અર્ધશિયાળુ તલની વૈજ્ઞાનિક ખેતી સંપૂર્ણ માહિતી મેળવો.

Sesame farming full guide
SOURCE : INTERNET

તલ દેશનો અગત્યનો તેલીબિયાં પાક છે. તલ બીજા પાકની સરખામણીમાં ભેજની અછત સામે પ્રતિકારક શક્તિ ધરાવતો ઓછા ખર્ચે થતો પાક છે. તલનો પાકએ ટુંકા ગાળાનો પાક હોય મુખ્ય પાક તરીકે, મિશ્ર પાક તરીકે અને આંતર પાક તરીકે પણ સફળતાથી લઈ શકાય છે. આપણા દેશમાં તલ ઉગાડનાર રાજ્યોમાં ગુજરાત મોખરે છે. ગુજરાત રાજયમાં અંદાજે 3.5 થી 4.0 લાખ હેક્ટરમાં તલનું વાવેતર થાય છે. જેમાંથી આશરે 2.0 લાખ ટન ઉત્પાદન થાય છે. તલનો પાક મુખ્યત્વે ચોમાસુ ઋતુ માં લેવામાં આવે છે પરંતુ પાક પરિવર્તન અને વાતાવરણ બદલાવના આધારે તેમજ તલ લના સારા ભાવ ઉપજતાં થોડા વર્ષોથી ગુજરાતમાં ઉનાળુ અને અર્ધ શિયાળુ ઋતુમાં તલનુ વાવેતર સારા એવા પ્રમાણમાં થવા લાગ્યું છે.

Sesame farming full guide
SOURCE : INTERNET

તલમાં રહેલ તેલની ઉત્તમ ગુણવત્તા સોડમ, સ્વાદ અને સોફટનેસને કારણે તેલીબિયાં પાકની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તલના બીજમાં 46 થી 52 ટકા જેટલું તેલ ઉપરાંત 18 થી 21 ટકા પ્રોટીન રહેલું છે. બધા જ ખાદ્યતેલની સરખામણીમાં તલનું તેલ ઉત્તમ ગણાય છે. તલનું તેલ પરફ્યુમ બનાવવા, દવા માટે અને શરીરની માલિશ કરવા માટે વપરાય છે. તલનો કાચા અથવા શેકીને મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. તલના ખોળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને ફોસ્ફરસ તત્વો હોવાથી ઢોરના ખોરાકમાં તેનું મહત્ત્વ છે. આપણા રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે. ઘણી વખત ચોમાસુ ઋતુમાં વરસાદ ખૂબ જ મોડો અપૂરતો અને અનિયમિત રહે છે. આવા સંજોગોમાં ચોમાસુના મુખ્ય પાકો જેવા મગફળી, કપાસ, તુવેર, દિવેલા, બાજરી વગેરેના વાવેતરમાં જોખમ વધી જાય છે. આવા સંજોગોમાં અર્ધશિયાળુ તલના વાવેતરથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. સૌરાષ્ટ્ર અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર તથા ભાલપ્રદેશના ભાવનગર, અમદાવાદ જિલ્લામાં સંગ્રહિત ભેજમાં અર્ધશિયાળુ તલ સફળતાપૂર્વક લઈ શકાય છે.અર્ધશિયાળુ તલનો આધાર જમીનમાં સંગ્રહિત ભેજ અને શિયાળું ઝાકળ ઉપર રહેલ હોવાથી તેને ઝાકળિયા કે અર્ધશિયાળુ તલ કહેવામાં આવે છે. આ તલને પૂર્વ નક્ષત્રમાં વવાતા હોવાથી પૂર્વા, તરબીયા તલ પણ કહે છે.
 

અર્ધશિયાળુ તલનુ વાવેતર કેવા સંજોગોમાં કરવું ?

  1. ચોમાસાની શરૂઆતમાં જૂન-જૂલાઈ માસમાં સતત ભારેથી અતિભારે વરસાદ થવાથી ચોમાસામાં વાવેલા પાક નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં અર્ધશિયાળુ તલનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે.
  2. ભાલ જેવો વિસ્તાર કે જયાં ચોમાસમાં પાણી પ્લોટમાં ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અર્ધશિયાળુ તલનુ વાવેતર થઈ શકે છે.
  3. જે વિસ્તારમાં વરસાદ અનિયમિત હોય અને ચોમાસુ ઋતુના પાક લેવાની શકયતા ઓછી હોય ત્યારે અર્ધશિયાળુ તલનુ વાવેતર કરી શકાય છે.
  4. ચોમાસામાં વાવણી લાયક વરસાદ મોડો એટલે કે પાછોતરો વરસાદ ઓગસ્ટ માસમાં થાય તેવા સંજોગોમાં તલને એકલા પાક તરીકે અર્ધશિયાળુ તલનું વાવેતર કરી શકાય છે.
  5. ચોમાસામાં શણનો લીલો પડવાશ કરી અર્ધશિયાળુ તલનું વાવેતર કરી જમીન સુધારણા સાથોસાથ ઉત્પાદન પણ મેળવી શકાય છે.
  6. જે વિસ્તારમાં મુખ્ય પાકો પહોળે વવાતા હોય તે વિસ્તારમાં બે હાર વચ્ચે ખાલી પડેલ જગ્યામાં પાછોતરો વરસાદ થાય ત્યારે અર્ધશિયાળુ તલ વાવી શકાય છે.
 

