ગુજરાત અને ભારતની સૌથી વધુ દૂધ આપતી ભેંસો વિશે સંપૂર્ણ માહિતી

ગુજરાત અને ગુજરાત બહારની દૂધ ઉત્પાદનમાં મોખરે ભારતીય ભેંસોના દેખાવ, તેની શરીર રચના, તેના દૂધ ઉત્પાદન ઉપરાંત તેની વિશેષતાઓ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

ગુજરાતની ભેંસોની ઓલાદો

1) જાફરાબાદી ભેંસ

Jafrabadi Buffalo
SOURCE : INTERNET

જાફરાબાદી ભેંસોનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડ્યું છે. જાફરાબાદી ભેંસને કાઠીયાવાડી તથા સોરઠીના નામે પણ લોકો સંબોધે છે. આ ભેંસ જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાયેલી જોવા મળે છે.

જાફરાબાદી ભેંસના શારીરિક લક્ષણો

જાફરાબાદી ભેંસના જાનવર આપણાં દેશની અન્ય ભેંસોની સરખામણીમાં મોટા કદના અને વજનમાં ભારે હોય છે. તેનો રંગ મેષ જેવો કાળો હોય છે અને ચામડી જાડી અને ઓછા વાળવાળી હોય છે.  જાફરાબાદી ભેંસનું માથું ભારે અને ઉપસેલા કપાળવાળું હોય છે, આ કારણે આખો જીણી અને ઊંડી ઉતરેલી હોય છે. જાફરાબાદી ભેંસના શિંગડા ભારે, લાંબા, પહોળા અને ચપટા હોય છે અને નીચે જઈ બાજુએ વળેલા અને અણીઓ ઉપરની તરફ જતી હોય છે. કાનના મૂળ શીંગડા પાછળ ઢંકાયેલા હોય છે.

જાફરાબાદી ભેસોની ગરદન (ડોક), જાડી, પહોળી અને લાંબી જોવા મળે છે. શરીરની લંબાઈ વધુ તેમજ પહોળું તથા ચરબીયુક્ત શરીર જોવા મળે છે. જાફરાબાદી ભેંસના આગળના બે પગ વચ્ચે આવેલ હડાની કોથળી માંસાળ અને ચરબીથી ભરેલ હોય છે. શરીરના પ્રમાણમાં પગ મજબૂત તથા જાડા હાડકાવાળા પરંતુ લંબાઈમાં થોડા ટૂંકા જોવા મળે છે.

જાફરાબાદી ભેંસની પીઠ સીધી હોય છે. પેટ મોટું કદાવર હોય છે અને પાછળના થાપા મોટા અને બાજઠ જેવા પહોળા હોય છે, પૂંછડું લાંબુ, પાતળું અને ચરકડીનું હાડકું થાપાના ઉપરના ભાગમાં મધ્યમાંથી નીકળતું હોય છે.

જાફરાબાદી ભેંસના આર્થિક લક્ષણો

જાફરાબાદી ભેંસોની પ્રથમ વિયાણની ઉંમર 50 થી 55 મહિનાની છે. આ ભેંસો એક વેતરમાં 320-350 વૈતરાઉ દિવસોમાં સરેરાશ 2000-2100 લિટર જેટલું દૂધ આપે છે. જાફરાબાદી ભેંસના બે વિયાણ વચ્ચેનો ગાળો 16 થી 18 માસનો કહેવાનું નોંધાયેલ છે.

2) સુરતી ભેંસ

Surti Buffalo
SOURCE : INTERNET

સુરતી ભેંસનું મૂળ સ્થાન આણંદ જિલ્લો તથા તેની નજીકના ખેડા અને અમદાવાદ જિલ્લો છે, સુરતી ભેંસ નડીયાદી, ચરોતરી અને ગુજરાતી ભેંસના નામે પણ ઓળખાય છે. આ ભેંસો અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે. પરંતુ નમુનેદાર ભેંસ ચરોતર વિસ્તારમાં મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશ-આણંદ, નડીયાદ, બોરસદ અને પેટલાદ તાલુકામાં જોવા મળે છે.

