અન્યાય : સરકાર પશુપાલનને કૃષિનો હિસ્સો માનતી ન હોય પ્રાઇવેટ કંપનીઓ કરતાં ખેડૂતોની સહકારી મંડળીઓ 10% વધારે ટેક્સ ચૂકવી રહી છે.

કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગની સમસ્યાઓ અને બજેટ પ્રસ્તાવનાઓ અંગે ચર્ચા કરવા માટે તાજેતરમાં દૂધ ક્ષેત્રની તમામ મોટી ડેરીના હોદ્દેદારો અને દૂધ ક્ષેત્રના અન્ય હિતેચ્છુઓની એક બેઠક બોલાવી હતી.  બેઠકમાં દૂધ ઉત્પાદન, ઉપલબ્ધતા અને દૂધના ભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી બજેટમાં શામેલ કરવાના વિચાર સાથે દૂધ ક્ષેત્રને અને પશુપાલનને લગતી વિવિધ દરખાસ્તોની પણ ચર્ચા કરવામાં આવી હતી. 18.5 કરોડ ટન વાર્ષિક દૂધ ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને દૂધમાં આત્મનિર્ભર છે.  જો આપણે દૂધ સહિત પશુપાલનમાંથી મળેલી કુલ આવકનો અંદાજ કરીએ તો 28 લાખ કરોડ રૂપિયાના કૃષિ જીડીપીમાં દૂધ અને પશુપાલન ક્ષેત્રનો હિસ્સો આશરે 30 ટકા છે.  જો 2022 સુધીમાં ખેડૂતોની આવક કરવી હશે તો આ ક્ષેત્ર માટે યોગ્ય નીતિઓ બનાવી અને બજેટમાં પૂરતા નાણાંની ફાળવણી કરવી જરૂરી છે.

ભારતમાં સહકારી ડેરીઓની ભૂમિકા

આપણે આભાર માનવો જોઈએ કે દૂધ ક્ષેત્રે અમૂલ જેવી સહકારી ડેરીઓનું વર્ચસ્વ છે, જેના કારણે એક તરફ ગ્રાહકોએ દૂધના ખૂબ ઊંચા ભાવ ચૂકવવા પડતા નથી, બીજી તરફ દૂધ પર ખર્ચાયેલા એક રૂપિયામાંથી લગભગ 75 પૈસા ખેડૂતો સુધી પહોંચે છે.  સહકારી ક્ષેત્રની આ ડેરીઓ એ ખેડુતોનું પોતાનું સાહસ છે. જેનો નફો ખેડૂતોને ડિવિડન્ડના રૂપમાં ડેરીઓ પહોંચાડે છે. ગયા વર્ષે સરકારે સ્થાનિક કંપનીઓના આવકવેરાનો દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતોની આ સહકારી મંડળીઓ પરનો આવકવેરો 30 ટકાના સમાન દરે ચાલુ રહ્યો હતો.  આ ખેડુતો સાથેનો અન્યાય છે જેને તાત્કાલિક દૂર કરવો જ જોઇએ.

union budget 2020 expectations government should look into dairy sector to boost farmer income
SOURCE : INTERNET

