ફળ પાકોની ખેતીમાં વૃક્ષો પુર્ણ વયના થવા છતાં ફળ ન બેસવાના કારણો અને ઉપાય

ફળ પાકોની ખેતીમાં વૃક્ષો પુર્ણ વયના થવા છતાં ફળ ન બેસવા અથવા એકાદ બે વખત ફળો આવે પછી બંધ થઈ જવા અથવા ફૂલો આવે પણ ફળોનું સેટિંગ ન થવું અથવા ફળો સેટિંગ થયા પછી કાચાં ફળો ખરી જવા ઉપરાંત એક બગીચામાં અમુક ઝાડમાં ફળ આવે અને અમુક ઝાડમાં ન આવે અથવા એક જ ઝાડમાં અમૂક ડાળી માં ફળ આવે અને અમુક ડાળી માં ફળ ન આવે વગેરે. ફળઝાડની આ સ્થિતિને બિનફળાઉપણું કહે છે. વૃક્ષોની આ સ્થિતિ વિકટ અને બાગાયતદારો માટે મૂંઝવતો પ્રશ્ન છે. આ અંગેની માહિતી આ લેખમાં દર્શાવેલ છે.

Reasons For Fruit Falling Off A Tree

બિનફળાઉપણાના કારણો

(A) બાહ્ય કારણો

(1) હવામાન :

કોઈ પણ ફળ પાક માટે પર્યાવરણના પરિબળો તેની સફળતા-નિષ્ફળતા પર મુખ્ય ભાગ ભજવે છે દા.ત. દાડમ, બોર, આમળા વગેરે સુકા પ્રદેશના ફળપાકો છે. પરંતુ તેને જો દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ વાળા અને ભારે કાળી જમીનમાં રોપવામાં આવે તો ફૂલો માટે જો ભેજ વગરનું સૂકુ હવામાન ન મળે તો છોડ વાનસ્પતિક વૃદ્ધિ છોડી ફળ બેસવાની પ્રક્રિયામાં ન બેસે અને ફૂલો ન આવે, રોગ-જીવાત વધારે લાગે તેવી જ રીતે ઉષ્ણકટિબંધના ફળ પાકો જેવા કે નાળિયેરી, કેળા, પાઈનેપલ વગેરે ફળપાકો ભેજ વગરના સૂકા વિસ્તારોમાં ન થઈ શકે. તેથી તેવા ફળ પાકોમાં વધારે ગરમી અને વધારે ઠંડીથી ફલિનીકરણ ન થાય. દા.ત. ૧૫° સે. નીચે અને ૩૫° સે. કરતા વધારે ગરમીથી માદા ફૂલોના બોરીયા ઉપર નો રસ સુકાઈ જતા ફલિનીકરણ ન થાય. દરેક ફળ પાકની ઉષ્ણતામાન ની જરૂરિયાત અલગ અલગ
હોય છે.
 

(2) વરસાદ :

ફળપાકોમાં વરસાદ, જથ્થો, તિવ્રતા અને સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફૂલો આવવાનો સમય દરમિયાન જ વરસાદ હોય તો પરાગરજ ધોવાઈ જાય અને માદા ફૂલોના બોરીયા ઉપર નો રસ પણ ધોવાઈ જાય જેથી ફલિનીકરણ થતું નથી. ઉપરાંત વરસાદની ગતિ તીવ્ર હોય તો પરાગરજની હેરફેર જે મધ માખી અને ઉડતી જીવાતો દ્વારા થાય છે તે જિવાત વરસાદમાં નિષ્ક્રિય થતાં પણ ફલિનીકરણ થતું નથી. દા.ત. આંબામાં અને બોરમાં ફૂલો વખતનો વરસાદ અને વાદળછાયું વાતાવરણ, રોગ-જીવાતનો ઉપદ્રવ વધારી દે છે અને છોડ વાનસ્પતિક વૃદ્ધિ ઉપર ચડી જાય છે.
 

(3) પવન :

મોટા ભાગના ફળપાકોમાં મધમાખી, ઘરમાખી અને અન્ય પાંખોવાળા જીવાત દ્વારા પરાગનયન થાય છે. જો પવનની મંદ ગતિ (૮ કિ.મી./કલાકે) હોય તો આ જીવાત પરાગરજ હેરફેરમાં સારું કામ કરે પરંતુ ગતિ વધે તો (૨૫ કિ.મી./કલાકે) હરફર ધીમી પડી જાય દા.ત. નાળિયેરી, આંબો, બોર વગેરે.
 

