શકું તે રીતે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. કલમ 144 સરકાર માટે નથી, પણ આપણા માટે છે. ગઈકાલે સાંજથી લગભગ જાહેરાત કરી ત્યારથી પોલીસ બંદોબસ્ત છે. સરકારે તમામ બેનર, ઝંડા હટાવી લીધા છે. સરકાર આપણને વિરોધ કરવાનો પણ હક આપતી નથી. સરકાર ખાલી પોતાના જ કાર્યક્રમો કરી શકે છે. ખેડૂત અધિકાર યાત્રા ન કરી શકું તે માટે ઘરની બહાર નહિ જવા દેવામાં આવે. કાશ્મીર જેવું વાતાવરણ અહીંયા ઉભું કર્યું છે. મારી પોતાની ઓળખ છે, મારે કોઈ પ્રસિદ્ધીની જરૂર નથી. અટલજીના રસ્તે જો સરકાર ચાલતી હોય તો ખેડૂતોનો વિચાર કરત પણ તે ન કર્યું. ગુજરાત આવા લોકોને હવાલે ના રખાય. જો ખેડૂતો મામલે સરકાર કોઈ નિર્ણય નહિ લે તો હું કોઈ જાહેરાત કે કર્યા વગર જ દિલ્હી જતો રહીશ. ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના દર્શન પણ કરવા દેવામાં નથી આવતા. મુખ્યમંત્રી એ જે કરવું હોય એ કરે મને કઈ જ ફરક નથી પડતો. સરકાર રાજહઠમાં અહંકારી બની ગઈ છે અને અભિમાન કોઇને ચાલ્યું નથી અને ચાલશે પણ નહિ.

Post a Comment

0 Comments