અર્ધશિયાળુ તલ ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતે કરવી?

(1) જાતની પસંદગી :

આપણા રાજ્યમાં સને 1969ના વર્ષથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અર્ધ શિયાળુ તલની જાત પૂર્વા-1ની સમગ્ર ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના દાણા મોટા કદના ભરાવદાર અને બદામી લાલ રંગના હોય છે. આ જાતનાં છોડ મધ્યમ ઊંચાઈના અને ડાળીઓવાળા હોય છે. બૈઢા મોટા અને ચાર ખાનાવાળા હોય છે. મોડી પાકતી આ જાતમાં બેઢા એકાંતરે આવે છે. આ જાતને યોગ્ય માવજત આપવાથી હેકટરે સરેરાશ 400 થી 500 કિલો ઉત્પાદન મેળવી શકાય છે.
 

(2) આબોહવા :

પુર્વા તલને ચોમાસું અને શિયાળુ મિશ્રિત આબોહવા માફક આવે છે. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ માફકસર તથા હવા અર્ધ-સૂકી હોય છે. આ ઉપરાંત વહેલી સવારે ઝાકળ પડતું હોવાથી ઝાકળ અને ભેજ દ્વારા પાકની વૃદ્ધિ સારી થાય છે.
 

(3) જમીન અને પ્રાથમિક તૈયારી :

તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારી નિતાર શક્તિવાળી જમીન કે જેનો પી.એચ. આંક 5.5 થી 8.0 હોય તેવી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુક્ત ભાસ્મિક તેમજ ભારે કાળી અને ઓછા નિતાર શક્તિ વાળી જમીન માફક આવતી નથી. આગળની ઋતુના પાકના અવશેષો વીણી, હળની એક હળવી ખેડ અને કરબની બે ખેડ કરી સમાર મારી જમીન ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે જૂનુ ગળત્યું છાણિયું ખાતર હેકટર દીઠ 8 થી 10 ટન જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું. જેથી જમીનની ભૌતિક સ્થિત સુધરતાં ભેજ સંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધારો થાય છે અને પાકનું ઉત્પાદન વધુ મળે છે.
 

(4) બીજનું પ્રાપ્તિ સ્થાન :

અર્ધ-શિયાળુ તલની સુધારેલી જાત પૂર્વા-1નું શક્ય હોય તો સર્ટિફાઈડ બિયારણ વાવેતરમાં ઉપયોગમાં લેવું. આવું સર્ટિફાઈડ બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાસોલ, કૃષિ યુનિવર્સિટીઓ અગર તો અન્ય પ્રાઈવેટ અધિકૃત સંસ્થા પાસેથી મળી શકે છે.
 

(5) વાવેતર સમય :

અર્ધશિયાળુ તલનું વાવેતર 15 ઓગષ્ટ થી 15 સપ્ટેમ્બર સુધીમાં (પૂર્વા નક્ષત્રમાં) કરવું. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકની પાછલી અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.
 

(6) વાવણી અંતર, બીજનો દર અને માવજત :

અર્ધ-શિયાળુ તલનું વાવેતર બે હાર વચ્ચે 60 સે.મી. અને બે છોડ વચ્ચે 15 થી 20 સે.મી.અંતર પારવણીથી જાળવવું. તલનો હેકટરે 2.5 કિ.ગ્રા. બીજનો દર રાખી વાવેતર કરવું. તલના વાવેતર પહેલાં એક કિલો બીજ દીઠ એક લિટર પાણીમાં આઠ કલાક પલાળી, ત્યારબાદ તેનું મૂળ વજન આવે ત્યાં સુધી છાંયામાં ચૂકવ્યા બાદ વાવેતર કરવાથી, બીજનો ઉગાવો ઝડપી અને એકસરખો થાય છે. વાવેતર કરેલ વિસ્તારમાં છોડ પૂરતી અને સપ્રમાણ સંખ્યા જાળવવી એ ખૂબ જ અગત્યનું છે. તલ ના બીજ કદમાં નાના હોવાથી તેના કદની ઝીણી રેતી/માટી ભેળવી વાવેતર કરવાથી બે છોડ વચ્ચેનું અંતર સારી રીતે જાળવી શકાય છે.
 