(4) જમીન :

કોઈપણ ફળપાકને ઊંડી, ગોરાડુ, મધ્યમ કાળી અને નિતારવાળી જમીનની જરૂરિયાત છે પરંતુ તેમ ન હોય તો પ્રશ્નોવાળી જમીનને ધ્યાને લઈ તેની સુધારણાનો અવકાશ જાણી ને પાક પસંદ કરવો. દા.ત. ચીકુ, જામફળ, બોર વગેરે ને થોડી ખારાશવાળી, થોડી ચીકણી અથવા સાધારણ નિતારવાળી જમીન હોય તો પણ ચાલે. જ્યારે લીંબુ, કેળ, પપૈયા વગેરે ને ફરજીયાત સારી જમીન જોઈએ કે જે ખારાશ સહન કરી શકતા નથી. ઉપરાંત જમીનને ફળદ્રુપ રાખી ઉત્પાદકતા જાળવવી જોઈએ.
 

(5) પોષક તત્ત્વો :

દરેક ફળ ઝાડને ઉંમર અને વિકાસનો તબક્કો,આરામનો સમય વગેરે ધ્યાને લઈ સમતોલ, સમયસર અને કાર્યરત મુળ વિસ્તારમાં ખાતરો આપવા. તેના માટે સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવવી જેમા દેશી ખાતર, તૈયાર સેન્દ્રિય ખાતર, લીલો પડવાશ, જીવામૃત, કઠોળ મિશ્ર પાક તરીકે તથા પાક ફેરબદલી, વર્મિકમ્પોસ્ટ ખોળ, પ્રેસમડ, પોલ્ટીમેન્યુર, રોક ફોસ્ફટ, બોનમીલ તથા જૈવિક ખાતર જેવા કે એઝેટોબેકટર, ફોસ્ફો બેકટેરીયા, પોટાશ બેકટેરીયા, સલ્ફર બેકટેરીયા, ઝિંક બેકટેરીયા, વામ હ્યુમિક એસિડ, ફલુવિક એસીડ, એમિનો એસિડ, વગેરેને સમજણ પૂર્વકની પાકની જરૂરિયાત ધ્યાને લઈ પાણીમાં ઓગળતા મુખ્ય ખાતર તથા ગૌણ ખાતરોનું પાન દ્વારા પોષણ આપી શકાય તેમ જ જરૂર પ્રમાણે થોડા ડ્રીપમાં તથા છંટકાવના રૂપમાં આપી શકાય જેથી મોંઘા રાસાયણિક ખાતર નો ખર્ચ બચાવી શકાય.
 

(6) વૃદ્ધિ નિયંત્રકો (પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ) :

વૃદ્ધિ નિયંત્રકો ઘણા જ નાના જથ્થામાં પણ સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ફળપાકોમાં ફૂલો લઈ આવવા, વાનસ્પતિક વૃદ્ધિ કરવા અથવા અટકાવવા, ફળ ખરતા અટકાવવા, ફળ નું સેટિંગ કરવુ, માદા ફૂલોની સંખ્યા વધારવા, ફળો વહેલા પકવવા અથવા મોડા પકવવા વગેરે બાબતો અંગે ચોક્ક્સ હેતુ સાથે ચોક્કસ જથ્થામાં અને ચોક્કસ સમયે ઉપયોગ કરવામાં આવે તો ફળપાકોમાં ઉત્પાદન અને ગુણવત્તા સુધારી શકાય.
 

(7) પાક સંરક્ષણ :

આ ખૂબ અગત્યના મુદ્દો છે. રોગ, જીવાત, વાયરસ, કૃમિ તેમજ દેહધાર્મિક વિકૃતિ ઓળખી, નિદાન કરી, યોગ્ય માવજત સમયસર અને ભલામણ પ્રમાણે કરવી જરૂરી નહી પણ અનિવાર્ય છે. દા.ત. આંબાના તડતડીયાં અને ભૂકી છારો. આ જીવાત અને રોગ એટલી ભયંકર છે કે ફૂલો થી ભરપુર આંબામાં વેણી વખતે કંઈ હાથમાં ન આવે. તેવી જ રીતે મીલીબગ, ફળમાખી, થ્રિપ્સ, લીફમાયનર, વાયરસ, ગુંદરીયો, સુકારો, કેન્કર, લીફ બ્લાઈટ, કૃમિ વગેરેના નિયંત્રણ માટે ચોક્કસ પ્રકારની જંતુનાશક, ફૂગનાશક અને કૃમિનાશક દવા તેની માત્રા અને છંટકાવ કરવા માટેનો ચોક્કસ સમય જાણીને ઉપાયો યોજવામાં આવે તો જ ધાર્યું પરિણામ મળી શકે.
 