નાણાકીય વર્ષ 2005-06 સુધી પ્રાઇવેટ કંપનીઓ પર 35% આવક વેરો વસૂલવામાં આવતો હતો ત્યારે સહકારી મંડળીઓ પર આવકવેરાનો દર 30 ટકા હતો.  2006-07 થી આવકવેરાનો દર બંનેમાં ઘટાડવામાં આવ્યો હતો.  સહકારી મંડળીઓને ફક્ત આવકવેરા પર સરચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ આ છૂટ 2014-15ના બજેટમાં નાબૂદ કરવામાં આવી. સ્પષ્ટ છે કે અગાઉ પ્રાઇવેટ કંપનીઓની તુલનામાં પાંચ ટકા ઓછા દરે આવકવેરો ભરતા ખેડુતોની આ સંસ્થાઓને આજે સરચાર્જ અને સેસ ઉમેરીને પ્રાઇવેટ કંપનીઓ કરતા આશરે 10 ટકા વધુ દરે આવકવેરો ભરવાની ફરજ પડી છે. આ બજેટમાં અગાઉની સિસ્ટમનો અમલ કરતાં ખેડુતોની સહકારી મંડળીઓ પર કંપનીઓનાં દરો કરતા પાંચ ટકા ઓછો આવકવેરો લાદવો જોઈએ.  એટલે કે આ સંસ્થાઓએ આગામી બજેટમાં વધુમાં વધુ 17 ટકા આવકવેરાની જોગવાઈ કરવી જોઈએ અને પહેલાની જેમ કોઈ સરચાર્જ ન હોવો જોઈએ. તેવી જ રીતે ઘી, માખણ, ફ્લેવર્ડ દૂધ જેવા સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા દૂધના ઉત્પાદનો પર 12 ટકાના જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવો જોઇએ. ઓછો ટેક્સ લાગવાથી આ દૂધમાંથી બનેલા ઉત્પાદનોની માંગ વધશે. જેનો લાભ સીધો જ ખેડૂતો સુધી પહોંચશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પશુ આહારના ભાવોમાં પણ વધારો થયો છે. જેના કારણે દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. ખેડૂતોને દૂધ ઉત્પાદનમાં ખોટ જવાથી માંદા પ્રાણીઓની સારવાર અને જાળવણી પાછળના ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ડીઝલના ભાવ અને મજૂરીમાં પણ વધારો થયો છે. જેની અસર દૂધના ભાવમાં જોવા મળી રહી છે. સરકારે બજેટમાં સસ્તો પશુ આહાર  અને સસ્તી પશુ સારવાર પ્રદાન કરવા તરફ પગલાં ભરવા જોઈએ. હાલમાં ભારતમાં લગભગ એક કરોડ રખડતા પશુઓ ફરે છે. જે ખેતરોમાં દુધાળા પ્રાણીઓનો લીલો ઘાસચારો ખાઈ જાય છે. તેઓ પશુઓના ખોરાકમાં વપરાતા અન્ય પાકને પણ નુકસાન પહોંચાડે છે. આનાથી દુધાળા પ્રાણીઓ માટે ઘાસચારો અને પશુઆહારની ઉપલબ્ધતા ઓછી થાય છે અને ઘાસચારો મોંઘો થાય છે અને દૂધ ઉત્પાદન ખર્ચ વધે છે.

વૃદ્ધ અને વાંઝીયા પશુઓનો વેપાર અને પરિવહન પણ આ દિવસોમાં ખૂબ જોખમી બન્યું છે. જેના કારણે પશુઓનું ખાસ કરીને ગાય વંશનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે. આ પશુઓને વેચીને ખેડુતો જે રકમ મળતી હતી તેનાથી નવા પશુઓ ખરીદતા અને તેમના હાલના દુધાળા પશુઓને જાળવી રાખતા હતા. મૂડીનો આ સ્રોત હવે લગભગ ખતમ થઈ ગયો છે. જેનું પરિણામ એક તરફ વધારે દૂધ ઉત્પાદન ખર્ચ સ્વરૂપે ખેડૂતોને, જ્યારે બીજી તરફ મોંઘા દૂધના સ્વરૂપમાં ગ્રાહકોને ભોગવવું પડી રહ્યું છે. તેથી બેકાર પશુઓના નિકાલ માટે બજેટમાં યોગ્ય પગલા ભરવા જોઈએ. નાણાકીય વર્ષ 2019-20નું બજેટ 27.86 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં પશુપાલન અને ડેરીને મળેલું નાનું બજેટ પણ પાછલા વર્ષના 3,273 કરોડ રૂપિયાથી ઘટીને 2,932 કરોડ કરાયું હતું. દૂધ ઉત્પાદન અને પશુપાલન ખેતીની આવકમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. તેથી તેનું બજેટ કૃષિ બજેટના ઓછામાં ઓછા 30 ટકા હોવું જોઈએ. પરંતુ પશુપાલનને કૃષિનો ભાગ માનવામાં આવતો જ નથી અને તેમાંથી થતી આવક પણ આવકવેરાને આધિન છે.

મોંઘી લૉનથી રાહત મળવી જોઈએ.

2012 સુધી રિઝર્વ બેંક ખેડુતોની સહકારી મંડળીઓને લોનને 'પ્રાથમિક ક્ષેત્રની કૃષિ લોન' તરીકે વ્યાખ્યાયિત કરતી હતી. પરંતુ 2012 થી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેના કારણે આ કૃષિ સંસ્થાઓએ મોંઘી લોન લેવાની ફરજ પડે છે. દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ ખેડૂત પરિવારો પશુપાલનમાં રોકાયેલા છે. જેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂત છે. સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો દૂધ ઉત્પાદનમાં અને પશુપાલનમાં સતત ખોટ થવાથી અથવા અન્ય કોઈ કારણોસર જો ખેડુતો પશુપાલન છોડી દેશે તો પહેલાથી જ સંકટનો સામનો કરી રહેલ કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા એક ઊંડા સંકટમાં ફસાઈ જશે.

Post a Comment

0 Comments