પશુ સંવર્ધન વિશે સંપૂર્ણ માહિતી. આદર્શ પશુપાલન ભાગ-1

નમસ્કાર ખેડૂતમિત્રો આજે આપણે આદર્શ પશુપાલનના પ્રથમ અંકમાં પશુ સંવર્ધન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમાં આપણે પશુ સંવર્ધનની મુખ્ય પાંચ બાબતો વિશે ચર્ચા કરીશું, જેમાં 1)ગામનો સાંઢ/પાડો કેવો હોવો જોઈએ. 2)પશુને વેતરે આવ્યાના ચિન્હો તથા વેતરે આવેલા પશુની લેવાની કાળજી. 3)કૃત્રિમ બીજદાનના ફાયદા 4)ગાભણ પશુની માવજત 5)પશુ પ્રજનન વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. આવી જ ખેડૂત ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરવાનો ભૂલશો નહિ. જ્યાં તમને દરેક નવી પોસ્ટની અપડેટ મળતી રહેશે.

1) ગામનો સાંઢ/પાડો કેવો હોવો જોઈએ?

 • તે શુદ્ધ ઓલાદના બધા લક્ષણો ધરાવતો હોવો જોઈએ.
 • તેનામાં દેખાતી કોઈ ખોડખાંપણ ન હોવી જોઈએ.
 • તેની ચામડી પાતળી, ખુંધ વિકસેલી ઘેરા રંગની હોવી જોઈએ.
 • તેની વૃષણ કોથળી વધુ પડતી લટકતી ન હોવી જોઈએ.
 • તે બ્રુસેલોસીસ રોગોથી મુક્ત હોવો જોઈએ.
 • તેના બંને વૃષણના કદમાં મોટો ફેરફાર ના હોવો જોઈએ.
 • પ્રવર્તમાન ચેપી રોગો સામે રસી મૂકવામાં આવેલ હોવી જોઈએ.
 • પુખ્ત ઉંમર પહેલાં તેનો કુદરતી સેવામાં ઉપયોગ કરવામાં આવતો ન હોવો જોઈએ.
 • તેની પાસેથી વાર્ષિક 100થી વધુ સેવાઓ લેવી જોઈએ નહીં.
 

2) પશુને વેતરે આવ્યાના ચિન્હો તથા વેતરે આવેલા પશુની લેવાની કાળજી.

 • પશુ બેચેની અને ઉશ્કેરાટ દર્શાવે.
 • સામાન્ય રીતે ગાય-ભેંસ 20 થી 21 દિવસે ગરમીમાં આવે છે.
 • પશુ આહાર ઓછો લે. 
 • દૂધમાં ઘટાડો થાય કે ડબકાય.
 • સરેરાશ 18 થી 24 કલાક ગરમીમાં રહે છે.
 • અન્ય પ્રાણીઓ પર કૂદકો મારે અથવા અન્ય પશુ તેના પર કૂદકો મારે ત્યારે ઉભી રહે છે.
 • ઋતુકાળમાં દેખાયા બાદ 12 થી 18 કલાકે બીજ દાન કરવાથી કે ફેરવવાથી ગર્ભ ધારણ થવાની તક વધુ હોય છે. આ સમયે લાંબી લટકતી પારદર્શક લાળી દેખાતી હોય છે.
 • સાંઢની સોબત દર્શાવે.
 • ભાંભરે, બરાડે કે દોડાદોડી કરે.
 • યોની માર્ગમાં લાલાશ દેખાય.
 • વારંવાર થોડો થોડો પેશાબ કરે.
 • તેલની ધાર જેવી ચીકણી, સ્વચ્છ પારદર્શક લાળી કરે.
 • વિયાણ બાદ પશુ 60 થી 90 દિવસે વેતરે આવે છે. તે સમયે પશુને ફેરવવું આર્થિક રીતે લાભદાયી છે.
 

