મગફળીની જીવાતો અને તેનું નિયંત્રણ

મગફળીના પાકમાં ઉગાડવાથી શરૂ કરી કાપણી સુધીમાં વિવિધ પ્રકારની જીવાત નુકસાન કરે છે પરિણામે ઉત્પાદન પર માઠી અસર થાય છે. મગફળીના પાકમાં મોલો, લીલા તડતડીયા, થ્રિપ્સ, પાનકથીરી, પાન કોરિયું, લીલી ઈયળ, પ્રોડેનિયા, ઘૈણ (ડોળ) અને ઉધઈ દ્વારા નુકસાન થાય છે.

મગફળીની જીવાતો
SOURCE : INTERNET

મગફળીમાં પાકમાં મોલો

મોલો ભૂખરી, કાળી, પોચા શરીરવાળી અને લંબગોળ આકારની હોય છે. પુખ્ત કીટકો પાંખ વાળા અથવા પાંખ વગરના હોય છે. તેના શરીરના પાછળના ભાગમાં બે ટ્યુબ જેવી નળીઓ આવેલી હોય છે. તેના બચ્ચા તેમજ પુખ્ત કુમળી ડૂખો, પાન અને સૂયામાંથી રસ ચૂસી નુકસાન કરે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ નબળો પડે છે. તેથી ઉત્પાદન પર ઘણી જ માઠી અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાત અને ગળો તરીકે ઓળખે છે. ચીકણા ભાગ ઉપર પાછળથી કાળી ફૂગનો ઉગાવો થાય છે જેને લીધે આખો છોડ કાળો દેખાય છે. મોલોનો ઉપદ્રવ મગફળીના પાકમાં સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં જયારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે થાય છે અને લગભગ 15-20 દિવસ સુધી તેનો ઉપદ્રવ રહે છે.

મગફળીના પાકમાં મોલોનું નિયંત્રણ :

સ્ટીકી ટ્રેપ ઉપર મોલોની વસ્તીને ધોયા બાદ અને ક્ષમ્યમાત્રાની સપાટી 1.5 ઈન્ડેક્ષની સપાટીએ મોલોનો ઉપદ્રવ પહોંચે ત્યારે જ શોષક પ્રકારની કીટનાશક દવા જેવી કે ફોસ્ફામીડોન 0.03 ટકા (10 લિટર પાણીમાં 3 મિ.લિ.) અથવા ડાયમીથોએટ 0.03 ટકા (10 લિટર પાણીમાં 10 મિ.લિ.) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન 0.025ટકા (10 લીટર પાણીમાં 10 મિ.લિ.)ના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો 10 થી 12 દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ઈમીડાક્લોપ્રીડ 17.8 SL 4 મિ.લિ. અથવા થાયોમેથોકઝામ 25 WG 4 ગ્રામ અથવા એસીટામીપ્રીડ 20 SC 2 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી મોલો અને તડતડીયાનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે. મોલોને ખાનાર પરભક્ષી દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો કીટનાશક દવા છાંટવાનું મુલતવી રાખવું.

મગફળીના લીલા તડતડીયા

લીલી પોપટી તરીકે ઓળખાતા તડતડીયાં આછાં લીલા રંગના, ફાચર આકાર અને પાન પર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. બચ્ચાં તેમજ પુખ્ત તડતડીયા પાન નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામે પાનની ટોચ તથા ધારો પીળી પડી જાય છે. જો ઉપદ્રવ વધારે હોય તો છોડ ફીકો પડી જાય છે અને પાન કોકડાઈ જઈ સુકાઈ જાય છે. લીલા તડતડીયાનો ઉપદ્રવ ચોમાસામાં ઓગષ્ટથી શરૂ થઈ ઓકટોબર સુધી અને ઉનાળુ મગફળીમાં ફેબ્રુ–માર્ચ માસમાં વધુ હોય છે. તેનો ઉપદ્રવ મગફળીમાં સૂયા બેસતી વખતે થાય તો તેમાંથી બેઠેલા દોડવાના દાણા ચીમળાઈ જાય છે, જે વાવવામાં આવે તો ઉગાવા ઓછો થાય છે. ચીમળાયેલા દાણામાં તેલના ટકા પણ ઘટે છે.

મગફળીના લીલા તડતડીયાનું નિયંત્રણ :

મગફળીના દાણાની વાવેતર સમયે ઈમીડાકલોપ્રીડ 600 FS 3 ગ્રામ/કિલો બીજ અથવા થાયોમેથોકઝામ 70 WS 1 ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવાથી પાકના ઉગાવો થયા પછી લીલા તડતડીયા જીવાતની સામે ઉગાવા બાદ 30 થી 35 દિવસ સુધી રક્ષણ પુરુ પાડે છે. મોલો નિયંત્રણ માટે ભલામણ કરેલ શોષક પ્રકારની કીટનાશક દવાઓનો છંટકાવ કરવાથી લીલા તડતડીયાનું પણ નિયંત્રણ થાય છે. જરૂર પડે તો 10 થી 12 દિવસે બીજો છંટકાવ કરવો.

મગફળીમાં થ્રિપ્સ :

થ્રિપ્સ નાની, નાજુક, શંકુ આકારની, ફિક્કા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. તે નરી આંખે અનુભવ વગર સ્પષ્ટ દેખી શકાતી નથી. બચ્ચા ખૂબ જ નાના અને પાંખો વગરના હોય છે. પુખ્ત કીટક અને બચ્ચાં પુષ્કળ સંખ્યામાં પાનની નીચેની બાજુ તથા કુમળી કૂંખોમાં રહીને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતમાં પ્રથમ વરસાદ થયા પછી બીજો વરસાદ લંબાય અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખાસ હોય ત્યારે વધુ જોવા મળે છે.

મગફળીના પાકમાં થ્રિપ્સનું નિયંત્રણ :

લીલા તડતડીયાના નિયંત્રણ માટે જણાવ્યા પ્રમાણે કીટનાશક દવાની બીજ માવજત આપવાથી થ્રિપ્સનું પણ નિયંત્રણ થાય છે. આ ઉપરાંત જરૂર જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે પ્રોફેનોફોસ 40 ટકા + સાયપરમેથ્રિન 4 ટકા(પોલીટ્રીન) 10 મિ.લિ. અથવા થાયામેથોક્ષામ 2.4 ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ 2.8 મિ.લિ. અથવા ડાયમીથોએટ 10 મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન 10 મિ.લિ. પ્રમાણે 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો 10 થી 12 દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

મગફળીના પાકમાં પાનકથીરી :

પાનકથીરી નરી આંખે જોઈ ન શકાય તેવી બારીક, લંબગોળ તેમજ ચાર જોડી પગવાળી અને લાલ રંગની હોય છે. ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં કયારેક પાનકથીરીનો ઉપદ્રવ જોવા મળી છે. જે પાનની નીચેની સપાટીમાં જાળું બનાવી રહે છે. બચ્ચાંઓ અને પુખ્ત પાનકથીરી જાળામાં રહી પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાન ઉપર સફેદ રંગના અસંખ્ય ડાઘ જોવા મળે છે અને દૂરથી છોડ સફેદ રંગના જણાય છે. આ ચિન્હોને લીધે આ જીવાતનો ઉપદ્રવ સહેલાઈથી પારખી શકાય છે. તેનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થા એ જ્યારે વાતાવરણમાં તાપમાનમાં પ્રમાણ વધારે હોય ત્યારે જોવા મળે છે.

મગફળીના પાકમાં પાનકથીરીનું નિયંત્રણ:

પાનકથીરીના અસરકારક નિયંત્રણ માટે ઈથિયોન 50 EC 10 મિ.લિ. અથવા ડાયકોફોલ 18.5 EC 16 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગફળીના પાન કોરિયા :

પાન કોરિયાનું પુખ્ત રાખોડી રંગનું હોય છે. નાની ઈયળ ભૂખરા સફેદ રંગની હોય છે. પરંતુ પુખ્ત બનતા તે લીલા રંગની થઈ જાય છે. ઈયળના શરીર પર નાના નાના વાળ હોય છે. ચોમાસુ મગફળીમાં પાન કોરિયાનો ઉપદ્રવ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વધારે જણાય છે. જ્યારે ઉનાળુ મગફળીમાં પાન કોરિયાનો ઉપદ્રવ ઉગતાની સાથે તરત જ જણાય છે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાં ભેજવાળું હવામાન રહેતુ હોવાથી પાન કોરિયાનો ઉપદ્રવ આ વિસ્તારમાં વધુ રહે છે. શરૂઆતમાં પાન કોરિયાની નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે. ઈયળ મોટી થતાં પાણીમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળી ડૂંખની ટોચની નજીકની પાંદડીઓ એકબીજા સાથે જોડીને જાળું બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. પરિણામે પાંદડીઓ સુકાઈ જાય છે. પાન કોરિયા છોડની પાંદડીઓ એકબીજા સાથે જોડી દેતા હોવાથી ખેડૂતો તેને “માથા બાંધનારી અથવા ‘પાન વાળનાર ઈયળ તરીકે પણ ઓળખે છે.

