અમૂલની સ્થાપના પહેલાં સહકારી દૂધ મંડળીઓ માટે ખેડૂતોનો સંઘર્ષ

ભારતમાં પ્રાચીનકાળથી જ લોકો પશુપાલનનો વ્યવસાય કરતા આવ્યા છે. આપણા દેશવાસીઓ પાસે આ વ્યવસાય અંગેની કોઠાસૂઝ તથા સમજણ છે. આ એક વ્યવસાય છે કે જે મર્યાદિત મૂડીરોકાણ વડે શરૂ કરી શકાય છે અને તેમાં સ્ત્રી, પુરૂષ, બાળકો તથા વૃધ્ધો સૌ કોઈ સામેલ થઈ શકે છે. વળી આ વ્યવસાય નિર્દોષ, પ્રદૂષણમુક્ત તથા સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો વ્યવસાય છે અને તે આપણા દેશના કરોડ ગામવાસીઓને પોતાના ઘર આંગણે જ રોજગારી પૂરી પાડે છે. આથી શહેરીકરણથી ઉભી થતી સમસ્યાઓના નિવારણ માટે પણ તે ઉપયોગી છે. રાષ્ટ્રીય આવક તથા નિકાસની કમાણીમાં પણ તેનું મોટું યોગદાન છે. આવનાર દિવસોમાં દેશ સમક્ષ ઉભા થનાર પ્રશ્નોનો ઉકેલ આ વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે ચલાવવાથી પ્રાપ્ત થઈ શકે છે. આમ ખેતી અને પશુપાલનનો સંયુક્ત વ્યવસાય કરવામાં આવે તો ખેતી આબાદ બને અને ખેડૂત સમૃદ્ધ બને તેવા ઉજજવળ સંજોગો આપણે ત્યાં ઉપલબ્ધ છે.

ભારત તથા ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિનો વિકાસ 

ભારતમાં સને 1904માં સહકારી મંડળીઓ માટેનો કાયદો પસાર થયા બાદ કૃષિ ક્ષેત્રે શરૂ થયેલી આધુનિક સ્વરૂપની સહકારી પ્રવૃત્તિ ધીમે ધીમે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ પામી રહી હતી. લોકોમાં ધીમે ધીમે સહકારી પ્રવૃતિની ઉપયોગીતા વિષે સમજ કેળવાતી જતી હતી. દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં જોડાયેલ ખેડૂતો તથા પશુપાલકોને સંગઠિત બનવા તરફ લઈ જતી કેટલીક ઘટનાઓ બનતાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃતિના વિકાસ માટેનું વાતાવરણ તૈયાર થયું. 
The struggle of farmer before the establishment of Amul Dairy
SOURCE : INTERNET

ભારતમાં સને 1945 સુધીના સમયગાળામાં ખાનગી ક્ષેત્રે ડેરી ઉદ્યોગ વિકાસ પામી રહ્યો હતો. સને 1886માં સ્થાપાયેલ મિલિટરી ડેરી ફાર્મ, સને 1918 થી 1920 દરમ્યાન અમદાવાદમાં મિલ ઉદ્યોગનો વિકાસ થતાં શહેરીકરણનો વેગ મળતા વધેલી દૂધની માંગ, સીવ્સ ધ્વારા એકમે ડેરીની સ્થાપના, કોલ્હર તથા સુંદરજી દ્વારા ક્રીમ કાઢી લીધા પછીના સેપરેટ ઉપયોગ વડે કેસીન બનાવવાની શરૂઆત, પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત અને દૂધ અને દૂધની બનાવટની માંગમાં થયેલો વધારો, અમદાવાદ ખાતે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સેન્ટ્રલ ક્રિમીરી, સને 1929માં થયેલ ઈમ્પીરિયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનીમલ હસબન્ડરીની સ્થાપના, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની કરનાલ (હરિયાણા) ખાતે થયેલી સ્થાપના, અસલાલી ગામના શંકરભાઇ અને બાબુભાઈ દ્વારા મુંબઈ ઇંગલિશ ડેરી ફાર્મની સ્થાપના, પેસ્તનજી પોલ્સન દ્વારા આણંદમાં આધુનિક ડેરી સ્થાપના, બીજા વિશ્વયુદ્ધ પછી ડેરી ઉદ્યોગના વિકાસને મળેલો વેગ, આણંદ ખાતે સને 1940માં થયેલ કૃષિમહા વિદ્યાલયની સ્થાપના વગેરે જેવી ઘટનાઓએ દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપેલો.