3) કૃત્રિમ બીજદાનના ફાયદા :

 • ઉંચી ગુણવત્તાવાળા તથા શુદ્ધ ઓલાદના પશુ મેળવી શકાય છે.
 • સારી ગુણવત્તા વાળા સાંઢ/પાડા દ્વારા એક કુદરતી સેવા મારફત એક ગાય/ભેંસ ફાલુ થાય છે. જ્યારે કૃત્રિમ બીજદાનથી તેટલા જ વીર્યથી 70 થી 80 ગાય/ભેંસ ફાલુ કરી શકાય છે.
 • પશુઓના જાતીય રોગો ઉપર અંકુશ મેળવી શકાય છે.
 • સાંઢ-પાડાનું સંતતિ પરીક્ષણ કાર્ય સરળ બની શકે છે.
 • ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ/પાડાની તંગી નિવારી શકાય છે.
 • ઓછા સાંઢ પાડાની જરૂરિયાત રહેતી હોય નિભાવ ખર્ચ ઘટાડી શકાય છે.
 • બીજદાન સમયે માદા જનન અવયવોનું પરીક્ષણ થઈ શકે છે.
 • નર અને માદા પશુના કદની અસમાનતાનો પ્રશ્ન દૂર કરી શકાય છે.
 • ઊંચી ઓલાદના શારીરિક ખોડ ખાપણવાળા અપંગ પશુઓનું પણ સંવર્ધન શક્ય બને છે.
 • ચંચળ પશુ કુદરતી સમાગમમાં સહકાર આપતા ન હોય, તેમનું સંવર્ધન શક્ય બને છે.
 

4) ગાભણ પશુની માવજત કેવી રીતે કરવી?

 • ગાભણ પશુની દેખભાળ કરવાની હોય અલગ રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ.
 • લપસવાથી અને અન્ય પશુ દ્વારા ઇજાથી ગાભણ પશુઓને બચાવવા.
 • અન્ય બિમાર પશુથી અને ખાસ કરીને તરવાઈ ગયેલ પશુથી ગાભણ પશુને અલગ રાખવા.
 • ચરાણ દ્વારા અથવા પરિવહન દ્વારા ગાભણ પશુઓને તણાવ પહોંચાડવા નહીં.
 • પુરતા પ્રમાણમાં સ્વચ્છ અને જંતુરહિત પાણી 24 કલાક સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
 • વાતાવરણીય તાણ (વધુ પડતી ગરમી, ઠંડી, વરસાદ)થી દૂર રાખવા.
 • વિયાણના 60 દિવસ પહેલાં દોહવાનું બંધ કરવું (વસુકાવું).
 

a) રહેઠાણની કાળજી :

 • ગાભણ પશુને ચોખ્ખું, હવા ઊજાસવાળું રહેઠાણ પૂરું પાડવું.
 • ઘઉંના કે ડાંગર પરાળની સારી પથારી બનાવી આપવી.
 

b) આહારની કાળજી :

 • હલકો અને સુપાચ્ય ખોરાક આપવો.
 • મધ્યમ દૂધ ઉત્પાદન આપતા ગાભણ પશુને અંદાજે 20-25 કિલો લીલો ચારો, 3-5 કિલો સુકો ચારો અને 3-4 કિલો સમતોલ દાણ આપવું, જેથી છેલ્લા બે મહિના દરમ્યાન બચ્ચાના વધુ વિકાસને ન્યાય આપી પોષક તત્વો પૂરા પાડી શકાય તેમજ બાવલાંનો વિકાસ સારો થાય અને આવતા વેતરમાં વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય.
 • ગાભણ પશુને વિયાણના ત્રણ મહિના પહેલાં ૧૫ દિવસના અંતરાયે બે વખત વિટામિન A, D, અને E (જેમાં વિટા A 250000 IU, વીટા D 250000 IU અને વીટા E 1000 IU)ના ઇન્જકશન આપવા. જેથી ખીરૂ પૌષ્ટિક અને વધુ પ્રતિકારક દ્રવ્યો (આઈ જી)વાળું બનાવી શકાય.
 • સુવા રોગ (મીલ્ક ફીવર) ટાળવા માટે ગાભણ પશુને અઠવાડિયા પહેલાં વિટામિન D3 (100 લાખ IU)નું ઇજેકશન આપવું તેમજ 25 થી 30 ગ્રામ મીનરલ મીક્ષચર દાણ સાથે આપવું.
 • વિટામિન જેવા કે વિટામિન A, D, E ગાભણ પશુને આપવાથી ખીરામાં પ્રતિકારક દ્રવ્યનો સ્ત્રાવ અને પ્રમાણ વધારી શકાય છે. તેમજ આ જ દ્રવ્યોને બચ્ચાંના આંતરડા દ્વારા મહત્તમ શોષણ કરવા માટે વિયાણ બાદ અડધો કલાકથી સમયાંતરે ખીરૂ પીવડાવવું અને 5 ગ્રામ મીનરલ મીક્ષચર પ્રતિદિન આપવું જોઈએ. જેનાથી બચ્ચાંનો શારીરિક વિકાસ મહત્તમ થાય છે. (ગાભણ પશુઓને છેલ્લાં ત્રણ મહિના માટે 2 કિલો દાણથી વધારતા જઈ વિયાય ત્યાં સુધી 4 કિલોગ્રામ દાણ આપવું.
 