(8) પિયતના પાણીની ગુણવત્તા અને જથ્થો :

પિયત પાણી ગુણવત્તા અને જથ્થો તપાસી પાક ની પસંદગી કરવી. દાંત. લીંબુ, આંબા, કેળ વગેરે ખારાશ સહન કરતા નથી એટલે પાણીનો ટી.ડી.એસ. ૧000 કરતાં વધારે હોય તો આ પાકો પસંદ ન કરવા તેની સામે દાડમ, બોર, જામફળ, આમળા, ખારેક પસંદ કરી શકાય. પાણીની તંગી હોય તો લીંબુ, દાડમ, કેળ, પપૈયા, ચીકુ વગેરે પાક પસંદ ન કરવું. તેની સામે જામફળ, બોર, સીતાફળ, આમળા જેવી ઓછા પાણીની જરૂરિયાત વાળા પાક પસંદ કરી શકાય.
 
ફળ પાકને પાણી જરૂરિયાત જાણી લેવી, ક્યારે, કેટલું અને કેવી રીતે પિયત આપવું દા.ત. સૂકા પ્રદેશના ફળપાકોને આરામ ના સમયમાં પાણી આપીએ તો વાનસ્પતિક વિકાસ થાય. પાણી, સ્થાનિક પરિસ્થિતિ, હવામાન અને વિકાસના તબક્કા ધ્યાને લઈ આપવું.
 

(9) પ્રકાશ :

સામાન્ય રીતે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના તમામ ફળ પાકોના વૃક્ષોના ઘુમ્મટને ખુલ્લો પ્રકાશ મળે તે જરૂરી છે. એક પાક બીજા પાકનો પ્રકાશ રોકે, સાંકડા ગાળે વાવેતર, દીવાલ, પવન અવરોધક વાડના કારણે છોડને ઓછો પ્રકાશ મળે તો ફળ બેસવાનો પ્રશ્ન બનશે. એટલે દરેક ફળ પાકની પ્રકાશ ની જરૂરિયાત ધ્યાને લઈ રોપણી કરવી. સામાન્ય રીતે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં ઉત્તર-દક્ષિણ સાંકડા અંતરે અને પૂર્વ-પશ્ચિમ લાંબા અંતરે વાવેતર કરવું. દા.ત. આંબામાં સાંકડે અંતરે રોપણીમાં પૂર્વ-પશ્ચિમ ૨૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણ ૧૫ ફૂટ અંતર રાખી શકાય.
 

(10) ફળપાકોની જાતો :

ફળ પાકોની ખેતી માં શરૂ માં કરેલી ભૂલો પાછળથી સુધારી શકાતી નથી જેથી રોપા/કલમ બીજ શુદ્ધ જાતિના, યોગ્ય વિકાસ પામેલા હોય, તેમજ કલમ માટે વપરાયેલ મૂલકાંડ અને માતૃછોડની ખાત્રી હોય તેવા જ છોડ/કલમ રોપા જોઈને પસંદ કરવા જેથી પાંચ વર્ષ પછી પસ્તાવું ન પડે.
 

(11) તાલીમ અને છાંટણી :

દરેક ફળ ઝાડને ભલામણ પ્રમાણે તાલીમ આપવી અનિવાર્ય છે દા.ત. આંબા, ચીકુ, લીંબુ, બોર, જાંબુને એક જ થડે વધવા દઈ તાલીમ આપવી જ્યારે દાડમ, સીતાફળ, ફાલસાને ૪-૫ થડે થવા દેવામાં આવે છે. આ ઉપરાંત દ્રાક્ષ બોર, જામફળ, લીંબુ વગેરે ભારેથી હળવી વાર્ષિક છાંટણી અનિવાર્ય છે. છાંટણી સમયસર કરવી.
 

(12) છોડની ઉંમર અને જુસ્સો :

દેહ ધાર્મિક રીતે ફળછોડ ક્યારે પુર્ણતા પામે છે તે જાણી રાખવું દા.ત. આંબા, ચીકુ, નાળિયેરી, ખજૂરી ૮-૧૦ વર્ષે પુષ્ટ બને છે. જયારે લીંબુ, બોર, જામફળ ૪-૫ વર્ષે અને દાડમ, સીતાફળ ૩-૪ વર્ષે પુર્ણ બનતા ફૂલ, ફળ આવે છે. જ્યારે ફળ વૃક્ષ પૂર્ણ વયના બને ત્યારે અર્થક્ષમ ઉત્પાદન મળે છે. આવી પરિસ્થિતિ ન હોય તો પ્રશ્ન સમજી ઉકેલ મેળવવો.
 