આમ છતાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગની વિકાસ માટેની સંભાવના સને 1945 બાદ ઊભી થવા પામેલી. સને 1945માં મુંબઈમાં સર્જાયેલી દૂધની તંગીને પહોંચી વળવાના આશયથી એક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી. આ યોજના હેઠળ આણંદમાં ડેરી ચલાવતા પોલ્સનને મુંબઈની દૂધ તથા માખણની જરૂરિયાત પુરી પાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો. આથી પોલ્સને ખેડા જિલ્લામાં દૂધ ખરીદવાનો એકહથ્થુ ઈજારો પ્રાપ્ત થયો. પોલ્સનને મળેલા આ ઈજારાનું પરિણામ ખેડૂતોના શોષણમાં આવ્યું. દૂધના ધંધામાં રહેલી હરીફાઈને કારણે ખેડૂતોને દૂધના વ્યાજબી ભાવ મળતા બંધ થયા. વળી દૂધના ધંધામાં દાખલ થયેલા વચેટિયા પણ ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા. ખેડૂતો માટે દૂધનો વ્યવસાય હવે ખોટનો વ્યવસાય બનતો જતો હતો. આવા સંજોગોમાં ખેડૂતોના ઉભા થયેલા પ્રશ્નો હલ કરવા તે સમયના ખેડૂતો તથા સામાજિક કાર્યકરો ચિંતિત બન્યા હતા.

અમૂલ ની સ્થાપના 

સને 1942માં શ્રી સરદાર પટેલે ખેડા જિલ્લાના સામાજિક કાર્યકરોને પત્ર દ્વારા જણાવેલુ કે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો એક જ માર્ગ છે અને તે છે સહકારી ધોરણે ડેરી ઉદ્યોગ સ્થાપવાનો. સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલ આ નિર્દેશ બાદ ખેડા જિલ્લાના સામાજિક કાર્યકરો આ દિશામાં વિચારતા થયા અને તારીખ 4 જાન્યુઆરી 1946ના રોજ શ્રી મોરારજી દેસાઈના અધ્યક્ષપદે ખેડા જિલ્લાના સમારખા ગામમાં વૃક્ષના છાયામાં દૂધ ઉત્પાદકોની સૌ પ્રથમ મિટીંગ ભરાઈ. આગેવાનોએ ઉપસ્થિત ખેડૂતોને 'વિના સહકાર નહિ ઉધ્ધાર' સૂત્રની સમજૂતી આપી અને સર્વાનુમતે સહકારી ધોરણે ડેરી શરૂ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ મીટિંગમાં મોરારજી દેસાઈએ ખેડૂતોને મુખ્ય બે બાબત પર ભાર આપીને સમજાવ્યા. (1) મુંબઈ દૂધ મોકલવું નહિ અને (2) દૂધ મંડળીઓની સ્થાપના કરવી.

દૂધ ઉત્પાદકો સહકારી ધોરણે ડેરી વ્યવસાય શરૂ કરવાનું વિચારે છે તે જાણી દૂધના ખાનગી વ્યાપારીઓ દ્વારા કરાયેલા દબાણના લીધે 'ગ્રેટર બોમ્બે મિલ્ક સ્કીમ' દ્વારા દૂધ મંડળી પાસેથી દૂધ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું. આ અંગે રજૂઆત કરવા સહકારી કાર્યકરો સરકારને મળ્યા. પરંતુ સરકારે તેની વાત નકારી કાઢી. સરકારના આવા વલણથી હતાશ થયેલા ખેડૂતોએ દૂધની હડતાલ પાડી જે 15 દિવસ સુધી ચાલી. ખેડૂતોએ એક ટીપુંય દૂધ પણ વેપારીઓને નહિ આપવાનું નક્કી કરેલું. પરિણામે આણંદથી મુંબઈ જતું દૂધ સદંતર બંધ થઈ ગયું અને સરકારની દૂધ યોજના પડી ભાંગી. આથી મુંબઈ સ્થિત મિલ્ક કમિશ્નર પોતાના મદદનીશ સાથે આણંદ આવ્યા અને ઊભી થયેલી પરિસ્થિતિનો અભ્યાસ કરી ખેડૂતોની માંગણી સ્વીકારી અને દૂધના ધંધામાં રહેલા વચેટીયાઓને દૂર કરવાનું નક્કી થયું. આ ઘટનાએ ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી વ્યવસાયને એક નવો જ વળાંક આપ્યો.

આ સમયે શ્રી ત્રિભુવનદાસ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોના પ્રયાસોથી તારીખ 14 ડિસેમ્બર, 1946ના રોજ 'ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ' રજીસ્ટર્ડ થયો. જો કે આ અગાઉ પણ ભારતમાં સહકારી ધોરણે દૂધના વ્યવસાયની શરૂઆત થઈ હોવાના ઉલ્લેખ મળેલ છે જેમ કે ઉત્તરપ્રદેશમાં લખનૌ તથા ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સને 1939માં આવી મંડળીઓ શરૂ થયેલી.

ખેડા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ શરૂ થયા બાદ ખેડા જિલ્લાના નાના નાના ગામમાં પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના થવા લાગી. આવી મંડળીમાં દૂધ એકત્ર થવા લાગ્યું. આથી સંઘના દૂધ એકત્ર કરવા તથા એકત્ર થયેલ દૂધ લોકો સુધી પહોંચાડવાની સમસ્યા ઊભી થવા પામી. આમ છતાં સહકારીતાને સમર્પિત કાર્યકરોએ આવી મુસીબતોથી ડર્યા વિના જેમ જેમ પ્રશ્નો ઉભા થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવતા ગયા.

'અડગ નિર્ધાર અને દ્રઢ મનોબળ હોય તો ગમે તેવા કઠીન સંજોગોમાં પણ માર્ગ મળી આવે છે.' તે અનુસાર પ્રથમ વિશ્વ યુદ્ધના સમયની ભારત સરકારના માલિકીની આણંદ ખાતેની ક્રિમિરી જે નિષ્ક્રિય હાલતમાં પડી રહેતી હતી તેની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે માંગણી મૂકી. મુંબઈ સરકારે આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. પરિણામે સને 1950માં આ ક્રીમરી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને ફાળવવામાં આવી અને તારીખ 1 એપ્રિલ 1950થી ડૉ. વર્ગીસ કુરિયન અમૂલના મેનેજર તરીકે જોડાયા. આમ, દૂધ ઉત્પાદકોની વફાદારી, શ્રી વર્ગીસ કુરિયનના પુરુષાર્થ સ્વરૂપે આજની અમૂલ ડેરી અસ્તિત્વમાં આવી.

સહકારી દૂધ મંડળીની રચના :

ડિસેમ્બર 1946માં અમૂલની સ્થાપના થયા બાદ ગ્રામીણ કક્ષાએ પણ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીની રચના કરવાની કામગીરી અમૂલના તે વખતના ચેરમેન શ્રી ત્રિભુવનદાસ પટેલે ઉપાડી લીધી. તે ગામડે ગામડે જઈ ખેડૂતોની સભાઓ યોજતા અને ખેડૂતોને દૂધ મંડળીનો લાભ સમજાવતા. આમ ગામડાઓમાં દૂધ મંડળીની સ્થાપના માટે લોક જાગૃતિ કેળવાયા બાદ અમૂલના અધિકારીઓની મદદથી આ અંગેની કામગીરીનો વ્યવસ્થિત રીતે પ્રારંભ થયો. પરિણામે ખેડા જિલ્લાના ગામડે ગામડે દૂધ મંડળી શરુ કરવાના વિચારો ફેલાયા. સૌ પ્રથમ હાડગુડ અને ગોપાલપુરા એમ બે ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી થવા પામી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ધ્વારા જૂન 1948 થી દૈનિક 250 લિટર દૂધથી રુપાંતરની કામગીરી શરૂ કરવામાં આવી. દૂધ ઉત્પાદકોને દૂધના કાયમી બજારની ખાત્રી મળી. દૂધના ધંધામાં રહેલ વચેટિયાઓનો વર્ગ દૂર થતાં દૂધ ઉત્પાદકોનું શોષણ થતું અટક્યુ. ખેડૂતોને આવા આર્થિક લાભ મળવાના શરૂ થતાં તેમના ઉત્સાહમાં વધારો થયો અને સને 1948ના અંતે દૂધના એકત્રિકરણનું પ્રમાણ 250 લિટરથી વધીને દૈનિક 5000 લિટરે પહોચ્યું તથા સંઘ દ્વારા સરકારની આણંદ ક્રિમિરીનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો.

સને 1949માં મીશીગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એન્જિનિયર થયેલા શ્રી વર્ગીસ કુરિયનની નિમણુંક ભારત સરકાર દ્વારા ઇમ્પિરિઅલ ક્રિમિરી ચલાવવા માટે કરવામાં આવી. તેમને સોંપવામાં આવેલ સરકારી કામગીરીની મુદત પૂરી થતા તેમણે અન્ય સ્થળે જવાનો વિચાર કર્યો પરંતુ શ્રી ત્રિભુવનદાસ પટેલના આગ્રહને કારણે ડૉ. કુરિયન અમૂલમાં કામ કરવા તૈયાર થયા. વળી આ અરસામાં જ અમેરિકામાં ડેરી ટેકનોલોજીની તાલીમ પામેલા શ્રી એચ. એમ. દલાયા પણ અમુલમાં જોડાયા. અમુલ દ્વારા પોતાનો પેર્ચ્યુરાઈઝડ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો અને ડેરીની ક્ષમતા વધીને એપ્રિલ 1950ના અંતે દૈનિક 35000 લિટર સુધી પહોંચી.

Post a Comment

0 Comments