c) ફાયદા :

 • માદા પશુઓમાં ગર્ભપાતનુ પ્રમાણ અટકે છે.
 • પશુઓમાં તંદુરસ્ત-વિકસિત બચ્ચાંનો જન્મ થાય છે જેને કારણે બચ્ચાંનાં મરણ પ્રમાણનો દર નોંધપાત્ર રીતે ઘટે છે.
 • માદા પશુઓમાં મેલી સમયસર (8 થી 12 કલાકમાં) પડી જાય છે. માદા પશુઓમાં દૂધાળા દિવસો લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
 • માદા પશુઓ સમયસર (90 દિવસે) વેતરે આવે છે અને ફળી જાય છે. વિયાણ પછીના રોગો જેવા કે સુવા રોગ (મિલ્ક ફીવર), કિટોસીસ વિગેરે અને ચયાપચયના રોગો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પશુપાલકોને પશુ સારવારનો ખર્ચ ઘટે છે અને દૂધ ઉત્પાદન અથવા ઉત્પાદકતા વઘે છે.
 

5) પશુ પ્રજનન વિશેની જાણકારી :

 • દેશી વાછરડી પાડી 2 થી 2.5 વર્ષની થતાં (સંકર વાછરડી સવાથી દોઢ વર્ષની થતાં) અને ગાય ભેંસ વિયાણ પછી બે માસ બાદ તેઓ ગરમીમાં આવે છે કે નહીં તે જોવા દિવસમાં 2 થી 4 વાર ઝીણવટભર્યું અવલોકન કરવું. જો ધણ મોટું હોય તો આ માટે નસબંધી કરેલ સાંઢ/પાડા (Teaser)નો ઉપયોગ કરો. તાજી વિયાણ થયેલી ગાય ભેંસોને ઓછામાં ઓછા બે મહિના (60 દિવસ) સુધી ફેળવવી નહીં. કારણ કે વિયાણ સમયે ગર્ભાશય નું કદ મોટું થઈ ગયેલ હોય તેને મૂળ સ્થિતિમાં આવતાં સમય લાગે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં રહેલો કોઈ પણ બગાડ, સ્ત્રાવ પણ દૂર થઈ જાય છે. આમ, બે મહિના માટે પ્રજનન કાર્યમાં આરામ આપવો જરૂરી છે.
 • ગાય ભેંસ તાપે (ગરમીમાં) આવ્યા બાદ બાર થી અઢાર કલાકે ફેળવવી. બીજી રીતે કહીએ તો સવારે ગરમીમાં આવેલ ગાય ભેંસને સાંજે અને સાંજે ગરમીમાં આવેલ ગાય ભેંસને બીજા દિવસે સવારે ફેરવવી. ફેળવ્યા તારીખની નોંધ રાખવી કે જેથી વીસ-બાવીસ દિવસે જાનવર ફરીથી તાપે આવ્યું છે કે નહીં તેનું ધ્યાન રાખી શકાય અને કુલ કેટલી વાર ફેળવ્યું તે પણ જાણી શકાય.
 • સંવર્ધનલક્ષી તમામ બાબતો જેવી કે વિયાણ તારીખ, ગરમીમાં આવ્યા તારીખ, ફેળવ્યા તારીખ વિગેરેની વિગતવાર નોંધ રાખો.
 • ગાય ભેંસને ફેળવ્યા બાદ બે થી અઢી મહિને પશુ ચિકિત્સક પાસે ગર્ભાવસ્થાનું નિદાન કરાવવું.