Sesame farming full guide
SOURCE : INTERNET

બીજનો ઉગવો થયા બાદ જ્યાં ખાલી પડેલ હોય ત્યાં બીજ વાવીને ખાલા તુરત જ પુરાવા તેમજ જે જગ્યાએ વધુ છોડ હોય ત્યાં વધારાના છોડની 15 થી 20 દિવસમાં પારવણી કરી બે છોડ વચ્ચે 12 થી 15 સે.મી.નું અંતર જાળવવું. આમ કરવાથી વાવેતર કરેલ વિસ્તારમાં પૂરતા અને સપ્રમાણ છોડ રહેવાથી તેનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે, પરિણામે વધુ ઉત્પાદન મળશે.
 

(7) રાસાયણિક ખાતર :

આ પાક જો મિશ્ર પાક, આંતર પાક તરીકે અથવા લીલા પડવાશ બાદ લેવામાં આવે તો ખાતર આપવાની જરૂર રહેતી નથી. પરંતુ એકલા તલના પાક તરીકે લેવાનો હોય તો તેને હેકટર દીઠ 12.5 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 12.5 કિ.ગ્રા. ફોસ્ફરસ તત્વો પાયાના ખાતર તરીકે વાવણી સમયે ચાસમાં ઓરીને આપવા.
 

(8) પિયત :

સામાન્ય રીતે અર્ધ-શિયાળુ તલનો પાક જમીનમાં સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ ઉપર આધારિત લેવામાં આવે છે. આમ છતાં જો પૂરક પિયતની થોડી ઘણી સગવડતા હોય તો પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અને બેઢીયા અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ જણાય તો પિયત આપવાથી બૈઢીયાનો વિકાસ સારો થવાથી ઉત્પાદન વધુ મળે છે.
 

(9) પાક સંરક્ષણ

(A)જીવાત :

(1) માથા બાંધનાર ઈયળ : તલના પાકમાં મુખ્યત્વે માથા બાંધનાર ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાત ટોચના કુમળા પાન જોડી અંદર ભરાઈ રહીને પાન ખાઈ જાય છે તથા કોઈ વખત દોડવાને પણ કાણું પાડીને કોરી ખાય છે. તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 20 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 
(2) ગાંઠીયા માખી: આ જીવાત ની ઈયળ આછા પીળા રંગની હોય છે. તે ફૂલમાં અથવા કુમળા જોડવામાં દાખલ થઈ ખાય છે જેથી નુકસાન થયેલ ભાગ પાસે ગાંઠ જેવું બને છે. આ જીવાતનું નિયંત્રણ કરવા માટે ફોસ્ફામીડોન 5 મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન 10 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 

(B) રોગ :

તલમાં મુખ્યત્વે વિષાણુથી થતો રોગ જોવા મળે છે. આ રોગમાં ફૂલ બેસવાના સમયે ફૂલની વિકૃતિ થઈ નાના પર્ણમાં રૂપાંતર થાય છે અને છોડ ઉપર મોટા ગુચ્છા જોવા મળે છે. આ રોગનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલોમશી દ્વારા થાય છે. આ રોગનો ફેલાવો અટકાવવા શુષ્ક પ્રકારની દવાઓ જેવી કે મીથાઈલ-ઓ-ડીમેટોન, રોગર અથવા મોનોક્રોટોફોસ પૈકી ગમે તે એક દવા 10 લિટર પાણીમાં 10 મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત અગમચેતી રૂપે પાકની ફેરબદલી કરવી તથા ખેતર ચોખ્ખું રાખવું.
 

(10) કાપણી અને ગ્રેસિંગ :

પૂર્વા-1 તલ 110 થી 115 દિવસે પાકી જાય છે. છોડ પરના બૈઢીયા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી. આખા છોડ કાપીને તેને નાના પૂળા (બંડલ)માં બાંધવા. બાંધેલા પૂળાને ખેતરમાં અથવા ખળામાં લાવીને તેના ઉભડા કરવા. ઉભડા બરાબર સુકાઈ ગયા બાદ પૂળાઓને બુંગણમાં ઊંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા. આ રીતે થોડા થોડા અંતરે બે થી ત્રણ વખત ઘાંટામાંથી બધા બીજ છૂટા પાડવા. બીજના જથ્થાને સાફસૂફી કરી ગ્રેડિંગ કરીને શણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉનમાં સંગ્રહ કરવો.

Post a Comment

0 Comments