સુરતી ભેંસના શારીરિક લક્ષણો

સુરતી ભેંસો મધ્યમ કદની અને પાસાદાર બાંધાની હોય છે. સુરતી ભેંસનો રંગ ભૂરાથી માંડીને કાળો હોય છે, નમુનેદાર ભેંસને એક જડબુ નીચે ગળા પર અને બીજો આગલા બે પગની નજીક કડા પર એમ બે એકથી બે ઇંચ પહોળા ગળપટ્ટા હોય છે. માથું ગોળ અને નાનું હોય છે. શીંગડા ટૂંકા, ચપટા અને દાતરડા જેવા હોય છે, કાન મધ્યમ કદ અને આડા આકા વાળા હોય છે, પીઠ સીધી હોય છે. બાવલું ચોરસ, મધ્યમ કદનું તથા આંચળ સમાંતરે ગોઠવાયેલ હોય છે. સુરતી ભેંસની પુખ્ત વયની ભેંસ સરેરાશ 400 થી 450 કિ.ગ્રા.ની, જયારે પાડો સરેરાશ 450 થી 500 કિ.ગ્રા.નો હોય છે, તાજા જન્મેલા પાડીયા 25 થી 27 કિ.ગ્રા. વજન ધરાવે છે.

સુરતી ભેંસના આર્થિક લક્ષણો

સુરતી ભેંસ દૂધ ઉત્પાદનની ક્ષમાતા (કદ નાનું હોવાથી) માટે દેશમાં જાણીતી છે. સુરતી ભેંસની પ્રથમ વિયાણની વખતની ઉમર 42 થી 48 માસની હોય છે. આ ભેંસ તેના એક વેતરમાં સરેરાશ 1200 થી 1500 લિટર દૂધ આપે છે. સુરતી ભેંસના દૂઝણી દિવસો લગભગ 300 અને વસુકેલા દિવસો લગભગ 150 જેટલા હોય છે. સુરતી ભેંસના બે વિયાણ વચ્ચેનો ગાળો 15 થી 18 માસ જેટલો હોય છે.

3) મહેસાણી ભેંસ

Mahesani Buffalo
મહેસાણી ભેંસ મુરાહ ભેંસ અને સુરતી ઓલાદની ભેંસોના સંકરણથી ઉદ્દભવી છે. મહેસાણી ભેંસનું વતન મહેસાણા હોય આ ભેંસ મહેસાણી તરીકે ઓળખાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં આ ભેંસ જોવા મળે છે. આ ઉપરાંત મુંબઈ, પુના જેવા મોટા શહેરોમાં દૂધ ઉત્પાદન વ્યવસાય અર્થે મહેસાણી ભેનિભાવવામાં આવે છે.

મહેસાણી ભેંસના શારીરિક લક્ષણો:

મહેસાણી ભેંસ શુદ્ધ ઓલાદ નહીં હોવાથી બધા જાનવરમાં એકસરખા લક્ષણો જોવામાં આવતા નથી. કેટલાક જાનવર મુરાહ ઓલાદના તો કેટલાકમાં સુરતી ઓલાદના લક્ષણો મળતા આવે છે, તો કેટલાકમાં બંને ઓલાદનું સામ્ય ધરાવતા હોય છે, તેમના કેટલાક સર્વ સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે.

મહેસાણી ભેંસ, મુરાર્હ કરતા કદમાં નાની પણ વધુ લંબાઈ ધરાવે છે અને ભારે માથાવાળી હોય છે.

તે રંગે કાળી, ભૂરી તેમજ ચાંદની હોય છે. મહેસાણી ભેંસના શીંગડા સુરતી ભેંસોના શીંગડા જેવા ચપટા, દાંતરડા આકારના પણ તેના કરતાં લાંબા અને અણી આગળ વધુ વળેલા હોય છે.