 • ગાય/ભેંસ વિયાણ બાદ સાઈઠ-સિત્તેર દિવસમા ગરમીમાં ન આવે તો પશુ ચિકિત્સક પાસે પશુની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવવી.
 • જે ગાય ભેંસ ગરમીમાં આવતી ન હોય, અનિયમિત ઋતુકાળ દર્શાવતી હોય, વારંવાર ઉથલા મારતી હોય, ગર્ભપાત થયા હોય, વિયાણ બાદ મેલી પડતી ન હોય, માટી ખસી ગઈ હોય તેવા તમામ કિસ્સામાં પશુ ચિકિત્સક પાસે તાત્કાલિક તપાસ કરાવી જરૂરી સારવાર કરાવી લેવી.
 • ઉછરતી વાછરડી/પાડીને તેમજ દૂઝણા પશુને પૂરતો લીલો ચારો અને ખાણ-દાણ આપવા સાથે ત્રીસ ગ્રામ ક્ષાર મિશ્રણ, ત્રીસ ગ્રામ મીઠું અને વિટામીન્સ દાણમાં ઉમેરવા.
 • વિયાણ સમયે માટી ખસી જવાને લીધે કે મેલી ન પડવાના કારણે, ચેપ લાગ્યો હોય અને ગર્ભાશયમાં પરૂ આવતું હોય તેવા પશુઓને પશુ ચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરાવવી.
 • પશુ રહેઠાણમાં યોગ્ય સાફ-સફાઈ રાખવી તથા ચેપી રોગોથી પીડાતી ગાય ભેંસને જુદી બાંધવી. ખરવા-મોવાસા, ગળસુંઢો જેવા ચેપી રોગથી રક્ષણ મેળવવા રોગ પ્રતિકારક રસી સમયસર મુકાવવી.
 • ઉછરતી વાછરડી/પાડીને સમયાંતરે કૃમિનાશક દવા પીવડાવવી. ધણમાં વરસે એક વાર ક્ષય રોગ (T.B.), જહોન્સનો રોગ (J.D.) તથા ચેપી ગર્ભપાત (Brucellosis), લેપ્ટોસ્પાયરોસીસથી પીડાતા પશુઓ ઓળખી કાઢવા પરીક્ષણ કરાવવું તથા આવા પશુઓનો નિકાલ કરવો.
 
Complete Guide of animal husbandry
SOURCE : INTERNET

ખાસ મહત્વના સૂચનો :

 • અતિશય વહેલા કે ઘણું મોડું બીજદાન કરવાથી પશુની ગાભણ રહેવાની શક્યતા ઘણી ઓછી રહે છે. વારંવાર બીજદાન એટલે સમય તથા સાધનનો વ્યય અને મોડું ગર્ભધાન, સરવાળે આર્થિક નુકસાન.
 • પશુના વિયાણ બાદ છ થી આઠ કલાક માં મેલી (ઓર) ન પડે તો દેશી ઉપચાર ન કરવા. દેશી ઉપચારથી ગર્ભાશયને નુકશાન તથા ગર્ભાશયના રોગ થાય છે. આવે વખતે નજીકના પશુ સારવાર સંસ્થાનો સંપર્ક સાધવો.
 • પહેલા કે બીજા વેતરનું, તાજુ વિચાયેલ, સુવિકસિત ચુસ્ત આઉવાળું, લાંબી અને ગૂંચળાવાળી દૂધની નસવાળું તથા શરીરે તંદુરસ્ત અને ખોડખાંપણ વગરનું દૂધાળું પશુ પસંદ કરો.

Post a Comment

0 Comments