(13) સ્થળ : દેશ-પ્રદેશ :

જે તે વિસ્તારોને અનુકૂળ જ ફળ ઝાડ ની પસંદગી કરવી. દાંત. કેસર કેરી જૂનાગઢ જિલ્લામાં થાય તેવી ઉત્તર ગુજરાતમાં ન થાય. તેવી જ રીતે સુંદરી/હાફૂસ જાત કન્યાકુમારીમાં જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં પાકે તે આપણે ત્યાં ગુજરાતમાં ન પાકે.
 

(B) આંતરિક પરિબળ :

(1) વારસાગત વંધ્યત્વ :

ઘણા ફળ વૃક્ષના ફૂલોના નર-માદા ફુલોના જાતીય અંગો વિકસિત ન હોય તો ફલિનીકરણ ન થાય. ઘણી વખત એક જ જાતના ફળ ઝાડની પરાગરજને તે જાતના ઝાડમાં ફલિનીકરણ ન કરી શકે અને ઘણી વખત માદા ફૂલોની ઓવરી વાંધાજનક હોય તો પણ ફલિનીકરણ ન થાય. ઘણી વખત નર અને માદા ફૂલોની પરિપકવતાનો સમય એક સાથે ન હોય દા.ત. નાળિયેરીમાં નર ફૂલો પરિપક્વ થઈ ખરી જાય પછી ૩-૪ દિવસે માદા ફૂલો પરાગરજ ધારણ કરવા સક્ષમ બને જેથી ફલિનીકરણ ન થાય. ક્યારેક નર પરાગરજ માદાને મળે જ નહી દા.ત. ખારેકમાં મેદાને પરાગરજ આપવામાં ન આવે તો ફલિનીકરણ ન થાય, ઘણી પરાગરજ જ કાર્યક્ષમ ન હોય.
 
ઘણી વખત વહેલા આવેલ ફૂલોમાં ફલિનીકરણ ઓછું થાય પરંતુ મોડા આવેલ ફૂલોમાં વધારે થાય દા.ત. આંબામાં ઘણી વખત ફલિનીકરણ થઈ ગયું હોય પરંતુ પરિપક્વતા પહેલા ગર્ભપાત થઈ જાય અને ફળ ખરી જાય.
 
દ્વિગૃહી વૃક્ષમાં નર છોડની પસંદગી પણ અગત્યનું છે. દા.ત. પપૈયા અને ખારેકમાં ૧૦ ટકા સારા પસંદગીના નર છોડ વાવવા જોઈએ અને પરપરાગીત ફળ ઝાડ દા.ત. આંબા તથા આમળા આવા ફળ વૃક્ષોમાં ખૂબ જ નર ફૂલો પેદા કરતા વૃક્ષો પસંદ કરવા. ઉપરાંત માદા ફૂલો પરાગરજ ગ્રહણ કરવા સક્ષમ હોય ત્યારે નર ફૂલોની પરાગરજ ફલિનીકરણ કરવા સક્ષમ હોવી જોઈએ ઘણા ફળઝાડમાં એક જ ફૂલોમાં નર અને માદાના અંગો આવેલ છે પરંતુ તે બંને પૈકી એક અંગ નર અથવા માદા સક્ષમ હોય જેને આભાસી ફૂલો કહે છે દા.ત. દાડમ, આંબો વગેરે ત્યારે અન્ય જાતના થોડા વૃક્ષ રોપવા જોઈએ. દા.ત. કેસર કેરીના બગીચામાં થોડા રાજાપુરીના ઝાડ રોપવા તથા ગુજરાત આમળાની વાડીમાં થોડા N.A.7ના ઝાડ રોપવા જોઈએ. ઘણી વખત ફૂલોના બંધારણમાં ખામી જેમ કે નર પરાગતંતુ નીચે હોય અને ટૂંકી હોય અને માદાને ધારણ કરતી નલિકા ઊંચે હોય એટલે પરાગરજ કેસરને પહોંચે જ નહીં. જેથી ફલિનીકરણ ન થાય જે કાજુ, ચીકુ અને દાડમમાં જોવા મળે છે. ઘણી વખત પરાગરજ વંધ્યત્વ ધરાવતી હોય, ઘણી વખત માદા અંડકોષના ફલિનીકરણ થયા બાદ વિકાસ ન થાય. ઘણી વખત નરફૂલની પોલન ટ્યૂબનો જ વિકાસ ન થાય.
 
અંતમાં ફળપાકોમાં બિનફળાઉપણામાં બહાર અને અંદરના અનેક પરિબળો ભાગ ભજવે છે જે પૈકી આપણે તેને જાણી અને શક્ય તેટલું ઉપાયો યોજીએ તો મહદ્અંશે સફળતા પ્રાપ્ત કરી શકીએ.

Post a Comment

0 Comments