મહેસાણી ભેંસની ઓલાદનો પુખ્તવયનો પાડો સરેરાશ 550 થી 600 કિ.ગ્રા. અને પુખ્ત ભેંસો 425 થી 450 કિ.ગ્રા. વજનની હોય છે. તાજા જન્મેલા પાડીયા 28 થી 35 કિ.ગ્રા. વજન ધરાવે છે.

મહેસાણી ભેંસના આર્થિક લક્ષણો:

મહેસાણી ઓલાદની ભેંસમાં મુરાહ અને સુરતી બંને ઓલાદોના ઉપયોગી આર્થિક લક્ષણોનો સુમેળ સધાયેલો છે, તેથી મહેસાણી ભેંસ સારા પ્રમાણમાં દૂધ આપે છે. જાનવરો નમ્ર સ્વભાવના તેમજ મધ્યમ કદ ધરાવતા હોય તેની માંગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેના આર્થિક લક્ષણો નીચે મુજબ છે.

મહેસાણી ભેંસની પ્રથમ વિયાણ વખતની ઉમર 45 થી 48 માસ હોય છે. આ ભેંસ તેના વેતરમાં સરેરાશ 1700 થી 1800 લિટર દૂધ આપે છે. મહેસાણી ભેંસના દુઝણા દિવસો સરેરાશ 310 અને વસુકેલા દિવસો 120 થી 150 દિવસ હોય છે. તેના બે વિયાણ વચ્ચેનો ગાળો 15 થી 16 માસ હોય છે.
 

4) બન્ની ભેંસ

Bunni Buffalo
SOURCE : INTERNET

કચ્છના માલધારીઓ માટે આજીવિકાના આધાર સમી બન્ની ભેંસ, કચ્છના બદલાતા વાતાવરણમાં દુષ્કાળની પરિસ્થિતિમાં ટકી રહે તેવી તથા ખોરાકી ખર્ચની પ્રમાણમાં વધુ વળતર આપનાર અમૂલ્ય સંપદા છે.

બન્ની ભેંસના શારીરિક લક્ષણો:

બન્ની ભેંસ મધ્યમથી મોટા કદની, મજબૂત બાંધો ધરાવતી મહંદઅંશે કાળા રંગની ભેંસો છે, માથા સાથે 90નો ખૂણો બનાવી ડબલ કુંડળી જેવા ગોળાકાર શીંગડા હોય છે. આ ભેંસ નાના અને મજબૂત પગ ધરાવે છે અને કૂલાનો ભાગ પહોળો ઉપરની તરફ વિકસેલો હોય છે. બન્ની ભેંસ વિકસિત બાવળું અને આંચળ ધરાવે છે.

બન્ની ભેંસના આર્થિક લક્ષણો

બન્ની ભેંસ સરેરાશ દૈનિક 8 થી 10 લિટર દૂધ આપે છે. આ ભેંસની પ્રથમ વિયાણ વખતની ઉંમર 40 થી 45 માસ અને તેનો સર્વિસ ગાળો 60 થી 90 દિવસનો હોય છે. બન્ની ભેંસના બે વિયાણ વચ્ચેનો ગાળો 12 થી 14 માસનો હોય છે અને તેનો વસુકેલ ગાળો 70 થી 80 દિવસનો હોય છે.

ગુજરાત રાજ્ય બહારની ભારતીય ભેંસો

1) ભડાવરી ભેંસ

Bhadawari Buffalo
SOURCE : INTERNET

ભળાવરી ભેંસ ઉત્તરપ્રદેશ રાજયના માઝા, ઈટાવા અને ઝાંસી જિલ્લા તથા મધ્યપ્રદેશ રાજયના ગ્વાલિયર, મોરેના, શિવપુરી અને ગુના જિલ્લાઓમાં જોવા મળે છે. જમુના અને ચંબલ નદીના કાંઠા વિસ્તારમાં ભડાવરી ભેંસોની વસ્તી વધુ જોવા મળે છે. ભડાવરી ભેંસ નાના-મધ્યમ કદની હોય છે પરંતુ દૂધમાં ફેટની ટકાવારી વધુ જોવા મળે છે. કેટલીક ભેંસોમાં તો 13% જેટલી ફેટ દૂધમાં જોવા મળેલ છે.

