ખેડૂતોને આઝાદીનાં ૭૨ વર્ષ પછી વચેટિયાઓથી આઝાદી મળશે : અમીત શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાના પ્રથમ કાર્યકાળના પ્રારંભથી જ ખેડૂતોનાં હિત જાળવવા માટે કટિબદ્ધ રહી છે.  ખેડૂતોની આવક બમણી કરવાનું ધ્યેય રાખીને આ સરકાર આગળ વધી રહી છે અને આ દિશામાં ખેત ઉત્પાદન, તેનું માળખું અને માર્કેટિંગની વ્યવસ્થામાં સુધારા લાવવાની દિશામાં સરકારે અનેક કદમ ઉઠાવ્યાં છે.

આ પ્રયાસોની કડીમાં જ સરકાર ખેત સુધારા સંબંધી ત્રણ વિધેયક ગૃહમાં લઈને આવી હતી. જેમાંનાં બે વિધેયક વિપક્ષના અયોગ્ય અને અતાર્કિક વિરોધ છતાં પણ બંને ગૃહોમાં મંજૂર થઈને હવે કાયદો બની ગયા છે. ખેત ઊપજ, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) તેમજ ખેડૂત (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન નામનાં આ બંને વિધેયક ખેડૂતોને આર્થિક મજબૂતી પૂરી પાડવાની સાથે-સાથે કૃષિ ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરનારા છે.
 
ખેડૂતોને વચેટિયાઓથી આઝાદી મળશે : Amit Shah
SOURCE : INTERNET

આમાંનું પહેલું વિધેયક દેશના અન્ન દાતાને વચેટિયાઓની પક્કડમાંથી મુક્ત કરીને આઝાદી આપવાની સાથે-સાથે તેમની ઇચ્છા મુજબના ભાવે વેચાણ કરવાની આઝાદી પૂરી પાડશે. આ વિધેયક પહેલાં ખેડૂતોએ ચાર અવરોધોનો સામનો કરવો પડતો હતો. તેમનું બજાર માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત હતું. પાયાની માળખાગત સુવિધાઓનો અભાવ હતો અને ખરીદનારા પણ મર્યાદિત હતા તથા પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો. આ સ્થિતિને કારણે ખેડૂતોને વધારે પરિવહન ખર્ચ, બજારોમાં લાંબી કતારો, હરાજીમાં વિલંબ અને સ્થાનિક માફિયાઓના જોર જુલમનો માર ભોગવવો પડતો હતો. હવે આ વિધેયક કાયદો બની જશે એટલે ખેડૂતોને આ ચારે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેનાથી તેમને રાષ્ટ્રીય બજારમાં તકો પ્રાપ્ત થશે. વચેટિયાઓની ચુંગાલમાંથી મુક્તિ મળશે. ખેતરના પ્રવેશદ્વારથી જ ખેત પેદાશની છૂટ મળતાં હેરફેર માટેના ખર્ચની બચત થશે. તે પોતાની ખેત પેદાશોનો સંગ્રહ કરીને યોગ્ય સમયે તેનું વેચાણ કરી શકશે. હવે વાસ્તવમાં આપણું ‘એક દેશ એક બજાર’નું સપનું સાકાર થશે અને દેશના ખેડૂતોને આઝાદીનાં ૭૨ વર્ષ પછી સાચા અર્થમાં વચેટિયાઓથી આઝાદી મળશે.

બીજું વિધેયક વાવણીના સ્તરે જ બજારનો સંપર્ક કરવાની તક પૂરી પાડે છે. જેનાથી ઉત્પાદનનાં જોખમો અને ભાવ માટેનાં જોખમ બંનેમાંથી રાહત પ્રાપ્ત થાય છે. આને કારણે બહેતર ઔદ્યોગિક એકમોનો પ્રારંભ પણ કરી શકાય છે. જેના કારણે તે જથ્થાબંધ વેપારીઓ અને મોટા છૂટક વેપારીઓ તેમજ નિકાસકારો સાથે કરાર દ્વારા પણ જોડાઈ શકે છે. આવો કરાર કરનાર ખેડૂતોને ધિરાણની સુવિધા, ટેક્નિકલ સહાય, બીજની ઉપલબ્ધિ અને પાક વીમો ઉપલબ્ધ કરાવી શકાશે. વાસ્તવમાં દેશમાં ખેડૂતોનું હિત ત્યાં સુધી સુનિશ્ચિત નહીં થાય જ્યાં સુધી ખેતી ક્ષેત્રે મોટું મૂડીરોકાણ આવશે નહીં.