મગફળીના પાકમાં પાન કોરિયાનું નિયંત્રણ:

પાન કોરિયાના નિયંત્રણ માટે ડાયકલોરવોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 5 મિ.લિ.) અથવા મોનોક્રેટોફોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 12 મિ.લિ.) અથવા ફોઝેલોન 0.07 ટકા (10 લીટર પાણીમાં 20 મિ.લી.) ના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો 15 દિવસ પછી બીજો છંટકાવ કરવો.

મગફળીના પાકમાં લીલી ઈયળ (હેલીયોથિસ) :

લીલી ઈયળ (હેલીયોથિસ)ના પુખ્તની આગળની પાંખો પરાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી હોય છે અને પાછળની પાંખો પીળાશ પડતા સફેદ રંગની અને કાળી છાંટવાળી હોય છે. ઈયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટી વાળી હોય છે. પાક પ્રમાણે ઈયળનો રંગ જુદો જુદો જોવા મળે છે.

ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં લીલી ઈયળ (હેલીયોથિસ)ના ઉપદ્રવનું પ્રમાણ વધતું જાય છે. મગફળીના પાકમાં લીલી ઈયળ (હેલીયોથિસ)ની ઇયળ કુમળા પાન અને નાની પૂંખો ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાય જવાથી છોડ ઝાંખરા જેવા દેખાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે. તેથી નવી કુંપણો ફૂટતી નથી. ચોમાસુ મગફળીમાં લીલી ઈયળ (હેલીયોથિસ)નો ઉપદ્રવ સપ્ટેમ્બર માસમાં અને ઉનાળુ મગફળીમાં એપ્રિલ માસના અંતમાં શરૂ થાય છે અને પાકની કાપણી સુધી રહે છે.

મગફળીના પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ :

લીલી ઈયળના નિયંત્રણ માટે કાર્બોરીલ 0.2 ટકા (10 લિટર પાણીમાં 40 ગ્રામ) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. પાંચ દિવસને અંતરે એન.પી.વી.ના ચાર છંટકાવ કરવાથી લીલી ઈયળ કાબુમાં રહે છે. હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાનો નાશ કરવો.

મગફળીમાં પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) :

પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) પણ બહુભોજી હોઈ ઘણા યજમાન પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતા નોંધાયેલ છે. પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)ના પુખ્ત આછા ભૂખરા રંગના હોય છે. ઈંડામાંથી નીકળતા શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે. શરીરના ઉપરની બાજુ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકાંથી પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) ની ઈયળો તરત જ ઓળખી શકાય છે. પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) ની શરૂઆતની અવસ્થાની ઈયળ પાનનો લીલો ભાગ અને કુમળા પાન ખાય છે. જયારે મોટી ઈયળો નસો સિવાય પાનના બધા જ ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે. ઉપદ્રવ વધુ હોય તો છોડની ફકત નશો જ જોવા મળે છે. બપોરના સમયમાં ઈયળ છોડના થડમાં આજુબાજુની જમીનની તિરાડમાં ભરાઈ રહે છે. ત્યારે રાત્રીના સમયે ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સોયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)નો ઉપદ્રવ વધુ હોય તો ઈયળ સોયા અને ડોડવામાં રહેલા દાણા ખાઈને પણ નુકસાન કરે છે.

મગફળીના પાકમાં પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)નું નિયંત્રણ

પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 25 મિ.લિ.) અથવા મિથોમાઈલ 0.05 ટકા (10 લિટર પાણીમાં 12.5 ગ્રામ) અથવા ડાયકલોરવોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 5 મિ.લિ.) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. જરૂર જણાય તો 10 થી 12 દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો. એન.પી.વી.નો છંટકાવ કરવો. હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમા પકડાતા નર ફૂદાંનો નાશ કરવો

મગફળીના પાકમાં સફેદ ઘૈણ :

