ખાટી આમલી : સૂકા પ્રદેશમાં ઓછા ખર્ચે ઝાઝી કમાણી

ખાટી આમલી ભારતમાં સૂકા અને અર્ધ સૂકા પ્રદેશમાં જોવા મળતું વૃક્ષ છે. ખાટી આમલીનું પદ્ધતિસરનું વાવેતર મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ખાટી આમલીનો પાક સૂકા પ્રદેશના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ઓછા ખર્ચની સાથે ખૂબ જ સારું વળતર આપતો ફળ પાક છે. આ ઉપરાંત રોડ પર એવન્યુ તરીકે પણ તેનું વાવેતર જોવા મળે છે.
ખાટી આમલીની ખેતી
SOURCE : INTERNET

ઉપયોગ

આમલી તેના અપરિપક્વ અથવા પરિપક્વ ફળો માટે ઉગાડવામાં આવે છે. અપરિપક્વ ફળો ચટણી બનાવવામાં વપરાય છે. જ્યારે પાકાં ફળો દક્ષિણ ભારતીય શાકભાજી, રસમ વગેરેમાં ખટાશ ઉમેરવા માટે અગત્યનું ઘટક તરીકે વપરાય છે.

પાકાં ફળોમાંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બને છે. આમલીનો ખોરાકમાં નિયમિત ઉપયોગ મનુષ્યોમાં પથરીની બિમારીની શક્યતા ઘટાડે છે તેમજ આયુર્વેદમાં આમલીને પિત્તશામક તરીકે દર્શાવવામાં આવેલ છે. આમલી એક અગત્યના મસાલા તરીકે વાપરવામાં આવે છે. ફળના માવાને ખાંડ સાથે મેળવીને આમલીનાં લાડુ બનાવવામાં આવે છે. બીજને શેકીને અથવા બાફીને ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત બીજ કાંજી (સ્ટાર્ચ)ના સ્ત્રોત તરીકે કાપડ, કાગળ અને શણનો કાંજી ચઢાવવા માટે વાપરવામાં આવે છે.

આમલીની છાલ ચામડાં કમાવવામાં વાપરવામાં આવે છે. છાલનો ઉકાળો ઝાડાની દવા તરીકે ઉપયોગી છે. ફળનો માવો રસોઈમાં મસાલા તરીકે વાપરવામાં આવે છે. આમલીનાં બીજમાં પેક્ટીનનું પ્રમાણ ઊંચું હોય છે.

હવામાન

અર્ધશુષ્ક, વિષુવવૃત્તિય અને સમશીતોષ્ણ દેશોમાં ઉગાડી શકાય છે. તે વધારે વરસાદવાળા પ્રદેશોમાં પણ જો જમીનની નિતાર શક્તિ સારી હોય તો ઉગાડી શક્ય છે. આમલીના ફળ ધુમ્મસ સાથે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે ઠંડીમાં પાકતાં નથી, તેમને હૂંફાળું વાતાવરણ માફક આવે છે.

જમીન

ખાટી આમલીના પાકને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં ગોરાડુ, ક્ષારવાળી કોઈપણ પ્રકારની જમીન અનુકૂળ આવે છે ખાસ કરીને ગુજરાતમાં સૂકા વિસ્તાર જેવા કે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ વિસ્તાર જ્યાં વરસાદ નહિવત અથવા અનિયમિત અને જૂજ પ્રમાણમાં પડે છે અને ત્યાંની જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઓછી છે ત્યાં પણ ખાટી આમલીની ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે.

જાતો

સીલેકશનથી મેળવવામાં આવેલ કેટલીક જાતો મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં પદ્ધતિસરના વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. ખાટી આમલીમાં મીઠી જાતથી માંડી ખૂબ જ ખાટી જાત જેવી વિવિધતા જોવા મળે છે અને તેનું પદ્ધતિસરનું મૂલ્યાંકન અને સંશોધન થાય તે ખાસ જરૂરી છે.

મુખ્ય જાતો આ પ્રમાણે છે : ધારવાડ સીલેકશન-૧ અને ધારવાડ સીલેકશન-૨ (કર્ણાટક), PKM 1, PKM 2, પ્રતિષ્ઠાન - 1 તથા પ્રતિષ્ઠાન - 2 (મહારાષ્ટ્ર). સાલેમ સ્વીટ (તામિલનાડુ).
ખાટી આમલીની ખેતી વિશે સંપૂર્ણ જાણકારી

સંવર્ધન

સામાન્ય રીતે બીજથી સંવર્ધન થાય છે. આંખ કલમ દ્વારા કલમી રોપા તૈયાર કરી શકાય છે. સૂકા પ્રદેશ માટે નૂતન કલમ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

આ પદ્ધતિમાં એક વર્ષની ઉંમરના આમલીના રોપા ઉપર જ્યારે નવી ફૂટ ફૂટે ત્યારે પહેલાંથી તૈયાર કરેલ પસંદગીની જાતની ડાળીની કલમ દેશી છોડ પર કરવામાં આવે છે. આમલીમાં ઉનાળાની ઋતુ દરમિયાન જ્યારે નવી ફૂટ જોવા મળે છે ત્યારે નૂતન કલમ કરવાથી સારી સફળતા મળે છે.

