પાટણના ડેર ગામનાં ગીતાબેને પશુપાલન કરીને 4 ગણો નફો મેળવ્યો.

પાટણના ડેર ગામના સફળ પશુપાલક ગીતાબેન
SOURCE : INTERNET

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. ખેડૂતની આવક બમણી થાય તેવા લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર દ્વારા કૃષિની સાથે સાથે પશુપાલન માટે પણ અનેકવિધ યોજનાઓ અમલીત છે. જિલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓની સાથે રહી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત એગ્રીકલ્ચરલ ટૅક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) એ પાટણના ડેર ગામના વતની ગીતાબેન પટેલ માટે આશાનું નવું કિરણ જગાવ્યું છે. ખેતી સાથે પશુ ઉછેર દ્વારા ગીતાબેને વર્ષે રૂ. ત્રણ લાખની આવક મેળવી છે.

પશુપાલનએ ગામડાઓમાં ખેતીનો પૂરક વ્યવસાય છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આજીવીકા વધારવાના મુખ્યસ્ત્રોત્ર તરીકે પશુ ઉછેર શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે બે વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા ગીતાબેન પટેલે ખેતી સાથે વધારાની રૂ.૦૩ લાખની આવક મેળવી છે. આંગણે માત્ર ૦૧ ગાયના પાલનથી શરૂઆત કરનાર ગીતાબેને માત્ર ચૌદ મહિના જેટલા ટૂંકા ગાળામાં બીજા પશુઓ ખરીદી હાલ ૨૩ પશુઓ થકી ૨૧,૫૦૦ લીટરથી વધુનું દૂધ ઉત્પાદન મેળવ્યું છે.

પોતાના પશુપાલન વ્યવસાય વિશે વાત કરતાં ગીતાબેન કહે છે કે, નવીન કૃષિ ટૅક્નોલોજી દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા બે વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ હતી. જ્યાં પ્રવાસ અને ક્ષેત્રિય મુલાકાતો દરમ્યાન ખેતીની સાથે પશુપાલન કરતાં ખેડૂતોના અનુભવો સાંભળ્યા બાદ આત્મા પ્રોજેક્ટ થકી પશુપાલન અંગે માહિતી, માર્ગદર્શન તથા તાલીમ મેળવ્યા બાદ ગીર ઓલાદની ગાય ઉછેરી, ત્યારબાદ તબક્કાવાર વધારે ગાયો તથા ભેંસો ખરીદી ખેતી સાથે દૂધ ઉત્પાદન દ્વારા વધારાની આવક મેળવી.

હાલ ગીર ઓલાદની ૦૧ ગાય, ૦૬ એચ.એફ. ગાય, તથા મહેસાણી ઓલાદની ૦૯ ભેંસોના ઉછેર થકી વાર્ષિક ૨૧,૫૦૦ લીટર દૂધનું ઉત્પાદન મેળવતા ગીતાબેનના તબેલામાં ૦૬ વાછરડા તથા ૦૨ પાડી સહિત કુલ ૨૪ પશુઓ છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન પશુપાલન પાછળ રૂ. ૧,૨૦,૦૦૦ના ખર્ચ સામે રૂ. ૪,૨૦,૦૦૦ની આવક મેળવી છે. ખેતીની સાથે સાથે પશુપાલન દ્વારા ગીતાબેને રૂ.૦૩ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. 

આત્મા પ્રોજેક્ટમાં તાલીમ મેળવ્યા બાદ ગીતાબેને પશુઓ માટે કૅટલ શૅડ ઉભો કર્યો છે. ઘાસના નાના ટુકડા, મીનરલ મિક્ષચર, ખાણદાણ સહિતના વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પશુ ખોરાક દ્વારા ગીતાબેને ખૂબ ટુંકા ગાળામાં વધુ દૂધ ઉત્પાદન મેળવ્યુ છે. ગામની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી મહિલા મંડળીમાંથી સહાય મેળવી ચાફકટર પણ વસાવ્યુ છે. પશુપાલનની આડપેદાશ એવા છાણિયા ખાતરનો પોતાના ખેતરમાં નાંખવા માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત તબેલામાં જ કમ્પોસ્ટ પીટ બનાવી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી ખેતીમાં તેનો ઉપયોગ કરે છે. જેના થકી કૃષિ પાક પાછળ થતા ખાતરના ખર્ચનો બચાવ કર્યો છે. 

કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિકાસમાં યોગદાન બદલ ગીતાબેન પટેલને આત્મા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮નો તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રૂ.૧૦,૦૦૦ના પુરસ્કાર, પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ આપી પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા પશુપાલન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરવા બદલ રાજ્ય સરકારે ગીતાબેનની સિદ્ધિને નવાજી છે. પશુપાલનના આ સફળ અનુભવને આગળ વધારી વધુ દૂધ ઉત્પાદન મેળવવા ગીર ઓલાદની વધુ 20 જેટલી ગાયો ખરીદવાનું ગીતાબેનનું આયોજન છે.

Post a Comment

0 Comments