ભળાવરી ભેંસોનું શરીર ફાચર આકારનું એટલે કે આગળથી જોતાં સાંકડુ અને બરડો - પેટના ભાગે પહોળું હોય છે. માથું નાનું અને કપાળ ઢળતું તથા ઉપસી આવેલું હોય છે. પાછલા પગ જાડા તથા આગલા પગ કરતાં લંબાઈમાં મોટા હોય છે. શીંગડા લાંબા, ચપટા અને મધ્યમ જાડાઈના તથા કાપા ધરાવતા હોય છે. શીંગડા ગરદન સુધી સીધા જઈ પછી ઉપર ની તરફ વળે છે અને ત્યાર બાદ અણીદાર છેડા આગળ અંદરની તરફ વળે છે. પૂંછડી પાતળી, લાંબી અને ગોઠણથી નીચે સુધી પહોંચતી હોય છે. બાવલું મધ્યમ કદનું હોય છે. ચાર આંચળ મધ્યમ લંબાઈ ના પરંતુ અસમાન લંબાઈ ધરાવતા હોય છે. ચામડીનો રંગ તાંબા જેવો હોય છે તેથી ચામડી ઉપર છૂટાછવાયા ભૂખરા વાળ જોવા મળે છે. આગલા તથા પાછલા પગમાં પેટના સાંધાથી નીચેનો ભાગ ભૂખરા રંગનો હોય છે.

ભડાવરી ભેંસની પ્રથમ વિયાણ વખતની ઉંમર 30 થી 66 મહિના જેટલી જોવા મળે છે. ભડાવરી ભેંસના વેતરના કુલ દુઘાળા દિવસો 188 થી લઈ 305 સુધી જોવા મળ્યા છે. જયારે વેતરનું કુલ દૂધ ઉત્પાદન 470 થી લઈ 2070 કિલોગ્રામ જેટલું નોંધાયેલ છે. દૂધમાં ફેટની ટકાવારી 8 થી 13 ટકા જેટલી જોવા મળે છે. જેથી આ દૂધના ઊંચા ભાવ ઉપજે છે.

2) નાગપુરી (ઈલીચપુરી) ભેંસ

Nagpuri Buffalo
SOURCE : INTERNET

નાગપુરી (ઈલિચપુરી) ભેંસ મુખ્યત્વે નાગપુર, વર્ધા, યવતમાલ, એકોલા, બલદાના, અમરાવતી અને અચલપુર જેવાં મહારાષ્ટ્ર રાજ્યના વિસ્તારોમાં જોવા મળે છે. આ ભેંસ ઈલીચપુરી, બેરારી, વરાડી, ગઉલાની, ગાઉલી અથવા દુર્નાથલી જેવા અન્ય નામોથી પણ સ્થાનિક લોકો ઓળખે છે. નાગપુર પ્રદેશમાં દૂધને ભારવહન માટે આ ભેંસો જાણીતી છે.

નાગપુરી ભેંસ નાના કદની ભેંસ છે તથા ગરમ હવામાનમાં જંગલ અને પર્વતાળ વિસ્તારોમાં અનુકુલન સાધી શકે છે. નાગપુરી ભેંસોનું વજન ઓછું પરંતુ કાઠું ખૂબ જ મજબૂત હોય છે. ચહેરો લાંબો અને સાંકડો શંકુ આકારનો હોય છે. ગ૨દન લાંબી તથા ડોક ભારે હોય છે. ઘણી ભેંસોમાં શીગડાં ખૂબ જ લાંબા તથા પાછળ પીઠ સુધી પહોંચતા જોવા મળે છે. ચારેય પગ લાંબા અને પાતળા હોય છે. ડુંટી એકદમ નાની અથવા તો જોવા મળતી નથી. પૂંછડી નાની તથા ઘુંટણના સાંધા સુધી પહોંચતી જોવા મળે છે. ચામડી કાળા રંગની હોય છે. પરંતુ કેટલીક ભેંસોના ચહેરા, પગે તેમજ પૂંછડીના છેડે સફેદ ટપકાની નિશાની જોવા મળે છે.

નાગપુરી ભેંસોના શરીરનું વજન 320 થી 400 કિલો તથા પુખ્ત વયના પાડાનું વજન 522 કિલો નોંધાયેલ છે, દૂધ ઉત્પાદનક્ષમતાની દૃષ્ટિએ દસ મહિનાના વેતરમાં 782થી લઈ 1518 લિટર દૂધ ઉત્પાદન જોવા મળેલ છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1043 કિલો થવા જાય છે, પ્રથમ વિયાણની વખતની ઉંમર સાડા ચાર વર્ષ અને દૂધમાં ફેટની ટકાવારી 7 થી 8.5 ટકા જોવા મળે છે.

3) નીલી-રાવી ભેંસ

Nili Ravi Buffalo
SOURCE : INTERNET

નીલી-રાવી ભેંસ પંજાબ રાજ્યના ફિરોઝપુર જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ભાગલા થયા પછી નીલી-રાવી ભેંસ ધરાવતો મોટાભાગનો પ્રદેશ પાકિસ્તાન હસ્તક જતો રહ્યો છે.

નીલી-રાવી ભેંસોનું કપાળ પહોળું અને ભારેખમ હોય છે. બન્ને શીંગડા વચ્ચે માથું ઉપસી આવેલ હોય છે. શીંગડા નાના તથા ગોળ ચક્કર વળેલા હોય છે. માથા અને ચહેરા ઉપર બરછટ વાળ જોવા મળે છે તથા ઉપસી આવેલી બે હડપચી જોવા મળે છે. ગરદન લાંબી, પાતળી અને સુંવાળી હોય છે. હડો મોટો અને ભારેખમ હોય છે તથા છાતી સુવિકસિત હોય છે. ડુટી નાની તથા પગ ટૂંકા, સીધા અને મજબૂત હોય છે. પેટ મોટું ઊંડું અને ક્ષમતા વાળું હોય છે. શરીરનો આકાર ફાચર જેવો એટલે કે આગળથી સાંકડો અને પાછળથી પહોળો થતો જોવા મળે છે. બ૨ડો પહોળો અને સપાટ હોય છે. પૂંછડીની આજુબાજુ ઢેકાના હાડકા મોટા અને ઉપસી આવેલા હોય છે. સાથળ અને કુલા મોટા, ચપટા, પહોળા તથા સ્નાયુબદ્ધ જોવા મળે છે. પૂછડી ખુબ જ લાંબી, જાડી અને ઘણી ભેંસોમાં જમીન સુધી લબડતી જોવા મળે છે. બાવલું મોટું, સુવિકસિત અને આગળ ડુટી સુધી વિસ્તરેલું જોવા મળે છે. ચારેય આંચળ સમાન અંતરે ગોઠવાયેલા હોય છે. ચામડીનો રંગ કાળો હોય છે પરંતુ ભૂખરા રંગની ભેંસ પણ જોવા મળે છે.

નીલી રાવી ભેંસની ખાસ વિશેષતા એ છે કે કપાળ, ચહેરો, ફૂલવું, પૂંછડીના છેડે તથા ખરી ઉપર પગના ભાગે સફેદ ધાબા/ટપકાં જોવા મળે છે. તે એક આવકાર્ય લક્ષણ તરીકે જોવામાં આવે છે અને જે ભેંસોના શરીર પર પાંચ કે છ ભાગો પર સફેદ ધાબા/ટપકાં જોવા મળે તેને પંચરત્ની કહેવામાં આવે છે. ભેંસોના શરીરનું વજન 450 કિલો તથા પુખ્તવયના પાડાનું વજન 600 કીલો જેટલું હોય છે. સરેરાશ 250 દિવસના વેતરમાં 1600 કિલો દૂધ ઉત્પાદન જોવા મળેલ છે. દૈનિક દૂધ ઉત્પાદન 9 થી 18 કિલો જેટલું નોંધાયેલ છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments