વાલ પાપડી (ઝાલર)ની ખેતી અંગે સંપૂર્ણ માહિતી

વાલ પાપડી કે જેને ઝાલર તરીકે ઓળખવામાં આવે છે જેનું સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર સિવાય રાજયભરમાં વાવેતર થાય છે. વાલ પાપડીમાં રહેલાં પોષક તત્વોની માત્રા અને ગુણધર્મ વાલોળ જેવાં વત્તાઓછાં પ્રમાણમાં તેટલી જ માત્રામાં રહેલા હોય છે. વાલની શિંગનો દેખાવ અને દાણાનું કદ અને તેમાં રહેલાં પોલીફીનોલીક તત્વો ની વધઘટ પ્રમાણે વાલ પાપડીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. 1)જાલર 2)પાપડી

lab lab bean farming. Jalar Papdi
SOURCE : INTERNET

1) જાલર 

આ પ્રકારના વાલના છોડ વિપરીત પરિસ્થિતિમાં ખાસ કરીને ભેજની ખેંચ હોય તો પણ તેનો જીવનકાળ પૂર્ણ કરે છે અર્થાત સુષ્ક પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે છે. 

આ જાતના છોડના પાન પ્રમાણમાં ગાઢા લીલા અને બરછટ હોય છે. થડ અને ડાળી પણ ગાઢા લીલા રંગની હોય છે. આ જાતના ફૂલ ટૂંકા પુષ્પવિન્યાસ પર સમૂહમાં થડે અને ડાળી પરની ગાંઠ આગળ આવતા હોય છે. સામાન્ય ફૂલ સફેદ રંગના હોય છે. શીંગો ગાઢા લીલા રંગની, મધ્યમ લંબાઈની અને વિશેષ પ્રમાણમાં રેસાવાળી સખ્ત હોય છે. આ જાત લીલા તેમજ સુકાદાણામાં અપચો અને ગેસ પેદા કરતા લેકટીન જેવા પોલીફીનોલિક તત્વોનું પ્રમાણ વિશેષ હોય છે. આ જાત રોગ અને જીવાત સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતની લીલી ભરેલી શીંગોની ખાસ માંગ માટલા ઊંધિયું (ઉંબાડિયું) બનાવવા માટે છે. જયારે સુકા દાણા સામાજિક પ્રસંગોએ જમણવારમાં કઠોળ બનાવવા માટે વિશેષ માંગ રહેતી હોય છે. આમ ઝાલર એ શાકભાજી તેમજ કઠોળ બન્ને હેતુ માટે ઉપયોગી છે.

આ પાકની ખેતી સામાન્ય રીતે ચોમાસું ડાંગરની કાપણી પછી જ્યારે જમીનમાં વધેલા ભેજમાં બિનપિયત રવી પાક તરીકે કરવામાં આવે છે.
 

lab lab bean farming. Jalar Papdi
SOURCE : INTERNET

2) પાપડી

વાલ પાપડીને સુરતી પાપડી તરીકે ઓળખવામાં આવે છે. આ જાતના છોડ પ્રમાણમાં સુંવાળા હોય છે. પાન મધ્યમ કદના આછા લીલા રંગના સુંવાળા હોય છે. છોડ ઉપર સફેદ ફૂલ લાંબા પુષ્પવિન્યાસમાં વહેંચાઈને આવે છે. શીંગો બે થી પાંચ દાણાવાળી, મધ્યમ લંબાઈ અને પહોળાઈવાળી હોય છે. શીંગની છાલ ઓછા રેસાવાળી સુંવાળી સફેદ પડતા આછા લીલા રંગની હોય છે. સિંગમાં દાણા મધ્યમ કદના આછા લીલા રંગના હોય છે.

આ જાતમાં અપચો અને ગેસ કરનાર લેકટીન જેવા પોલીફીનોલિક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, જેથી આખી શીંગ તેમજ લીલા દાણા શાકભાજી તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. આ વાલ પાપડીની મુખ્યત્વે માંગ શાકભાજી માટે તેમજ ઊંધિયું બનાવવા માટે રહેતી હોય છે. ઝાલરની સરખામણીમાં આ પાક સુવાળી હોવાથી વિપરીત પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકતી નથી અને પ્રમાણમાં રોગ-જીવાત વધારે આવતા હોય છે. આ પાકની ખેતી અર્ધ રવિ પાક પિયત પાક તરીકે કરવામાં આવે છે.

વાલ પાપડીના પાક માટે વાવણી સમય અંતર અને પદ્ધતિ સિવાયના આબોહવા, જમીન અને જમીનની તૈયારી, રાસાયણિક ખાતર, પાક સંરક્ષણનાં પગલા તેમજ અન્ય ખેતી કાર્યો વાલોળ પ્રમાણે કરવાના હોય છે.
 

વાવણી સમય, અંતર અને પદ્ધતિ

વાલ પાપડીની સામાન્ય રીતે સપ્ટેમ્બર માસ દરમિયાન વાવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે જાતની વૃદ્ધિની ખાસિયત પ્રમાણે બે હરોળ વચ્ચે 0.90 થી 1.20 મીટર અને એક હરોળ બે છોડ વચ્ચે 0.50 થી 0.75 મીટર અંતર રાખવામાં આવે છે. ખૂબ નિયંત્રિત વૃદ્ધિ વાળી જાતો 0.45 મીટર X 0.30 મીટર અંતર રાખી વાવણી કરવામાં આવે છે. આ પાકની ખુલ્લા ખેતરમાં ખેતી કરવામાં આવે છે. તેના છોડની વૃદ્ધિ વાલોળની સરખામણીમાં ઓછી હોય છે અર્થાત નિયંત્રિત કે અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળો પાક છે. જેથી છોડ જમીન પર આડા પથરાતા હોવાથી આ પાકને ફિલ્ડબીન તરીકે ઓળખવામાં આવે છે.
 

સુધારેલ જાતો

1) ઈડર પાપડી
આ જાતનું ખાસ વાવેતર સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ જાત અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળી છે. જેથી મંડપ ઉપર ચડાવવામાં પણ ખાસ અનુકૂળ છે. આ જાતના ફુલનો રંગ સફેદ શીંગો લાલાશ પડતી આછા સફેદ રંગની છે. શીંગ ટૂકી સાધારણ પહોળી અને ત્રણ થી ચાર દાણાવાળી છે. દાણાનો રંગ આછા લીલા રંગનો સફેદ છે. આ જાતાં લાંબા પ્રકાશના દિવસોમાં તેમજ સાધારણ ઊંચા તાપમાને પણ ફૂલ અને શીંગો આવવા ની ક્ષમતા ધરાવે છે જેથી ચોમાસાના વાવેતર માટે પણ અનુકૂળ જાત છે. આ જાત ની શીંગોની છાલ સાધારણ રેસાવાળી સખત હોવાથી આખી શીંગોનો છાલ સાથે શાક બનાવવા ઉપયોગ કરી શકાતો નથી.
 
2) ગુજરાત પાપડી-1
આ જાત ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ છે. જે દેશી પાપડી તેમજ ઈડર પાપડી કરતા 15-20 ટકા વધારે ઉત્પાદન આપે છે. છોડ મધ્યમ લંબાઈના, અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળા છે. આ જાતના ફુલ સફેદ રંગના અને શીંગો આછા લીલા રંગની મધ્યમ લંબાઈની, ચપટી, મધ્યમ કદના ચાર દાણા વાળી હોય છે. આ જાતની શીંગોની છાલ સાધારણ રેસાવાળી સખત હોવાથી આખી શીંગોનો છાલ સાથે શાક બનાવવામાં ઉપયોગ કરી શકાતો નથી.

3) સુરતી પાપડી
મધ્ય અને દક્ષિણમાં વિશેષમાંગ ધરાવતી અને વાવેતર હેઠળની જાત છે. આ પાપડીને ઉંધિયા પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના ફુલ સફેદ રંગના હોય છે. જ્યારે છોડ અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળા છે. શીંગો મધ્યમ લંબાઈની પાતળી ભરાવદાર હોય છે. જેનો રંગ લાલાશ પડતો સફેદ હોય છે. શીંગની છાલ અતિ સુંવાળી હોવાથી દાણાનો વિકાસ થયા પછી પણ રેસા વગરની સુંવાળી રહે છે જેથી શીંગોને છાલ સાથે ટુકડા કરી ઉપયોગમાં લઈ શકાય છે. શીંગમાં ત્રણ થી ચાર લાલાશ પડતા સફેદ રંગના મધ્યમ કદના દાણા હોય છે.

4) કતારગામ પાપડી
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં કતારગામ આજુબાજુના વિસ્તારમાં વવાતી જાત છે. આ જાતની ઊંધિયું બનાવવા માટે વિશેષ માંગ હોય છે. બધી જાતની પાપડી કરતા આના બજાર ભાવ ઊંચા રહે છે. આ જાતના છોડ મધ્યમ ઊંચાઈના અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળી હોય છે. શીંગ મધ્યમ લંબાઈની બે થી ત્રણ મધ્યમ કદના દાણાવાળી જાત છે. આ જાતના ફૂલનો રંગ સફેદ હોય છે. શીંગ આછી લીલાશ પડતા સફેદ રંગની અને દાણાનો રંગ પણ લાલાશ પડતો સફેદ હોય છે.

Post a Comment

0 Comments