મગફળીમાં સફેદ ઘૈણ
SOURCE : INTERNET

સામાન્ય રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બાજરી, મગફળી, જુવાર, મકાઈ, મરચી, શેરડી વગેરે પાકોમાં જયાં રેતાળ કે ગોરાડુ જમીન હોય ત્યા સફેદ ઘૈણનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘૈણના પુખ્ત બદામી રંગના હોય છે. જેને ઢાલિયા કીટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાવાળી હોય છે. આ ઈયળ શરૂઆતમાં મગફળીના બારીક મૂળ ખાય છે અને ત્યારબાદ મુખ્ય મૂળ ખાઈને નુકસાન કરે છે. ઈયળ મૂળને ખાઈ જતી હોવાથી છોડ ધીમે ધીમે સુકાઈને ચીમળાઈ જાય છે. ઈયળ ચાસમાં આગળ વધીને એક છોડને નુકસાન કર્યા બાદ બીજા છોડના મૂળ ખાવાનું શરૂ કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં વધતું જાય છે. ખેતરમાં મોટા ખાલા પડે છે.

મગફળીના પાકમાં સફેદ ઘૈણનું નિયંત્રણ :

સફેદ ઘૈણના જીવનક્રમ તથા નુકસાન કરવાની ચોક્કસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત કીટનાશક દવાઓથી થઈ શકે નહિ તેથી તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્વવવાળા વિસ્તારમાં નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે પગલાં લેવા ખૂબ જરૂરી છે.

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થાય બાદ ખેતરના શેઢા પાળા પરના તેમજ આજુબાજુ ના બધા જ ઝાડો ઉપર 0.2 ટકા કાર્બરીલ (10 લિટર પાણીમાં 40 ગ્રામ)નો છંટકાવ કરવાથી ઝાડ પર એકઠા થયેલા ઢાલિયાનો નાશ થાય. સાંજના સમયે ખેતરના શેઢા પાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયા નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો. ઉનાળામાં ઉડી ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત (ઢાલિયા) બહાર આવવાથી સૂર્ય તાપથી અથવા પરભક્ષીથી તેનો નાશ થશે. ઘૈણના ઢાલિયા પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી તેનો નાશ કરવો. કલોરપાયરીફોસ 20% EC અથવા કિવનાલફોસ 25% EC દવાનો 1 કિલોગ્રામ બીજ દીઠ 25 મિ.લિ. પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. ફોરેટ–10–G દાણાદાર દવા હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવી. એરંડીનો ખોળ હેકટરે 500 કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ સામે રક્ષણ મળે છે.

ઉભા પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ 20 EC હેકટરે 4 લિટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડ ન હોય તો પંપની નોઝલ કાઢી કલોરપાયરીફોસ (10 લિટર પાણીમાં 25 મિ.લિ.) દવાનું પ્રવાહી મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે અથવા કલોરપાયરીફોસ 4 લિટર દવા 5 લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પૂંખવી. ત્યાર બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.

મગફળીના પાકમાં ઉધઈ :

ઉધઈ એ અગત્યનું બહુ ફોજી કીટક છે. મગફળીના પાકમાં ઉધઈ છોડની ડાળી, ડોડવા કે મૂળ ખાઈને સીધું નુકસાન પહોંચાડે છે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ગોરાડુ કે હલકા પ્રકારની જમીનમાં વધુ જોવા મળે છે.

મગફળીના પાકમાં ઉધઈનું નિયંત્રણ :

ઉધઈના નિયંત્રણ માટે પાકની કાપણી બાદ પાકના જડીયા વીણી સમયસર નિકાલ કરવો. દિવેલા, લીંબોળી અને કરંજ ખોળ જમીનમાં આપવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે. જમીન પરના રાફડા ખોદી તેમાંથી માદા (રાણી) શોધી નાશ કરવો. રાણી ન મળે તો રાફડામાં કાણાં પાડી કાર્બન ડાઈ સલ્ફાઇડ અથવા મિથાઈલ બ્રોમાઈડ જેવા વાયુરૂપી ઝેર દાખલ કરી કાણા બંધ કરી દેવા. જેથી વાયુ રૂપી ઝેર અસરથી રાણી નો નાશ થશે. ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો પિયતના પાણી સાથે કલોરપાયરીફોસ 20 EC દર હેકટરે અઢી લિટર પ્રમાણે આપવી. કલોરપાયરીફોસ 20EC દવાનો 1 કિલોગ્રામ બીજ દીઠ 25 મિ.લિ. પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.

મગફળીની જીવાતો અને તેનું નિયંત્રણ

Post a Comment

0 Comments