અત્યાર સુધી કાનૂની બંધનોને કારણે આ ક્ષેત્રમાં મૂડીરોકાણ માટેનો માર્ગ રોકાઈ ગયો હતો. હવે ખેતી ક્ષેત્રે નવાં કાયદા આવતાં આ અવરોધ સમાપ્ત થઈ ગયો છે. કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણો આવતાં તેમાં સંગ્રહ, પરિવહન તથા ખેતી આધારિત કૃષિ ઉદ્યોગો સ્થાપવાનો માર્ગ ખૂલી જશે અને તેનો લાભ દેશના તમામ ખેડૂતોને મળશે. તેના પરિણામે ખેડૂત રોકડિયા પાક અને ખેતઉદ્યોગોની જરૂરિયાત મુજબ ખેતી કરીને પોતાની આવકમાં અનેક ગણો વધારો કરી શકશે. એ બાબત સ્પષ્ટ છે કે આ બંને વિધેયક દરેક પ્રકારે ખેતી ક્ષેત્રે અને ખેડૂતોના હિતમાં છે અને આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. અહીંયાં એ નોંધ લેવી આવશ્યક છે કે, આ બંને વિધેયક ખેડૂતના માલિકીના હક્ક અને ખેતીના અધિકારને પડકાર ઊભા કર્યા વગર ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરશે.

સરકારે ગૃહમાં અને ગૃહની બહાર પણ એ બાબત સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે આ કાયદા આવવાથી ટેકાના લઘુતમ ભાવને કોઈ અસર થશે નહીં, તે વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે. પરંતુ હવે ખેડૂતો પાસે તે સિવાયના વિકલ્પો પણ ઉપલબ્ધ થયા છે. અમારી સરકારે ટેકાના લઘુતમ ભાવમાં દોઢ ઘણો વધારો કરવાનું કામ કર્યું છે તો પછી અમે તે શા માટે ખતમ કરીશું?

મોદીજી વડા પ્રધાન બન્યા તે પછી દેશની ખેતીના બજેટમાં ૩૫.૬ ટકાનો વધારો થયો છે. ૧૬.૩૮ કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં છે. માઈક્રો ઇરિગેશનમાં ૩૯.૪ ટકાનો વધારો થયો છે. કૃષિ યાંત્રીકરણનું બજેટ ૧,૨૪૮ ગણું કરવામાં આવ્યું છે. ખેતી માટેના ધિરાણમાં ૫૭ ટકાનો વધારો થયો છે અને ખેતી માટે આપવામાં આવતી છૂટછાટ રોકાણ ૧૫૦ ટકાથી વધારે થયું છે. આ પ્રયાસોના પરિણામે આ સરકારના કાર્યકાળ દરમિયાન માત્ર ૬ વર્ષમાં અનાજના ઉત્પાદનમાં ૭.૨૯ ટકા અને બાગાયતી પેદાશોના ઉત્પાદનમાં ૧૨.૪ ટકા તથા કઠોળના ઉત્પાદનમાં ૨૦.૬૫ ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત મોદી સરકારે પાક વીમા યોજનાઓ દ્વારા ખેડૂતોને સુરક્ષા કવચ પૂરું પાડયું છે. આ યોજના હેઠળ વીમો લેનાર ખેડૂતોની સંખ્યા ૬.૬૬ કરોડથી વધીને ૧૩.૨૬ કરોડ થઈ છે. કિસાન સન્માન નિધિનો લાભ આજથી સુધી ૧૧ કરોડ ખેડૂતોને મળ્યો છે અને અત્યાર સુધીમાં રૂ. ૯૩ હજાર કરોડની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા થઈ છે, જેમાં લોકડાઉનના ગાળા દરમિયાન ખેડૂતોને સહાય કરવા માટે આશરે રૂ. ૨૨,૦૦૦ કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. તે જ રીતે પેન્શન યોજનામાં અત્યાર સુધીમાં ૧૯.૯ લાખ ખેડૂતો નોંધાઈ ચૂક્યા છે.

આ ઉપરાંત મોદી સરકારે રૂ. એક લાખ કરોડની મૂળ ભંડોળથી ધિરાણ પ્રોત્સાહનની એક નવી કેન્દ્રીય યોજના શરૂ કરી છે. આ યોજનાને કારણે ખેડૂતોની પ્રાથમિક ખેત સહકારી સમિતિઓ, ખેડૂત ઉત્પાદન સંગઠનો, કૃષિ કામદારો વગેરેને સામુદાયિક ખેતીની વિવિધ ઊપજ અને ફસલ ઉપરાંત ખેતીના મૂળભૂત માળખાની વ્યવસ્થા ગોઠવવા માટે સહાય કરવામાં આવશે. આ એક ઐતિહાસિક કદમ છે કે જે વડા પ્રધાનની દીર્ઘદૃષ્ટિ ધરાવતી વિચારધારા બતાવે છે. આ પગલાંઓનું પરિણામ ઝડપથી દેશની સામે આવશે અને ‘આત્મનિર્ભર ભારત’ના આ સમયમાં આપણે દેશના ખેડૂતોને સર્વ પ્રકારે આત્મનિર્ભર અન સશક્ત બનાવવામાં સફળ થઈશું.

નોંધ : આ સંપૂર્ણ લેખ ગૃહમંત્રી અમિત શાહે લખેલા લેખનું ભાષાંતર છે.

Post a Comment

0 Comments