રોપણી

આમલીનું વૃક્ષ ખૂબ જ વિશાળ કદ ધારણ કરે છે તેથી તે 10 અથવા 12 મીટરના અંતરે રોપવામાં આવે છે. આ માટે ઉનાળાની ઋતુ દરમિયાન 1મીટર ઊંડા ખાડા તૈયાર કરવામાં આવે છે. આ ખાડામાં ચોમાસાની શરૂઆતમાં માટીમાં 50 KG સારૂ કોહવાયેલું છાણીયું ખાતર ભરવામાં આવે છે. જૂન-જુલાઈ માસ દરમિયાન સારો વરસાદ થતાં આમલીના છોડની રોપણી કરવામાં આવે છે.

આંતરપાકો

આમલી ધીમે વૃદ્ધિ પામતું વૃક્ષ છે. તેને 10 મીટર જગ્યા ઢાંકતા લગભગ 15 વર્ષ જેટલો સમય જાય છે. આવા સંજોગોમાં ચોમાસા દરમિયાન લીલો પડવાશ અથવા યોગ્ય શાકભાજીના પાકો શરૂઆતનાં વર્ષોમાં ખર્ચનું વળતર મેળવવા લઈ શકાય છે. આંતર પાકની પસંદગી જે તે પ્રદેશના હવામાન પર આધારિત હોય છે.

ખાતર

કઠોળ વર્ગનો પાક હોવાથી તેને નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂરિયાત હોતી નથી પરંતુ છોડના થડ આસપાસ ખરતાં પાંદડા હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને છોડને ફાયદો થાય છે. છોડની રોપણી વખતે ખાડા દીઠ 200 ગ્રામ ડી.એ.પી. આપવું ફાયદાકારક હોય છે.

પિયત

આમલીના છોડને સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં શરૂઆતનાં વર્ષોમાં પિયત આપવું જરૂરી છે. છોડની ઉંમર બે વર્ષ ઉપર થયા બાદ ઉનાળા દરમિયાન પિયત આપવાની કાળજી લેવી જરૂરી છે.
ખાટી આમલીની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
SOURCE : INTERNET

ફળો આવવાની પ્રક્રિયા

આમલીમાં ફૂલો આવવાની પ્રક્રિયા મે-જૂન માસ દરમિયાન થાય છે અને ફળો ફેબ્રુઆરી-માર્ચ માસ દરમિયાન ઉતરે છે. બીજમાંથી તૈયાર કરેલ વૃક્ષ 13-14 વર્ષની ઉંમરે ફળ આવવાનું શરૂ કરે છે. પરંતુ કલમ કરેલા કે આંખ ચડાવેલાં છોડ 7-10 વર્ષે ફળ આપવાનું શરૂ કરે છે. જેમ જેમ ઝાડનું કદ અને ઉંમર વધે છે તેમ તેમ તેની ઉત્પાદક્તા વધે છે અને 6પ વર્ષ કરતાં વધારે વર્ષો સુધી સતત ઉત્પાદન આપે છે.

ફળ ઉતારવા

સામાન્ય રીતે ફળો ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન પાકે છે. તે વખતે કાતરા બહારની છાલ અંદરનાં ગર્ભવાળા ભાગથી છૂટી જાય છે. ફળો એક પછી એક અથવા ડાળીઓ હલાવી અને પાડીને એકઠા કરી લેવામાં આવે છે. ફળો ઉતારવાનાં સમયે લગભગ અર્ધ સૂકા હોય છે અને ખૂબ જ અમ્લતા કારણે બગડતા નથી.

ઉત્પાદન

પૂર્ણ વિકસીત વૃક્ષ વાર્ષિક 200-250 KG ઉત્પાદન આપે છે.

ફળોની વીણી પછીની માવજત

વીણી પછી ફળોને તડકામાં સૂકવવામાં આવે છે અને તેની બહારનું કઠણ કવચ દૂર કરવામાં આવે છે ત્યારબાદ આ ફળ બજારમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ફળમાંથી બીજ જુદી પાડી તેના લાડવા બનાવી બજારમાં વેચાણમાં આવે છે.

ફળનો માવો યુરોપ અને અમેરિકામાં ચટણી તથા મીટ સોસ બનાવવા માટે નિકાસ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ફળનો માવો સૂકા વાતાવરણમાં એક વર્ષ સુધી સારી રીતે સંગ્રહી શકાય છે. વાતાવરણમાં ભેજ વધારે હોય ત્યારે તે ખરાબ થઈ જાય છે. તે સિવાય ફળનાં માવાને 10% સુધી મીઠું ઉમેરીને પણ સાચવી શકાય છે.

રોગ જીવાત

આંબલીના વૃક્ષને કેટલીક જાતના સડાની અસર જોવા મળે છે, જેવા કે સેપ રોટ, બદામી સેપ સેટ, વ્હાઇટ રોટ વગેરે, ઘણીજાતના કીટકો જેવા કે, બીટલ, ઈયળ વગેરે છોડના વિવિધ અંગો અને ફળને નુકસાન કરે છે.

તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments